વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા ABPL પરિવારે ઉત્સવી માહોલને માણવા નિકટના મિત્રગણને તેમની હેરો ઓફિસ ખાતે આમંત્રિત કર્યા હતા. મહેમાનોમાં હેરોના ડેપ્યુટી મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલ, દેવેન સંઘાણી, સુભાષભાઈ ઠકરાર OBE, કૃષ્ણાબહેન પૂજારા, જયકિશન વાલા, એઈરિન, સીબી પટેલ, કાન્તિભાઈ નાગડા MBE, જ્યોત્સનાબહેન શાહ, સુભાષ પટેલ, કિશોર પરમાર, પૂજાબહેન રાવલ, તનિશા ગુજરાથી, આશાબહેન પટેલ, રાજેન્દ્ર જાની અને ઓમકાર નાઈકનો સમાવેશ થયો હતો.
આ મેળાવડાએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી મેગેઝિન તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને સંબંધિત મહત્ત્વના વિષયો ઉપરાંમત, સાપ્તાહિકોની અસરકારક યાત્રા અને કોમ્યુનિટીને તેમના પ્રચંડ યોગદાનની જીવંત ચર્ચાનો મંચ પૂરો પાડ્યો હતો.
ABPL ગ્રૂપના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર અને યુકે ઓપરેશન્સના અગ્રેસર પૂજાબહેન રાવલે સહુ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તેમના અવિરત સપોર્ટ બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગત થોડા મહિનાઓમાં અમલી બનાવાયેલા રચનાત્મક પરિવર્તનોને હાઈલાઈટ કર્યાં હતાં જેના પરિણામે, કામગીરી વધુ સરળ અને કાર્યક્ષમ બની હતી. તેમણે આ વર્ષના દિવાળી અંક વિશે પ્રતિભાવ આપતાં તેને વિષયો અને વાચનસામગ્રીમાં સમૃદ્ધ અને સુગ્રથિત પેકેજ સમાન ગણાવ્યો હતો. તેમણે દિવાળી દરમિયાન પણ સાપ્તાહિક પ્રકાશનો યથાવત રહે તથા વાચકોને ઉત્સવી માહોલમાં પણ સમાચાર અને ઈવેન્ટ્સના અપડેટ્સ મળતાં રહે તેની ચોકસાઈ રાખવા બદલ ટીમની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત, તેમણે યુકે અને ભારતીય ટીમોમાં વધેલી આત્મશ્રદ્ધાની પણ નોંધ લીધી હતી અને તેઓ સામૂહિક પ્રયાસો થકી આ યાત્રા જ્ઞાન અને સેવા યજ્ઞના માર્ગ પર આગળ વધતી રહે તેનું લક્ષ્ય સાધવાને સમર્પિત હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે ગુજરાત સમાચાર, ન્યૂ લાઈફ અને એશિયન વોઈસ સાથે તેમની 42 વર્ષની પ્રેરણાદાયી યાત્રા વિશે જણાવ્યું હતું તેમજ આ પ્રકાશનોના વિકાસ અને રુપાંતરણના સાક્ષીરૂપ તેમની ભૂમિકાને સંભારી હતી. આ સમાચાર સાપ્તાહિકો કેવી રીતે સમાચાર, સાંસ્કૃતિક કથાઓ અને વાચનસામગ્રીના સુગઠિત સમન્વય સાથે વાચકોની પેઢીઓને માહિતગાર કરવા, પ્રેરણા આપવા અને સંપીલા બનાવવાનું કાર્ય કરતાં હતાં તે પણ તેમણે જણાવ્યું હતું. આ વાચનસામગ્રી આપણી માતૃભાષા સહિતના મૂલ્યો તેમજ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓને આગળ વધારવાને સમર્પિત હતી. તેમણે સીબી અને ABPL ગ્રૂપ દ્વારા ફીજી ભારતીયો અને હોંગ કોંગની ભારતીય કોમ્યુનિટીઓના અધિકારો, રાષ્ટ્રીયતા અને ઈમિગ્રેશન કાયદાઓ અને રેસિસ્ટ પરિબળોનો સામનો કરવા, હરે કૃષ્ણ મંદિરને સમર્થન, બ્રિટિશ એશિયનો માટે ડાયરેક્ટ ફ્લાઈટ્સ હાંસલ કરવાની લડત તેમજ કોમ્યુનિટીની અન્ય અસંખ્ય જરૂરિયાતોનો હલ લાવવાની હિમાયતો સહિત અસરકારક અભિયાનોને પણ યાદ કર્યાં હતાં. આ પ્રયાસોએ કોમ્યુનિટી પ્રવૃત્તિવાદના મોખરે રહેવા અને બ્રિટિશ એશિયનોના અધિકારોને રક્ષવામાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરી હતી. જ્યોત્સનાબહેને કોકિલાબહેન પટેલ અને કિશોરભાઈ પરમારના અમૂલ્ય સપોર્ટને પણ બિરદાવ્યો હતો જેમના નિષ્ઠાવંત પ્રયાસોએ કોમ્યુનિટીના કલ્યાણ અને ABPLના વિકાસને નોંધપાત્રપણે આગળ વધાર્યા હતા.
ABPL ગ્રૂપના વિશેષ સલાહકાર કાન્તિભાઈ નાગડા MBEએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના હાર્દરૂપ સિદ્ધાંતો અને પ્રાથમિકતાઓ વિશે જણાવ્યું હતું અને યુકેમાં કોમ્યુનિટીના બહેતર કલ્યાણને સતત સપોર્ટ આપતા એકમાત્ર વંશીય પ્રકાશનો તરીકે હાઈલાઈટ કર્યા હતા.
આ પ્રસંગે સુભાષભાઈ ઠકરાર OBEએ ABPL ગ્રૂપ સાથે તેમના દીર્ઘકાલીન સંબંધોને યાદ કર્યા હતા. તેમણે આ મેળાવડાનો હિસ્સો હોવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને તેઓ ક્વી રીતે સમયાંતરે આ પ્રકાશનોના વિકાસ અને વૃદ્ધિના સાક્ષી બની રહ્યા તેના સ્મરણો પણ રજૂ કર્યા હતા. તેમણે કોમ્યુનિટી ન્યૂઝપેપરની ભૂમિકાઓ અને જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા ગત વર્ષના પ્રોજેક્ટ ‘આઈ ઓફ ટુમોરો’ પુસ્તકમાં તેમની સહભાગિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભવ્ય ઈવેન્ટમાં લોન્ચ કરાયેલા આ પુસ્તકને વાચકો અને સમર્થકોનો બહોળો આવકાર પ્રાપ્ત થયો હતો. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ એટલી મૂલ્યવાન અને સુગ્રથિત વાચનસામગ્રી પૂરી પાડે છે કે આ દેશમાં રહેતી કોઈ પણ વ્યક્તિ અન્ય રાષ્ટ્રીય દેનિકપત્રો વાંચવાની જરૂર વિના જ તેમના માટે આવશ્યક તમામ કોમ્યુનિટી ન્યૂઝ મેળવી શકે છે.
જયકિશન વાલાએ આપણા પ્રકાશનોનું મૂલ્ય કેવી રીતે વધારી શકાય તેના વિશે સૂચનો અને સમજ પૂરા પાડ્યા હતા. આ દરમિયાન, પ્રતિષ્ઠિત સંસ્થા એન્ફિલ્ડ સહેલીનાં સીઈઓ કૃષ્ણાબહેન પૂજારાએ તેમના કાર્ય તેમજ તેમની સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ માટે હાથ ધરાયેલી પહેલો વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. ગાઢ મિત્ર તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના સમર્થક તરીકે તેઓ સોનેરી સંગતના ઘણા એપિસોડ્સના આયોજન માટે કારણભૂત રહ્યાં છે. તેમણે તાજો દિવાળી અંક જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો અને તેની ગુણવત્તા અને વાચનસામગ્રીની પ્રશંસા કરી હતી.
હેરોના ડેપ્યુટી મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલ ખાસ કરીને BAPS અને અન્ય સામાજિક પહેલો સહિત વિવિધ હેતુઓને સમર્પિત હોવાં સાથે આપણી કોમ્યુનિટીનું‘ પ્રતિનિધિત્વ કરતાં અગ્રણી નેતા છે. આ સાંજનો હિસ્સો બની રહેવાનો આનંદ વ્યક્ત કરવાં સાથે તેમણે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રયાસોને બિરદાવ્યાં હતાં. તેમણે સમાજની સેવા કરવામાં બંને પ્રકાશનોને અવિરત સફળતા મળતી રહે તેવી શુભકામના પાઠવી હતી.
હેરો બિઝનેસ સેન્ટરમાં રીઅલ એસ્ટેટના વડા તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના દીર્ઘકાલીન પ્રખર સમર્થક રહેલા દેવેન સંઘાણીએ આ મેળાવડાનો હિસ્સો બની રહેવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાની શ્રેષ્ઠ ક્ષમતા સાથે ABPL ગ્રૂપને આગળ વધવામાં સપોર્ટ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.
ગુજરાતના પાલનપુરના વતની અને પૂજાબહેન રાવલના પિતા રાજેન્દ્રભાઈ જાની હાલ યુકેની મુલાકાતે આવેલા છે. તેમણે તેમની દીકરી પૂજા રાવલે બ્રિટિશ ગુજરાતી સમાજને આપેલા નોંધપાત્ર યોગદાન વિશે ગૌરવ અને આનંદ વ્યક્ત કર્યા હતા. દીકરીના સંસ્થા પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા તેમજ તેના વિકાસમાં ભજવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાને તેમણે બિરદાવી હતી.
ABPLમાં વિવિધ કામગીરી સાથે સંકળાયેલાં તનિશા ગુજરાથીને મૂલ્યવાન સૂચનો બદલ બિરદાવાયાં હતાં અને તેમણે આ પ્રસંગે પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. આશાબહેન પટેલે પોતાના અનુભવોની વાત કરવાં સાથે ABPLનો હિસ્સો બની રહેવાનો સંતોષ પ્રગટ કર્યો હતો. એઈરિને પણ ABPLના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરી હતી.
સીબીએ ABPLમાં અર્થસભર યોગદાન આપી રહેલા નવયુવાન અને પ્રતિભાશાળી ઓમકાર નાઈકનો પરિચય કરાવ્યો હતો. તેઓ ટીમ સાથે વધુ સંકળાવા માટે ઉત્સાહ ધરાવે છે.
સીબીએ મહાનુભાવો અને ટીમની ઉપસ્થિતિ સંદર્ભે ભારે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ABPL કામયાબી હાંસલ કરી રહ્યું છે અને વધુ ઊંચાઈઓ સર કરવા થનગને છે. તેમણે સ્વીકાર્યું હતું કે કોઈ પણ બિઝનેસની યાત્રામાં ચડાવ અને ઉતાર આવતા જ રહે છે, તે યાત્રાનો એક ભાગ જ છે પરંતુ, તેમની ટીમની તાકાત અને સહયોગ ABPLની સફળતાની ચાવી છે અને ભવિષ્યમાં વધુ સભ્યો ટીમ સાથે જોડાઈ શકે છે. ABPL અગાઉ કરતાં પણ વધુ જોશ અને ઉત્સાહ સાથે કોમ્યુનિટીની સેવા કરવાનું ચાલુ રાખશે.
ABPL ગ્રૂપના એડવર્ટાઈઝિંગ મેનેજર કિશોરભાઈ પરમારે આભારવિધિ કરી હતી અને આ પ્રસંગનો હિસ્સો બની રહેવા બદલ દરેકનો આભાર માન્યો હતો. હળવાં રિફ્રેશમેન્ટ સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું.