ભારતમાં કોવિડ – ૧૯ની બીજી વિનાશક લહેરનો સામનો કરવા માટે યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ભારત મોકલવામાં આવેલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને અન્ય લાઈફ સેવિંગ સાધનો દેશના રુરલ ક્લિનિક્સ અને હેલ્થ સેન્ટરમાં દર્દીઓ સુધી પહોંચી ગયા હતા.
BAPS દ્વારા ત્રણ દિવસની સાઈકલ ચેલેન્જ દ્વારા એકત્ર કરાયેલા ફંડમાંથી મેળવાયેલા ૫૪ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ બ્રિટિશ એરવેઝની સ્પેશિયલ ચાર્ટર્ડ રિલીફ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા અને ગંભીર દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાયા હતા.
યુએઈ, યુગાન્ડા, કેન્યા અને અન્ય દેશોથી મેળવાયેલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સની સાથે યુકેના મશીનોનું પણ ચંડીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની વિવિધ હોસ્પિટલો અને મેડિકલ ફેસિલીટીઝમાં BAPSના વોલન્ટિયર્સ દ્વારા વિતરણ કરાયું હતું. તત્કાળ પહોંચાડવામાં આવેલી આ મદદની લોકોની જિંદગી બચાવવા માટે ઝઝૂમી રહેલી ફ્રન્ટલાઈન મેડિકલ સર્વિસીસ પર હકીકતે અસર થઈ રહી છે.
BAPS યુકે દ્વારા ડોનેટ કરાયેલા વધુ ૧૦૦ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર પણ અમદાવાદમાં BAPS કોવિડ હબ ખાતે પહોંચી ગયા છે જેનું ટૂંક સમયમાં વિતરણ થશે.
ગુજરાતમાં હિંમતનગર નજીક હડિયોલના શ્રીજી ક્લિનિકમાં દર્દીઓની સારવાર કરતા ડો. રસિકભાઈ પટેલે શ્વાસની તકલીફ અનુભવી રહેલા કોવિડ દર્દી કિરીટભાઈનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર બદલ આભાર. તેઓ હવે યોગ્ય રીતે શ્વાસ લઈ શકે છે.
BAPSયુકેના લીડ વોલન્ટિયર કમલેશ પટેલે ઉમેર્યું કે આ મેડિકલ સાધનને લીધે લાભ મેળવી રહેલા ઘણાં દર્દીઓની વાત સાંભળીને ખૂબ આનંદ થાય છે. લોકોની જીંદગી બચાવવામાં મદદરૂપ થઈ શકાય તે માટે કોઈ પણ વિલંબ વિના ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને અન્ય સાધનો ફ્રન્ટલાઈન પાસે પહોંચી જાય તેના પર અમે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. BAPS સેન્ટરોના ગ્લોબલ નેટવર્ક, વોલન્ટિયર્સ અને BAPS ની નિઃસ્વાર્થ સેવાની કદર કરનારા લોકોને લીધે તે શક્ય બન્યું હતું.
દરમિયાન BAPSનીસડન મંદિર દ્વારા ફેલિક્સ પ્રોજેક્ટને ૨૪ ટન લોટનું દાન કરાયું હતું. ફેલિક્સ પ્રોજેક્ટ દ્વારા તાજો અને પૌષ્ટિક ફૂડ એકત્ર કરીને ચેરિટી તથા સ્કૂલોને તેનું વિતરણ કરાય છે. જેથી તેઓ આરોગ્યપ્રદ મીલ્સ પૂરું પાડી શકે અને હોમલેસ સહિત સમાજના અતિ નિઃસહાય લોકોને મદદ કરી શકે. ફેલિક્સ પ્રોજેક્ટ દ્વારા આ લોટ ઘણી ચેરિટીને પૂરો પડાશે. આ ડોનેશનથી ફેલિક્સ પ્રોજેક્ટ અને નીસડન મંદિર વચ્ચેનો સહયોગ વધ્યો છે.
ફેલિક્સ પ્રોજેક્ટના સીઈઓ માર્ક કર્ટિને જણાવ્યું કે નીસડન મંદિરની આ ઉદાર સહાયને લીધે અમે ઘણી ચેરિટીઝને મદદ કરી શકીશું.
BAPS યુકેના લીડ વોલન્ટિયર કમલેશ પટેલે જણાવ્યું હતું કે ઘણી ચેરિટી હાલ મુશ્કેલીમાં છે. તેથી અમે જરૂરતમંદ ઘણાં લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવાના ફેલિક્સ પ્રોજેક્ટના કાર્યમાં મદદરૂપ થવા બદલ આનંદ અનુભવીએ છીએ.