ગુજરાત હિંદુ સોસાયટી (GHS) રાધાકૃષ્ણ મંદિર, પ્રેસ્ટન ખાતે ભક્તોએ નૂતન વર્ષના પાવન દિવસે શાંતિપૂર્વક ભગવાનના દર્શન અને પ્રાર્થના કર્યા હતા. તમામ ભક્તોને સલામતીનું વાતાવરણ મળી રહે તે માટે મંદિર મેનેજમેન્ટ દ્વારા વિશેષ સિસ્ટમ અમલમાં મૂકાઈ હતી. તે મુજબ મંદિરમાં પ્રવેશતી દરેક વ્યક્તિનું પહેલા ટેમ્પરેચર ચેક કરવામાં આવતું હતું અને ટ્રેક એન્ડ ટ્રેસના હેતુસર તેમના નામ અને સરનામાની નોંધ કરવામાં આવતી હતી. મંદિરમાં દર્શન માટે એક સમયે માત્ર પાંચ વ્યક્તિને પરવાનગી અપાતી હતી. જ્યારે અન્ય ભક્તોને મુખ્ય હોલમાં બેસાડવામાં આવતા હતા. શિસ્ત જળવાઈ રહે તે માટે માર્શલની વ્યવસ્થા રખાઈ હતી. આખો દિવસ રખાયેલા અન્નકૂટના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ભારે પ્રવાહ યથાવત રહ્યો હતો. ખોરાકથી કોઈ સંક્રમણ ફેલાય નહીં તે માટે આ વખતે પ્રસાદનો ઓર્ડર આરકે ડાઈનિંગને અપાયો હતો. વોલન્ટિયરોએ બોક્સ પેક કર્યા હતા અને દરેક ભક્તને પ્રસાદનું એક - એક બોક્સ અપાયું હતું. આ વિશેષ દિવસ માટે પોતાના સમયનો ભોગ આપવા બદલ વોલન્ટિયર્સનો આભાર માનવામાં આવ્યો હતો. સૌએ આ નવા વર્ષના ખાસ દિવસનો આનંદ માણ્યો હતો.
આપ સૌને નૂતન વર્ષાભિનંદન અને ભગવાન કૃષ્ણની કૃપા સૌ પર વરસતી રહે તેવી પ્રાર્થના..