માન્ચેસ્ટરઃ ગ્લોબલ ઈન્સ્પિરેશન એન્લાઈટનમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ભગવદ્ ગીતા (GIEO GITA UK) દ્વારા માન્ચેસ્ટરમાં ‘ભગવદ્ ગીતા’નો શુક્રવાર 9 ઓગસ્ટથી રવિવાર 11 ઓગસ્ટ સુધી ત્રિદિવસીય જ્ઞાનોત્સવ યોજાયો હતો. GIEO GITA UK ભારતમાં કાર્યરત ઈન્ટરનેશનલ GIEO GITA સંસ્થાની એક શાખા છે. યુકે અને માન્ચેસ્ટરમાં કાર્યરત BAPS, HSS, ઈન્ડિયન એસોસિયેશન માન્ચેસ્ટર, ઈનસાઈટ યુકે, ઈશા ફાઉન્ડેશન અને ઈસ્કોન સહિત ઘણી ડાયસ્પોરા સંસ્થાઓએ આ સાંસ્કૃતિક ઈવેન્ટમાં સાથ-સહકાર આપ્યો હતો.
GIEO GITA UK વિવિધ પશ્ચાદભૂના લોકોને સાથે લાવી ધાર્મિક એકતા, યુનિવર્સલ બંધુત્વ અને સર્વના કલ્યાણની સાથોસાથ વિવિધ ધાર્મિક કોમ્યુનિટીઓ વચ્ચે સંવાદિતા કેળવવાના સાધન સ્વરૂપે ‘ભગવદ્ ગીતા’ના જ્ઞાનની સમજને આગળ વધારવાનો હેતુ ધરાવે છે. આ માટે સેમિનાર, વર્કશોપ્સ અને સાંસ્કૃતિક ઈવેન્ટ્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી ‘ભગવદ્ ગીતા’ના શાંતિ, કરુણા અને આધ્યાત્મિક જ્ઞાનના સંદેશાને પ્રસરાવવાનું કાર્ય કરે છે. સાંસ્કૃતિક અથવા ધાર્મિક મતભેદને ધ્યાનમાં લીધા વિના માનવતા દ્વારા સહભાગી સામાન્ય મૂલ્યો પર ભાર મૂકીને આ ઈવેન્ટ વિશ્વના લોકોમાં સમજણ અને સહકારના સેતુઓનું નિર્માણ કરવા ઈચ્છા ધરાવે છે.
માન્ચેસ્ટર ગીતા ફેસ્ટિવલના પ્રથમ દિવસ 9 ઓગસ્ટે વિથેન્શો ફોરમ ખાતે ગ્રેટર માન્ચેસ્ટરના વિવિધ કોમ્યુનિટીઓ અને અગ્રણીઓનું સ્વાગત કરાયું હતું. આ દિવસે મહેમાન વક્તાઓના સંબોધનો, પેનલ ચર્ચાઓ, ભગવદ્ ગીતા પ્રદર્શનની બાબતો નોંધપાત્ર રહી હતી. ઈવેન્ટના બીજા દિવસ શનિવાર 10 ઓગસ્ટે ક્વીન એલિઝાબેથ હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીતા ક્વિઝ તેમજ સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ (GIEO Gita ઈનિશિયેટિવના સ્થાપક)નું વિશેષ ઉપદેશ કથનનો સમાવેશ થયો હતો. ફેસ્ટિવલના અંતિમ દિવસ 11 ઓગસ્ટ રવિવારે યોજાએલી ભગવદ્ ગીતા શોભાયાત્રામાં ડાયસ્પોરાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લોકો કોર્લટોન પાર્ક અને ગીતા ભવન મંદિર ખાતે યોજાએલી ઉજવણીમાં પણ સામેલ થયા હતા.