BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. હાલ ૧૬મીથી ૨૧મી એપ્રિલ સુધી શ્રી સ્વામીનારાયણ જયંતી પર્વ ચાલી રહ્યું છે. તેમાં દરરોજ રાત્રે ૮થી ૯ (IST) BAPSના વરિષ્ઠ સંતો અને સાધુ ભગવાન સ્વામીનારાયણ વિશે ઓનલાઈન પ્રવચનો રજૂ કરે છે. પૂ. મહંત સ્વામી નેનપૂરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેમાં જોડાય છે અને સભાને સંબોધે છે તેમજ આશીર્વચન પાઠવે છે. તા.૧૮ એપ્રિલને રવિવારે યોજાયેલી રવિ સત્સંગસભામાં પૂ. મહંત સ્વામીએ ઓનલાઈન ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. તે ઉપરાંત, પૂ.મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે અને નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.