BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. સંસ્થા દ્વારા ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન યજ્ઞ પુરુષ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વમાં વસંત પંચમીએ પ્રગટેલા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની વંદના કરવામાં આવી હતી. અગાઉ, નવસારી ખાતેના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવના પ્રસંગને અનુલક્ષીને પૂ.મહંત સ્વામીએ સભાને સંબોધી હતી. તેમણે સત્સંગ દીક્ષા તુલાનું તેમજ તે મંદિરમાં મૂકવામાં આવનારી સત્સંગ દીક્ષાની તક્તીનું પણ પૂજન કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ ૧૯૫૭ માં પાર્ષદ દીક્ષા લીધી હતી તે પ્રસંગનું તેમણે સભામાં વર્ણન કર્યું હતું. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો વેબકાસ્ટીંગના માધ્યમથી લાભ લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.