લંડનઃ BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર, નીસડન દ્વારા નોવેલ કોરોના વાઇરસ (કોવિડ-૧૯) મહામારી વચ્ચે સમાજસેવા કરવામાં આવી રહી છે.BAPS સ્વામિનારાયણ સંસ્થા યુકે દ્વારા રાષ્ટ્રીય સ્તરે કોમ્યુનિટી કેર પ્રોગ્રામની જાહેરાત કરાઈ છે,જેનો હેતુ કોવિડ-૧૯ મહામારી સંકટ વચ્ચે એકલા રહેતા લોકો તથા સ્થાનિક સમુદાયોનેમદદ પૂરી પાડવાનો છે.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ટૂંકી વીડિયો ફિલ્મ
સંસ્થા દ્વારા કોવિડ-૧૯થી બચવા તથા સાવધાની માટેની સરકારની માર્ગદર્શિકા અંગે ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં ટૂંકી વીડિયો ફિલ્મ બનાવવામાં આવી છે. જેથી લોકો તે અંગે સરળતાથી સમજી શકે અને કોરોનાથી બચી શકે.આ મહામારીથી યુકે સહિત સમગ્ર વિશ્વ સામે આરોગ્ય સલામતી સહિતના અનેક પડકાર સર્જાયા છે. તેવા સમયે BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ.મહંત સ્વામી દ્વારા સેવાભાવી હરિભક્તોને આ સેવાકાર્યમાં જોડાઈ જવા અનુરોધ કરાયો છે.આ પ્રોગ્રામ હેઠળ લોકડાઉનની સ્થિતિમાં ઘરોમાં રહેનાર અશક્ત, વૃદ્ધજન તથા એકલા રહેનારાઓની સાથે જરૂરિયાતવાળા સ્થાનિક સમુદાયોને કનેક્ટ એન્ડ કેર હેઠળ નીચે મુજબની કામગીરી આવરી લેવાઈ છે.
• જાહેર સૂચના અને પ્રકાશન, સરકારની માર્ગદર્શિકા તથા તંદુરસ્ત રહેવા તથા એકબીજાને તથા બીઝનેસીસને મદદરૂપ થવા સહિતનો સમાવેશ.
•આરોગ્યલક્ષી વીડિયો તથા રજુઆત માટે અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં હેલ્થ અવેરનેસ વીડિયો સીરીઝનું આયોજન જેથી નાગરિકો પોતાની જવાબદારી સમજે અને આ જીવલેણ વાઇરસને ફેલાતો અટકાવી શકાય.
• ફોન કોલ્સ દ્વારા સમગ્ર યુકેમાં ૬૦૦૦ પરિવારોનો સંપર્ક કરી તેમના ખબરઅંતર જાણ્યા અને મદદ પૂરી પાડવા તૈયારી દર્શાવી.
• ૧૫૦૦ કરતાં વધુ અશક્ત અને વૃદ્ધજનોનો સંપર્ક કરી નિયમિતપણે તેમને જરૂરી સામગ્રીની ખરીદી તથા દવા પૂરી પાડવામાં આવી.
• યુકેમાં આવેલા તમામ BAPS મંદિરોની આસપાસ વસનારા સ્થાનિક સમાજના નાગરિકોને ૧૫૦૦થી વધુ પત્રો લખી આવા કપરા સમયે સહાય માટેની તત્પરતા દર્શાવાઈ.
• લંડનમાં હેરો અને બ્રેન્ટ ખાતે દરરોજ ૪૦૦ ટિફિન જરૂરિયાતવાળાઓને પહોંચાડાયા.
• નાઇટીન્ગલ હોસ્પિટલ સહિત યુકેની પાંચ હોસ્પિટલમાં ભોજન પૂરું પડાયું અને આવા કપરા કાળમાં કર્મચારીઓનો ઉત્સાહ વધારવા પ્રોત્સાહનવાળા પત્રો લખાયા.
• સ્થાનિક સમુદાયમાં જરૂરિયાતમંદો સુધી સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને૭૦ ટન તાજાં ફળ અને શાકભાજી પૂરી પાડવામાં આવી. આ ઉપરાંત ૨૨મી માર્ચે યુકેના નેશનલ ડે ઓફ પ્રેયર એન્ડ એક્શનને અનુલક્ષીને નીસડન મંદિર ખાતે ખાસ નિલકંઠવર્ણી અભિષેકનું આયોજન કરાયું જેમાં ભક્તો પોતાના ઘરેથી ઓનલાઇન જોડાયા હતા.એનએચએસકર્મીઓની નિસ્વાર્થ સેવા બદલે દેશવ્યાપી ક્લેપ ફોર કેર્ર્સ સાથે પણ મંદિરના સ્વામીઓ તથા હરિભક્તો ઘરેથી સામેલ થયા હતા. આ અંગે નિસડન મંદિરના સ્વયંસેવક યોગેન શાહે જણાવ્યું હતું કે પરમ પૂજ્ય મહંત સ્વામીથી અમને આ સેવાકાર્ય તથા લોકોની મદદ માટે પ્રેરણા મળે છે.આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ કે આ મહામારી જલ્દી દૂર થાય.આ સમયે સહુને મદદરૂપ થવા BAPS દ્વારા કોરોના વાઇરસ રીલિફ ફન્ડની રચના કરાઈ છે. દાતાઓ સંસ્થાની વેબસાઇટ londonmandir.baps.org અથવા https://www.justgiving.com/campaign/coronavirusrelieffund માધ્યમથી દાન કરી શકે છે.