બ્લેકબર્નના કિંગ જ્યોર્જ હોલ ખાતે ગઈ ૬ જુલાઈએ સાંજે ૭ વાગે ફ્યુઝન એવોર્ડ્સ વિતરણ સમારોહ યોજાયો હતો. તેમાં GHS યુથ ક્લબને યુથ લીડરશિપ એવોર્ડ એનાયત થયો હતો. આ કેટેગરીમાં પાંચ ગ્રૂપ નોમિનેટ થયા હતા. તેમાં વિજેતા બનેલા GHS યુથ ક્લબને BAE સિસ્ટમ્સના ચીફ એક્ઝિક્યુટિવના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
૧૯૭૫માં ગુજરાત હિંદુ સોસાયટી (GHS)ની સ્થાપના થઈ ત્યારથી તે યુવાનોના વિકાસ માટે હંમેશા મોખરે રહી છે. વર્ષોથી સંસ્થાનો ઉદેશ લોકોને સશક્ત બનાવવાનો રહ્યો છે. સંસ્થાએ યુવાનોને ટીમ વર્ક દ્વારા સ્વંય વિકાસ કૌશલ્ય અને આત્મવિશ્વાસનું ઘડતર કર્યું છે. સાથે જ સંસ્થાના સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોનું પણ લોકોમાં સિંચન કર્યું છે.
છેલ્લાં ત્રીસ વર્ષથી GHS યુથ ક્લબ દ્વારા સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે યુથ ફેસ્ટિવલ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ફ્યુઝન એવોર્ડ્સ વિવિધ કેટેગરીમાં જુદાજુદા ગ્રૂપોએ આપેલા યોગદાન બદલ તેમને બિરદાવવાનો વાર્ષિક એવોર્ડ સમારોહ છે. તેમાં યુથ લીડરશિપ એવોર્ડનો પણ સમાવેશ થાય છે.
યુથ ક્લબ દર મંગળવારે સાંજે ૬.૩૦થી રાત્રે ૮.૩૦ દરમિયાન ચાલે છે. તેમાં ૬થી ૧૬ વર્ષના બાળકોને રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. યુથ ક્લબ દ્વારા નિયમિત રીતે પિકનીકનું આયોજન કરાય છે. દર અઠવાડિયે ૪૦થી ૫૦ યુવાનો ક્લબની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.