લંડનઃ નિસ્ડન ટેમ્પલના નામથી લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનને તેમના વાર્ષિક ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD)ની ઉજવણીઓ થકી મહિલાઓને સપોર્ટ અને સશક્તિકરણ તરફ પ્રતિબદ્ધતા બદલ ધ લંડન ફેઈથ એન્ડ બિલીફ કોમ્યુનિટી એવોર્ડ્સ દ્વારા બિરદાવવામાં આવ્યું છે.
આધ્યાત્મિક ગુરુ અને સમગ્ર વિશ્વમાં BAPSની પ્રવૃત્તિઓના પ્રેરક પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી BAPS દ્વારા IWDની ઉજવણીઓ મહિલાઓ અને મહિલાલક્ષી મહત્ત્વપૂર્ણ બાબતો પ્રત્યે તેની પ્રવર્તમાન પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
એવોર્ડ્સ સમારંભ 21 નવેમ્બરની સાંજે ધ રોયલ સોસાયટી ઓફ મેડિસીન ખાતે યોજાયો હતો જ્યાં, એવોર્ડવિજેતાઓ, કદર કરાયેલા પ્રોજેક્ટ્સ અને પ્રતિષ્ઠિત મહેમાનોએ ઈન્ટરફેઈથ સેલિબ્રેશન, પરફોર્મન્સીસ અને નેટવર્કિંગની સાંજને માણી હતી.
યુકેમાં BAPSની અગ્રણી વોલન્ટીઅર રેના અમીને કહ્યું હતું કે,‘નિસ્ડન ટેમ્પલના સેંકડો નિઃસ્વાર્થભાવી વોલન્ટીઅર્સ વતી વિનમ્રતાથી આ એવોર્ડનો સ્વીકાર કરીએ છીએ. મહંત સ્વામી મહારાજના જીવનમાં અગણિત મૂલ્યો મૂર્તિમંત છે જે અમને મહિલાઓને વ્યક્તિગત અને પ્રોફેશનલી તેમજ આપણી કોમ્યુનિટી અને દેશની સેવામાં શ્રેષ્ઠતા દર્શાવવાની પ્રેરણા આપે છે.’ મંદિરને અગાઉના વર્ષોમાં પણ ધ ફેઈથ એન્ડ બિલીફ ફોરમ દ્વારા એવોર્ડ્સની નવાજેશ કરાઈ છે જેમાં, ‘ઈન્સપાયરિંગ યૂથ્સ’ (2022), કોવિડ-19ના ગાળામાં રાષ્ટ્રવ્યાપી સારસંભાળ (2020), ‘હેલ્થ એન્ડ વેલબીઈંગ’ હેઠળ વડીલ સેવા કેન્દ્રના કાર્યો (2018)નો સમાવેશ થાય છે.
યુકેમાં ‘શાળાઓ, યુનિવર્સિટીઓ, વર્કપ્લેસીસ અને વ્યાપક કોમ્યુનિટીમાં લોકો માન્યતા અને ઓળખના પ્રશ્નો વિશે સંવાદ કરે અને તેમનાથી અલગ લોકો સાથે મળી શકે તેવા સુરક્ષિત સ્થળો’ સર્જતી ઈન્ટરફેઈથ સંસ્થા ધ ફેઈથ એન્ડ બિલીફ ફોરમ દ્વારા એવોર્ડનું આયોજન કરાય છે. ધ લંડન ફેઈથ એન્ડ બિલીફ કોમ્યુનિટી એવોર્ડ્સ આ ફોરમનું ચાવીરૂપ ઈનિશિયેટિવ છે જે સ્થાનિક હીરોઝને સાથે લાવી તેમના પ્રેરણાદાયી કાર્યો પર પ્રકાશ પાડી લંડનની ધાર્મિક અને બિલીફ કોમ્યુનિટીઓના રચનાત્મક, ઉદાર અને મહત્ત્વના કાર્યોની ઉજવણી કરે છે.