યુકે અને યુરોપની BAPS સ્વામીનારાયણ સંસ્થાએ ભારતમાં BAPSદ્વારા ચાલતા કોવિડ -૧૯ રાહતકાર્યોમાં મદદરૂપ થવા માટે સાઈકલ ચેલેન્જમાં છ દિવસમાં £૬૦૦,૦૦૦થી વધુની રકમ એકત્ર કરી હતી.
કોવિડ - ૧૯ વિશે જાગ્રતિ કેળવવા અને ભારતમાં મહામારીના પીડિતોની સહાય માટે ફંડ એકત્ર કરવા માટે તાજેતરમાં ખાસ સાયકલ ચેલેન્જ Cycle to Save Livesનું આયોજન કરાયું હતું. આ ચેલેન્જ નીસડન. ચીઝવેલ અને લેસ્ટર ખાતે યોજાઈ હતી.
ભારતમાં કોવિડ -૧૯ સંક્રમણમાં અને કોરોના વાઈરસ મહામારીમાં મૃત્યુમાં ખૂબ વધારો થયો છે. ઓક્સિજન અને ક્રિટીકલ કેર બેડની અછતને લીધે હોસ્પિટલો પર ખૂબ દબાણ વધ્યું છે.
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન દ્વારા ૨૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ભારતમાં BAPS દ્વારા ચાલતા રાહતકાર્યોને મદદરૂપ થવા ઈમરજન્સી કેમ્પેઈન શરૂ કરાયું.
આ પહેલના ભાગરૂપે BAPS દ્વારા ૨૮મી એપ્રિલે સાઈકલ ટુ સેવ લાઈવ્સ ઈન ઈન્ડિયા અભિયાન હાથ ધરાયું. તે ૪૮ કલાકની નોન-સ્ટોપ સ્ટેટીક રિલે સાઈકલ ચેલેન્જ હતી. તેનો હેતુ લંડન અને દિલ્હી વચ્ચે થતું ૭.૬૦૦ કિ.મીનું અંતર આવરી લેવાનો હતો. પરંતુ, તેમાં લગભગ ત્રણ ગણું એટલે કે ૨૦,૧૨૭ કિ.મીનું અંતર કપાયું હતું. આ ચેલેન્જમાં ૭૮૭ રાઈડર્સે ભાગ લીધો હતો. ચેલેન્જને ૧૫,૦૦૦થી વધુ દાતાઓએ સપોર્ટ કર્યો હતો. આ ચેલેન્જમાં કુલ ૨૦,૧૨૭ કિ.મી જેટલું અંતર કવર કરાયું હતું, જે લંડનથી દિલ્હી જઈને પાછા આવીએ તેના કરતાં વધુ હતું. આ ચેલેન્જ દ્વારા ભારતમાં BAPSના રાહતકાર્યો માટે ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુની રકમ એકત્ર થઈ હતી. આ ચેલેન્જનો મૂળ ઉદ્દેશ ૨૦૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનો હતો.
આ તમામ રકમનો ઉપયોગ ભારતમાં લાઈફ સેવિંગ અને લાંબા ગાળાના રાહત પ્રયાસોમાં કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ ગાઈડલાઈન્સના કડક પાલન સાથે સંબંધિત મંદિરોની બહાર સાઈકલો ગોઠવવામાં આવી હતી. દર વખતે ઉપયોગ પછી તેને સેનિટાઈઝ કરાતી હતી.
એક સાઈકલિસ્ટ કેતન પટેલે જણાવ્યું કે ભારતમાં ગંભીર પરિસ્થિતિ છે. હું પણ કોઈક મદદ કરવા માગતો હતો. તેવામાં મેં આ સાઈકલ ચેલેન્જ વિશે સાંભળ્યું એટલે તરત જ રજિસ્ટ્રેશન કરાવ્યું. જાગ્રતિ કેળવવા અને ફંડ એકત્ર કરવા માટે આ ખૂબ યોગ્ય રસ્તો હતો.
દરેક સાઈકલિસ્ટ દ્વારા આવરી લેવાયેલા અંતરની નોંધ રાખતી અને બાઈકને સેનિટાઈઝ કરતી વોલન્ટિયર રાધિકા ખોલિયાએ જણાવ્યું કે ભારતમાં જે લોકો પીડા ભોગવી રહ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ભારતના લોકોની મદદ માટે આ ચેલેન્જમાં કામગીરીની તક મળી તે બદલ માનની લાગણી અનુભવું છું.
BAPSના ટ્રસ્ટી ડો. મયંક શાહે જણાવ્યું કે કોમ્યુનિટી તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે. આ ચેલેન્જ માટે ડોનેશન આપનાર સૌનો આભાર. આ ઈવેન્ટને સફળ બનાવવા સાઈકલિસ્ટ્સ અને વોલન્ટિયર્સનો આભાર માનું છું.