લંડનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટનના નવા વિશેષ હેતુસરના કેન્દ્રમાં 27 ઓગસ્ટ, 2023ના રવિવારના દિવસે સનાતન ધર્મની ધ્વજા લહેરાવીને અને ભક્તિમય ઉજવણી સાથે 23મો પાટોત્સવ ઉજવાયો હતો. સનાતન સેવા મમંડળ (દ્વારકા, ભારત)ના પૂજ્ય સ્વામી કેશવાનંદજીએ આ ઉજવણીને વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પાટોત્સવમાં ગુજરાત સમાચારની સુવર્ણજયંતીનું સ્મરણ કરવા સાથે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી પટેલનું કોમ્યુનિટી અને સંસ્કૃતિને મજબૂત બનાવવાના અથાક પ્રયાસો બદલ સન્માન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ પ્રતિ સમર્પણ અને સમગ્રતયા પ્રયાસો માટે સંસ્થાના પેટ્રન સુરેન્દ્રભાઈ પટેલને પણ સન્માનિત કરાયા હતા.
GHS પ્રેસ્ટનના વાર્ષિકોત્સવની ઉજવણી 26 ઓગસ્ટથી જ શરૂ કરાઈ હતી. આ નિમિત્તે ભાવિકોએ બે દિવસ દરમિયાન હનુમાન ચાલીસાના 108 પાઠ અને માતાજીની સ્તુતિ કરી હતી. હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ (HCN) યુકે અને બોલ્ટનના વીએચપી વેદ મંદિર ઉપરાંત, અન્ય મંદિરોમાંથી પણ મહેમાનોને ઉજવણીમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા.
પૂજ્ય સ્વામીજીનું બપોરે 12 વાગ્યે આગમન થયું હતું અને તેમણે પાટોત્સવની ઉજવણી અને વિધિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘ પાટોત્સવ તો ભગવાન અને ભક્તો વચ્ચે તેજ-પ્રકાશના વિનિમયનો માર્ગ છે. પાટોત્સવ પુનઃ પવિત્રીકરણની વિધિ છે જેમાં પરમાત્માને પુનઃ આહ્વાન કરવામાં આવે છે. માનવશરીર એક મંદિર છે તેમજ સત્સંગ અને દર્શન થકી ચેતનાનો વિકાસ થાય છે. ઈશ્વર માટે આપણી હાજરી જરૂરી નથી પરંતુ, આપણી ચેતનાને જાગ્રત કરવી આવશ્યક છે.’ સ્વામીજીએ જણાવ્યું હતું કે,‘ સીબી પટેલ સનાતન ધર્મની ચેતનાને જાગ્રત કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. સીબી માત્ર કોઈ એક વ્યક્તિ નથી, તેઓ ખુદ એક સંસ્થા છે જે ગત 50 વર્ષથી કોમ્યુનિટી માટે સતત કાર્યરત છે.’
સીબી પટેલે જણાવ્યું હતું કે,‘મને યાદ છે કે હું સૌપહેલા 7 ઓક્ટોબર 1976ના દિવસે અહીં તુલસી વિવાહના સમયે આવ્યો હતો. તે સમયે હું સોમભાઈ, ગોવિંદભાઈ, છોટુભાઈ અને કુસુમબહેનને મળ્યો હતો. અમે સંસ્કૃતિને કેવી રીતે મજબૂત બનાવી શકાય તેની ચર્ચા કરી હતી. હું જ્યારે પણ પ્રેસ્ટન આવું છું ત્યારે મને વતનમાં આવ્યો હોવાની લાગણી થાય છે. હું મારા પ્રેસ્ટનની સેવા કરી શકું તેનો મને આનંદ છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે સક્રિયપણે સંકળાઈને પ્રેસ્ટન કોમ્યુનિટીએ વોટફર્ડના ભક્તિવેદાંત મેનોર-હરે કૃષ્ણ મંદિરને બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.’
પ્રેસિડેન્ટ ઈશ્વરભાઈ ટેઈલર અને વાઈસ પ્રેસિડેન્ટ દશરથભાઈ નાઈએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમજ પૂજ્ય સ્વામીજી અને સીબી પટેલને હારતોરા કરવામાં આવ્યા હતા. યોગદાનની વાતો કરવા સાથે સીબી પટેલને GHS દ્વારા સર્ટિફિકેટ એનાયત કરાયું હતું. આ ઉપરાંત, HCNના સેક્રેટરી કાન્તિભાઈ મિસ્ત્રીએ પણ સીબી પટેલને અભિનંદન પાઠવ્યા હતા અને HCN તરફથી સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. આ સર્ટિફિકેટ્સ સીબી પટેલ દ્વારા કરાયેલા યોગદાન વિશે અને તેમના ન્યૂઝ પેપર્સે હિન્દુ એકતાને કેવી રીતે આગળ વધારી તેના વિશે ઘણું કહી જાય છે. સીબી પટેલને તેમના યોગદાન નિમિત્તે GHS દ્વારા શાલ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત GHSના પેટ્રન સુરેન્દ્રભાઈ પટેલના યોગદાનને યાદ કરી તેમનું સન્માન કરાયું હતું. કમલકાંતભાઈ, કાન્તિભાઈ અને ચંદ્રકાન્તભાઈએ શાલ અર્પણ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
ધ્વજા લહેરાવ્યાની ઉજવણી પછી ઘણા ભક્તોએ ઊંચે લહેરાતી ધ્વજાને નિહાળી ગરબા ગાવા-રમવાની શરૂઆત કરી હતી. પૂજારી હેમંતભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ બધી વિધિ કરવામાં આવી હતી. તમામ ભક્તોને તાજા બનાવાયેલા પ્રસાદનું વિતરણ કરાયા પછી ગુજરાત સમાચારના 50 વર્ષની પૂર્ણતાની સુવર્ણજયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.