BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર તા. ૨૯ ઓગસ્ટના રોજ BAPS ચેરિટીઝ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનને £૨૫,૦૦૦નો ચેક અર્પણ કરાયો હતો. વર્ષના આરંભે શરૂ કરાયેલી BAPS ચેરિટીઝ એન્યુઅલ ચેલેન્જમાં ભાગ લેનારા નાના બાળકોથી માંડી નેવું વર્ષ સુધીના વૃદ્ધો સહિત હજારો લોકો દ્વારા આ ભંડોળ એકત્ર થયું હતું.
કાર્ડિયોવાસ્ક્યુલર રીસર્ચમાં દેશના સૌથી મોટુ સ્વતંત્ર ભંડોળ આપતી સંસ્થા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન વતી એસોસિયેટ ડિરેક્ટર ડો. માઈક નેપ્ટન આ ચેક લેવા ઉપસ્થિત હતા. આ વર્ષની ચેલેન્જમાં ભંડોળ એકત્ર કરનારાઓને ૧૦ કિલોમીટર ચાલવા કે દોડવાથી માંડી સ્કાય ડાઈવિંગ તેમ જ લંડનથી બ્રાઈટન અથવા લંડનથી પેરિસ સુધી બાઈક રાઈડ સહિતની વિવિધ શારીરિક પ્રવૃત્તિઓનો સામનો કરવાની તક મળી હતી.
ચેકની અર્પર્ણવિધિ પછી ડો. નેપ્ટને સભાને BAPS ચેરિટીઝના ફાળાની અસર વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘તમે ઉદાર હાથે આપેલા £૨૫,૦૦૦ના દાનનો ઉપયોગ બાળકો અને પુખ્ત લોકોને જીવનના પાયારૂપ ટેકાની તાલીમ માટે કરાશે. તમારા ઉદાર દાનથી અમે હજારો જિંદગી બચાવી શકીશું.’
BAPS ચેરિટીઝના અગ્રણી સ્વયંસેવક ડો. મયંક શાહે કહ્યું હતું કે, ‘આ વર્ષની ચેલેન્જમાં ભાગ લેનારા અને વોલન્ટીઅર્સના પ્રયાસો કાર્ડિયાક એરેસ્ટથી પીડાતા લોકોનું જીવન બચાવી શકશે તે ઘણાં આનંદની વાત છે. આ હાંસલ કરવામાં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન સાથે સહયોગી બનવાની અમને ખુશી છે અને આ મહાન કાર્યમાં દીર્ઘકાલીન ટેકો આપવા અમે આતુર છીએ.’