૧૪ ઓગસ્ટને શુક્રવારે BAPS ચેરિટીઝ દ્વારા સુઝેન જી. કોમેન સંસ્થાને સ્તન કેન્સર પીડિત અને જીવિત લોકોની સહાય માટે $૨૫,૦૦૦ની સહાય અપાઈ હતી. અમેરિકામાં દર વર્ષે ૨૭૦,૦૦૦ સ્ત્રીઓ અને પુરુષો સ્તન કેન્સરનો ભોગ બને છે. અમેરિકા અને સમગ્ર વિશ્વમાં દર વર્ષે કેન્સર પીડિત સ્ત્રીઓમાં સ્તન કેન્સર પીડિત સ્ત્રીઓની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે. BAPS દર વર્ષે અમેરિકામાં ૮૦થી વધુ સ્થળોએ વોકેથોન યોજે છે, જેમાં ૨૫,૦૦૦થી વધુ લોકો ભાગ લે છે. સુઝેન જી. કોમેન સંસ્થા આ વર્ષે સહાય મેળવનારી સંસ્થાઓમાં એક હતી.
સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં BAPS ચેરિટીઝના પ્રતિનિધિઓએ સુઝેન જી.કોમેનના ડિરેક્ટર ઓફ ફિલાન્થ્રોપિક એક્ટિવિટીઝ મેલિસા રીલને $૨૫,૦૦૦નો ચેક અર્પણ કર્યો હતો. આ સમારોહમાં અરવિંગ સિટીના મેયર પણ ઉપસ્થિત હતા. સુઝેન જી. કોમેન સ્તન કેન્સર વિરુદ્ધ સંશોધન કરતી વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સામાજિક સંસ્થા છે. તે સ્તનકેન્સર પીડિતોને સારવાર પણ આપે છે.
સંસ્થાના પ્રોજેક્ટ લીડ ઓફ કૉઝ માર્કેટિંગ એન્ડ કોર્પોરેટ રિલેશન્સ એમા મેયરે જણાવ્યું હતું કે, આજની BAPS ચેરીટીઝની વૉક પ્રતિકૂળ સંજોગોવશ રદ્દ થઈ હોવા છતાં સૌએ ભેગાં થઈ આ કાર્યક્રમ યોજ્યો એ બદલ અમે અને અમારી સંસ્થા કૃતજ્ઞ છીએ. અમારી સંસ્થા જે પ્રવૃત્તિ કરી રહી છે એના પર વિશ્વાસ મૂકવા બદલ અમે આભારી છીએ.
ટેક્સાસના હ્યુસ્ટનમાં રહેતા BAPS ચેરિટીઝના વોલન્ટિયર અને સ્તન કેન્સરમાંથી સાજા થયેલાં નિમિષા પટેલે કહ્યું હતું, ‘હું જે યુદ્ધ જીતી છું એ યુધ્ધ લડવામાં BAPSચેરિટીઝ બીજી અનેક સ્ત્રીઓને સહાય કરી રહ્યું છે એ જાણી મને અત્યંત આનંદ થાય છે. હું આશા રાખું છું કે આ મદદથી અનેક નવી સારવાર પધ્ધતિ શોધવામાં સહાય થશે અને સ્તન કેન્સર પીડિતોના કુટુંબોને પણ સહાય થશે. જે બે સંસ્થાઓને હું સહયોગ આપું છે એ બન્ને સાથે મળીને સમાજ માટે કામ કરે એથી વધુ રૂડું બીજું શું હોય?’