લંડનઃ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરીજીન (ગોપગો) દ્વારા તાજેતરમાં અફઘાનિસ્તાનમાં શીખો પર થયેલા હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી. કાબુલમાં ૨૫મી માર્ચના રોજ શીખોના ધાર્મિક સ્થળ ગુરુદ્વારા પર એક બંદૂકધારીએ હુમલો કરી કર્યો હતો. અંધાધૂંધ થયેલા ગોળીબારમાં ૨૫ જેટલા લોકોએ પોતાના જીવ ગૂમાવ્યા હતા. અફઘાન સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેર અન્ય હુમલાખોરોની આસપાસના વિસ્તારોમાં પણ તલાશ કરી હતી. આંતક સંગઠન ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વિકારી હતી.
ગોપીયો સંસ્થા દ્વારા આ અંગે એક નિવેદનમાં જણાવાયું હતું કે અફઘાનિસ્તાનમાં સરકારે તમામ લઘુમતી સમુદાયોને સુરક્ષા પૂરી પાડવી જોઇએ. અગાઉ પણ શીખો પર અફઘાનિસ્તાનમાં આ આતંકી સંગઠન દ્વારા હુમલા કરાયા છે. વર્ષ ૨૦૧૮માં પણ જલાલાબાદમાં થયેલા એક આત્મઘાતી હુમલામાં મૃત્યુ પામેલા ૧૯ નાગરિકોમાંથી મોટાભાગના શીખ હતા. અફઘાનિસ્તાનમાં અંદાજે ૧૦૦૦ કરતાં પણ ઓછી સંખ્યામાં શીખો વસે છે અને તેમને બહુમતીવાળા મુસ્લિમ સમુદાયથી અવારનવાર વંશિય ભેદભાવ અને હેરાનગતિનો સામનો કરવો પડે છે. સંસ્થાએ અફઘાનિસ્તાનમાં શીખોને સુરક્ષા પ્રદાન પાડવા પણ માંગણી કરી છે.