યુક્રેન પર રશિયાએ આક્રમણ કરતાં સેંકડો - હજારો લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પડોશના દેશોમાં આશ્રય લેવા માટે ભાગી રહ્યા છે. તેમાં હજારો ભારતીય નાગરિકો અને મુખ્યત્વે વિદ્યાર્થીઓ આ સંઘર્ષમાં અટવાઈ પડ્યા છે. 27 ફેબ્રુઆરીની મધરાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રહ્મવિહારીદાસ સ્વામીને ફોન કરીને યુક્રેનની પોલેન્ડ, રોમાનિયા અને હંગેરીની સરહદોથી ભારતીય નાગરિકો સહીસલામત રીતે આવે તેમાં મદદ કરવા માટે જણાવ્યું હતું.
બ્રહ્મવિહારીદાસ સ્વામી દુબઈથી વીડિયો કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં તાકીદની બેઠકમાં જોડાયા હતા. તેમણે મદદ પહોંચાડવામાં આવી રહી હોવાની વડા પ્રધાન મોદીને ખાતરી આપી હતી અને જણાવ્યું કે સમગ્ર યુરોપના વોલન્ટિયર્સને આ કામમાં જોડવા માટે પૂ. મહંત સ્વામીએ તેમને સૂચના આપી હતી.
યુકે, આયર્લેન્ડ, ફ્રાંસ, સ્વીત્ઝર્લેન્ડ, ઈટાલી, જર્મની, ઓસ્ટ્રિયા અને પોલેન્ડના વોલન્ટિયર્સ તાકીદના રાહત અભિયાનને મદદ કરવા જોડાઈ ગયા હતા. તેમાં પોલેન્ડના દક્ષિણ - પૂર્વમાં આવેલા ઝેસ્ઝો શહેરમાં મોબાઈલ કીચનનો સમાવેશ થતો. તેમાં તમામ ધર્મ અને રાષ્ટ્રીયતાના શરણાર્થીઓ માટે દરરોજ 1,000હોટ વેજિટેરિયન મીલ તૈયાર કરીને અપાતા હતા.
આ સાથે જ રેસ્ઝો શહેરની પ્રસિદ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરી આપી છે.
પેરિસ અને સ્વિટ્ઝર્લેન્ડથી સતત 22 કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બી.એ.પી.એસ.ના અગ્રણી સ્વયંસેવકો ચિરાગભાઈ ગોદીવાલા, શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને વિદ્યાર્થીઓની સેવામાં લાગી ગયા છે.
BAPS દ્વારા રહેવાની સુવિધા અને તબીબી સહાયનું સંકલન કરાઈ રહ્યું છે અને પરિસ્થિતિ વણસતાં આ માનવતાવાદી પ્રયાસોનો વ્યાપ વિસ્તારવા માટે તેઓ ભારત સરકાર તેમજ સ્થાનિક પાર્ટનરો સાથે મળીને કામ કરે છે.
ભારતના રાજ્યકક્ષાના પરિવહન અને નાગરિક ઉડ્ડયન પ્રધાન વિજય કુમાર સિંઘે ઝેસ્ઝોમાં વોલન્ટિયર્સના અથાગ પ્રયાસોને નિહાળ્યા હતા અને જણાવ્યું હતું કે સમાજની સેવામાં BAPS હંમેસા મોખરે હોય છે. તેઓ સ્થળ પર સહાય પહોંચાડવામાં પ્રથમ અને ત્યાંથી પાછા જવામાં છેલ્લાં હોય છે.
પેરિસના અગ્રણી BAPS વોલન્ટિયર શૈલેશ ભાવસારે જણાવ્યું હતું કે હાલની પ્રાથમિકતા આશ્રય શોધનારા લોકોને ભોજન અને આશ્રય આપવાની છે. તેઓ જરૂરતમંદ લોકોને આવશ્યક સેવાઓ સમયસર મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક નેટવર્ક્સ સાથે કામ કરી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે વોલન્ટિયર્સે પૂ. પ્રમુખ સ્વામી મહારાજના સૂત્ર અન્ય લોકોના સુખમાં આપણું સુખ સમાયેલું છે તેમાંથી પ્રેરણા લઈને જીવનમાં ઉતાર્યું છે અને આ યુદ્ધથી અસર પામેલા લોકોને મુખ્ય જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડીને જનસેવા કરી રહ્યા છે.