લંડનઃ ધ ફેડરેશન ઓફ આંબેડકરાઈટ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સ યુ કે (FABO UK) દ્વારા રવિવાર 26 નવેમ્બરે વેસ્ટ લંડનના આંબેડકર હોલ ખાતે 74મા ભારતીય બંધારણદિનની ઉજવણી કરવામાં આવી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પતા આ વર્ષના બંધારણદિનની ઉજવણીનો વિષય ‘ડો. બાબાસાહેબ આંબેડકર્સ લિગસી કન્ટિન્યૂસ ટુ શેઈપ ધ કન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ ઓફ મોર્ડન ઈન્ડિયા’ હતો.
આ ઈવેન્ટમાં ચાવીરૂપ વક્તા અને મુખ્ય મહેમાન પદ્મશ્રી ડો. કલ્પના સરોજ ઉપરાંત, FABO UKના પદાધિકારીઓ તેમજ સમગ્ર યુકેમાંથી આંબેડકરવાદીઓ અને બૌદ્ધવાદીઓ ઉપસ્થિત રહ્યા હતા. FABO UKના જનરલ સેક્રેટરી પંકજ શામકુંવર દ્વારા સ્વાગત પ્રવચન અને ઉપસ્થિતોના પરિચય સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો.
આરંભે જ પ્રોગ્રામના એજન્ડાની રુપરેખા જણાવાઈ હતી અને વાઈસ પ્રેસિડેન્ટ જગદીશ ગવારેને ભારત અને યુકેના બંધારણો વચ્ચે સમાનતા અને તફાવતોને રજૂ કરવા આમંત્રિત કરાયા હતા જેમના થકી બે મહત્ત્વપૂર્ણ કાનૂની માળખાઓને અલગ પાડતી અને સાંકળતી બારીક વિગતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મિ. જગદીશ ગવારેની વિદ્વત્તાપૂર્ણ રજૂઆત પછી, FABO UKના જોઈન્ટ જનરલ સેક્રેટરી સી. ગૌતમ દ્વારા ફેડરેશનની 39 વર્ષની નોંધપાત્ર સિદ્ધિઓ, ડો. બાબાસાહેબના મિશનના પ્રસારમાં તેના અમૂલ્ય યોગદાન તેમજ આંબેડકરવાદીઓના લાભમાં તેની ઊંડી સમજની અસર વિશે જણાવાયું હતું.
ડો. શ્રીકાંત બોરકરે આ પ્રસંગના પરિપ્રેક્ષ્યમાં તેમના વિચાર રજૂ કર્યા હતા જ્યારે અલાહાબાદ મ્યુઝિયમના નિવૃત્ત ક્યુરેટર ડો. ઓંકાર વાનખેડેએ આ કાર્યક્રમ સંદર્ભે ઊંડી સમજ આપી હતી. સી ગૌતમ દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ કરાવા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. તેમણે મહેમાનો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવા સાથે મહાન ડો. બાબાસાહેબ આંબેડકરને સન્માન અને સ્મરણની ભાવના સાથે આદરાંજલિ અર્પવાને સમર્પિત 6 ડિસેમ્બરના 67મા પરિવર્તન દિનના આગામી કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.