BAPS સ્વામીનારાયણ સંસ્થા યુકેને ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ લિંગ્વિસ્ટિક્સ દ્વારા પ્રતિષ્ઠિત થ્રેલફોર્ડ મેમોરિયલ કપ ૨૦૨૦ એનાયત કરાયો હતો. ભાષાના અભ્યાસને પ્રોત્સાહન પૂરું પાડવામાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ અથવા સંસ્થાને ૧૯૩૫થી દર વર્ષે થ્રેલફોર્ડ કપ અપાય છે. સાથે જ ભાષા અને સાંસ્કૃતિક સમજના મહત્ત્વને બીરદાવવા તેમજ ભાષા શીખવામાં કૌશલ્ય માટેના સંસ્થાના વ્યાપક અભિયાનના ભાગરૂપે આ કપ અપાય છે.
ગુજરાતી ભાષા શીખવા માટે પ્રોત્સાહન માટે ટુલ્સ અને સ્રોતના વિકાસ અને તાલીમ પૂરી પાડવામાં મહત્ત્વના અને અસરકારક યોગદાનના આધારે આ એવોર્ડ અપાય છે.
આ સન્માનને લીધે ગુજરાતી ભાષાના લર્નિંગ અને ટીચીંગને આનંદદાયક, સહજ પ્રાપ્ય અને ઈનોવેટિવ અનુભવ બનાવવાના ઘણાં BAPS વોલન્ટિયર્સના પ્રયાસોની પરશંસા સમાન છે. ‘ગમ્મત સાથે જ્ઞાન’ની પ્રણાલિ પૂરી પાડવા માટે પરંપરાગત હિંદુ મૂલ્યો સાથે આધુનિક શિક્ષણ ટેક્નિકને સામેલ કરીને ગેમ્સ તથા રિસોર્સિસ વિક્સાવવામાં આવ્યા છે. વૈવિધ્યપૂર્ણ રિસોર્સિસમાં GCSE લેવલ સુધીના આઠ બુકના વિસ્તૃત ગુજરાતી અભ્યાસક્રમનો સમાવેશ થાય છે.
ગુજરાતી વ્હિઝ, ગુજરાતી સ્પીનર, ગુજરાતી ફ્લેશ કાર્ડ્સ અને ગુજરાતી સ્ટ્રીપ્સ જેવી ઘણી અરસપરસ રમી શકાય તેવી બોર્ડ અને કાર્ડ ગેમ્સ તેમજ પ્રિ-સ્કૂલ બાળકો માટે વુડન ગુજરાતી બારાખડી બોર્ડ અને વુડન ગુજરાતી ક્યૂબ્સ સહિત ગેમ્સ અને રિસોર્સિસ BAPS ઓનલાઈન ગિફ્ટ શોપ પર ઉપલબ્ધ છે. આ સરળ વસ્તુઓ દુનિયાભરમાં ટીચરોની કામગીરીમાં અને તેમનું જ્ઞાન વધારવામાં મદદરૂપ થઈ છે. યુકે અને યુરોપમાં તેમજ નોર્થ અમેરિકા, આફ્રિકા, એશિયા પેસિફિક, યુએઈ અને ગુજરાત સુદ્ધાના સેન્ટરો તેમની પોતાની સ્કૂલો માટે આ પદ્ધતિનું અનુકરણ કરવા લાગ્યા છે.
વોલન્ટિયરોના સમર્પણ અને સામુહિક પ્રયાસોને લીધે ગુજરાતીમાં GCSE અને A લેવલ લેનારા બાળકોના અદભૂત પરિણામો આવ્યા છે અને તેઓ ખૂબ સારા સ્કોરથી પાસ થયા છે.
BAPS વોલન્ટિયર્સની ટીમ તરફથી રાહુલ ભાગવતે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. તાજેતરમાં આ ટીમે ગુજરાતી શીખવાનું વધુ આનંદદાયક અને અસરકારક બને તે માટે નવા ટીચીંગ સાધનો વિક્સાવ્યા છે. રાહુલ ભાગવતે જણાવ્યું હતું કે BAPSમાં બાળકો માટેની અમારી જે સેવા છે તેમાં ગુજરાતી મુખ્ય ભાગ છે. પૂ. પ્રમુખ સ્વામીએ ઉપદેશ આપ્યો હતો કે ‘ભાષા જશે તો સંસ્કાર જશે’ તેનાથી તે પ્રેરિત છે. અમારા બાળકોને સૌથી અસરકારક અને આનંદદાયક રીતે ગુજરાતી શીખવામાં મદદ થાય તે માટે અમે ઉચ્ચ ગુણવત્તાના સંસાધનો વિક્સાવવાની તકેદારી રાખીએ છીએ. સમાજ પ્રત્યેની અમારી સેવાના ભાગરૂપે અમે તેમના સર્વાંગી સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક વિકાસની સુવિધા પૂરી પાડીએ છીએ.