પેરિસઃ BAPS સ્વામિનારાયણ સંસ્થાને પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ 2024ના હિન્દુ ફેઈથ સેન્ટરનું સંચાલન કરવા આમંત્રિત કરાઈ હતી જેના મારફત સમગ્ર વિશ્વના એથ્લીટ્સને આવશ્યક આધ્યાત્મિક સપોર્ટ અને મેડિટેશન સુવિધા પૂરી પાડવાની હતી. આ સર્વિસ દ્વારા એથ્લીટ્સને તીવ્ર સ્પર્ધાના સમયમાં પવિત્ર અને શાંત સ્થળે પ્રાર્થના, ધ્યાન અને ચિંતન થકી આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવવામાં મદદ મળતી હતી.
હિન્દુ ફેઈથ સેન્ટર દ્વારા વ્યક્તિગત આધ્યાત્મિક માર્ગદર્શન અને સપોર્ટને સમર્પિત ચેપલન્સી સર્વિસીસ પૂરી પડાતી હતી. ભારત અને અન્ય દેશોમાંથી ગણનાપાત્ર સંખ્યામાં પાર્ટિસિપેન્ટ્સની હાજરી સાથે હિન્દુ ફેઈથ સેન્ટર દ્વારા જાણીતી અને સાનુકૂળ ધાર્મિક રીત-પદ્ધતિઓ ઓફર કરાઈ હતી જેનાથી વતનથી દૂર તમામ હિન્દુ અને જૈન એથ્લીટ્સને સમુદાય અને સમર્થનની લાગણી મળતી હતી. ફેઈથ અને મેડિટેશન એથ્લીટ્સના પરફોર્મન્સ અને સ્થિતિસ્થાપકતાને વધારી શકે છે તેમાં આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ હાઈલાઈટ થાય છે અને વૈશ્વિક સ્તરે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરાય છે.
ટેબલ ટેનિસમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતાં અર્ચના ગિરિશ કામથ સહિત ભારતીય એથ્લીટ્સે હિન્દુ ફેઈથ સેન્ટર દ્વારા તેમના ઓલિમ્પિક અનુભવને સમૃદ્ધ કરતા અપાયેલા સપોર્ટ અને કમ્ફર્ટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુ ફેઈથ સેન્ટર બૌદ્ધ, ક્રિશ્ચિયન્સ, યહુદીઓ અને મુસ્લિમ્સ માટે પ્રાર્થના અને ચિંતનનું સ્થળ પુરું પાડતા સુગઠિત મલ્ટિ-ફેઈથ સેન્ટરનો હિસ્સો છે જે ઓલિમ્પિક દરમિયાન ઈન્ટરફેઈથ સંવાદિતા અને સમજને પ્રોત્સાહન આપે છે. હિન્દુ ફેઈથ સેન્ટર ખાતે BAPSવોલન્ટીઅર્સ સાથે મુલાકાત પછી કેથોલિક ચેપ્લિન બ્રધર જેમ્સ હેઈઝે જણાવ્યું હતું કે,‘તમારા મંદિરમાં તમારી સાથે થોડો સમય ગાળવામાં ઘણો જ આનંદ મળ્યો. આપણા વચ્ચે ઘણુબધું સામ્ય છે.’ વિવિધ પૂજાસ્થળોને સ્થાન આપી મલ્ટિ-ફેઈથ સેન્ટર તમામ એથ્લીટ્સને ઓલિમ્પિક્સની સમાવેશી ભાવના અને વૈશ્વિક વૈવિધ્યને દર્શાવતા આધ્યાત્મિક સપોર્ટની સુવિધા મળી રહે તેની ચોકસાઈ રાખે છે.
પેરિસથી BAPS વોલન્ટીઅર દીપ પટેલે જણાવ્યું હતું કે,‘ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સમાં હિન્દુ એથ્લીટ્સને સેવા આપવા આ સેન્ટર સ્થાપવા BAPSને આમંત્રણ અપાયું તેનો ભારે આનંદ છે. આ સેન્ટર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા શાંતિ, એકતા અને આધ્યાત્મિક શક્તિ પર મૂકાતા ભારનું પ્રતિબિંબ પાડે છે.’