BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર,લંડનને ૨૫ વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

Thursday 13th August 2020 05:13 EDT
 
 

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનની સ્થાપનાને ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી તેની ઉજવણી નિમિત્તે તા.૧૨.૮.૨૦ને બુધવારથી તા.૨૩.૦૮.૨૦ને રવિવાર દરમિયાન વિવિધ પ્રેરણાદાયક, ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ૧૯૯૫ના ઓગસ્ટમાં સ્થપાયેલું આ મંદિર પશ્ચિમ જગતનું આ પ્રકારનું પ્રથમ પરંપરાગત હિંદુ મંદિર બન્યું હતું. હજારો હરિભક્તો અને શુભેચ્છકોના ભવિષ્યનું આ મંદિરે ઘડતર કર્યું છે. લંડન ટેમ્પલ અને નીસડન ટેમ્પલ તરીકે જાણીતા આ મંદિરની સ્થાપત્ય કળા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. લંડન મંદિર શાંતિ, સંવાદિતા અને કોમ્યુનિટી સર્વિસના સુભગ સમન્વયનું કેન્દ્ર બન્યું છે.

તા.૧૨ને બુધવારે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થશે. ૧૯૯૫માં મંદિર મહોત્સવની સાથે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ હતી તે રીતે મંદિરના ૨૫મા સ્થાપનાદિનની ઉજવણીનો પ્રારંભ પણ જન્માષ્ટમી મહોત્સવ સાથે થશે. રાત્રે ૮થી ૯.૪૫ દરમિયાન ઉજવણીમાં સંતો ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને ઉપદેશોનો મહિમા વર્ણવશે અને મંદિરની પ્રેરણાદાયક સફર વિશે વાત કરશે.

તા.૧૫ને શનિવારે સાંજે ૫થી ૭ મહિલાઓ દ્વારા ઉજવણી થશે. તેમાં તમામ વયની મહિલાઓ આ મંદિરના મહત્ત્વના ભાગરૂપ છે તેની રજૂઆત સાથે છેલ્લાં ૨૫ વર્ષમાં મહિલાઓએ મંદિરને આપેલા યોગદાન વિશે રજૂઆત થશે.

તા.૧૬ને રવિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૧૨.૩૦ બાળકોની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. તેમાં છેલ્લાં ૨૫ વર્ષમાં બાળકોના જીવન ઘડતરમાં મંદિરના યોગદાનની વાત રજૂ થશે. તા.૧૬ને રવિવારે બપોરે ૪.૩૦થી સાંજે ૭.૩૦ પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિદિનની ઉજવણી થશે. લંડન મંદિરનો દરેક રૂમ અને ખૂણેખૂણો પૂ. પ્રમુખ સ્વામીની અવિસ્મરણીય સ્મૃતિઓ અને પ્રેરણાદાયી ક્ષણોથી ભરેલો છે. તેમણે ૧૯ વખત યુકે અને યુરોપની મુલાકાત લીધી હતી તેના સંસ્મરણો વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા તાજા કરાશે.

તા.૨૨ને શનિવારે બપોરે ૩થી ૫ વિશ્વ શાંતિ મહાપૂજાનું આયોજન કરાયું છે. તેનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. આપણા પરિવારોની શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે આ પૂજાનું આયોજન કરાયું છે.

તા.૨૩ને રવિવારે સવારે ૮થી ૮.૪૫ દરમિયાન ભારતના નેનપૂરમાં પૂ. મહંત સ્વામીની પૂજા દરમિયાન લંડનના સંતો કિર્તનો રજૂ કરશે. સવારે ૯.૩૦થી બપોરે ૧૨ દરમિયાન પાટોત્સવ ઉજવાશે. સંતો લંડન મંદિરની પવિત્ર મૂર્તિઓ પર અભિષેક કરશે. બપોરે ૩.૩૦થી સાંજે ૭ દરમિયાન ઉજવણીના છેલ્લાં કાર્યક્રમમાં લંડન મંદિરના સમૃદ્ધ ઈતિહાસ અને પડકારજનક નિર્માણ વિશે વીડિયો રજૂ થશે. પૂ. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને આશીર્વાદ સાથે હરિભક્તો પ્રમૂખ સ્વામી મહારાજની દિવ્ય વીરાસતનો ભાગ કેવી રીતે બની શકશે તેની રજૂઆત કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter