લંડનઃ બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીન (BAPIO) વેલ્સની વાર્ષિક બેઠક અને ભવ્ય એવોર્ડ્સ ડિનરનું આયોજન કાર્ડિફ ખાતે શનિવાર, 5 એપ્રિલ 2025ના દિવસે યોજાયું હતું. આ કોન્ફરન્સ માટે 130થી વધુ મેડિકલ પ્રોફેશનલ્સનું રજિસ્ટ્રેશન થયું હતું અને વેલ્સના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર્સ લોર્ડ કાર્વીન જોન્સ અને પ્રોફેસર માર્ક ડ્રેકફોર્ડ અને સોશિયલ જસ્ટિસ માટેના કેબિનેટ સેક્રેટરી અને વેલ્સ ગવર્મેન્ટમાં ચીફ વ્હીપ જેન હટ MS સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ તેમને સંબોધનો કર્યાં હતાં. પ્રોફેસર હસમુખ શાહ BEMએ ડેલિગેટ્સનું સ્વાગત કર્યું હતું અને યુનાઈટેડ કિંગ્ડમમાં કામ કરતા 100,000 ભારતીય મૂળના ડોક્ટર્સ વતી BAPIO દ્વારા કરાતા કાર્યો વિશે જાણકારી આપી હતી.
કોન્ફરન્સને સંબોધતા પ્રોફેસર કેશવ સિંઘલ CBEએ જણાવ્યું હતું કે BAPIOનો હેતુ સમાનતા, વૈવિધ્યતા અને સમાવેશિતા મારફત ઉત્કૃષ્ટ પેશન્ટ સારસંભાળને આગળ વધારવાનો છે. તેમણે કોવિડ મહામારીના ગાળામાં યુનાઈટેડ કિંગ્ડમમાં ઉપયોગમાં લેવાયેલા અને જાન બચાવનારા વેલ્સ રિસ્ક એસેસમેન્ટ ટૂલ્સને દાખલ કરવામાં BAPIO વેલ્સની સફળતાને હાઈલાઈટ કરી હતી. કોન્ફરન્સના ચીફ ગેસ્ટ અને વેલ્સના હેલ્થ મિનિસ્ટર જેરેમી માઈલ્સે દ્વારા કરાતા સફળતાદર્શક કાર્યમાં ભારે રસ દર્શાવ્યો હતો.
દિવસની કોન્ફરન્સ પછી યોજાયેલી બેન્ક્વેટ કોન્ફરન્સમાં 140 ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. યુકે સરકારમાં વેલ્સ માટેના સેક્રેટરી ઓફ સ્ટેટ જો સ્ટીવન્સ ચીફ ગેસ્ટ હતા અને તેમણે પોતાનાં સંબોધનમાં BAPIOની કામગીરીને બિરદાવી હતી. અન્ય માનવંતા મહેમાનોમાં લોર્ડ લેફ્ટનન્ટ ઓફ સાઉથ ગ્લેમોર્ગન મિસિસ મોરફડ મેરેડિથ, વેલ ઓફ ગ્લેમોર્ગનના સાંસદ કનિષ્કા નારાયણ અને કાર્ડિફના એસેમ્બલી મેમ્બર જુલી મોર્ગનનો સમાવેશ થયો હતો.
આ પછી નીચે જણાવ્યા મુજબ સભ્યોને એવોર્ડ્સ એનાયત કરાયા હતાઃ
• જેન હટ MS, સોશિયલ જસ્ટિસ માટેના કેબિનેટ સેક્રેટરી અને વેલ્સ ગવર્મેન્ટમાં ચીફ વ્હીપને - ઈન્સ્પિરેશનલ લીડરશિપ ઈન વેલ્સ એવોર્ડ એનાયત કરાયો હતો.
• ડો. નીતા બાયરપ્પા, કન્સલ્ટન્ટ ફોરેન્સિક સાઈકિઆટ્રિસ્ટને - વિમેન્સ રોલ મોડેલ એવોર્ડ એનાયત કરાયો હતો.
• મિ. અનિલ સિંઘલ, કન્સલ્ટન્ટ ઓર્થોપીડિક સર્જનને - પ્રોફેશનલ એક્સેલન્સ એવોર્ડ એનાયત કરાયો હતો.
• મિ. સંદીપ હેમ્માડી, કન્સલ્ટન્ટ ઓર્થોપીડિક સર્જનને - કોમ્પેશનેટ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો હતો.