બ્રિટનમાં બંગાળની વિરાસત અને સંસ્કૃતિને ઉત્તેજન આપતી સ્વૈચ્છિક સંસ્થા હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG) દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે રવિવાર 27 ઓગસ્ટે હેચ એન્ડ પ્લેઈંગ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત થકી કોમ્યુનિટીઓને સાથે લાવવાના પ્રયાસરૂપે HBG ક્રિકેટ ડેને હેરો કાઉન્સિલ અને ગ્લોબલ હાયર એજ્યુકેશન પ્રોવાઈડર GBS દ્વારા સપોર્ટ કરાયો હતો.
સ્પર્ધક ટીમોમાં બોબ બ્લેકમેન CBE સહિત સાંસદો, હેરોના મેયર, મેથ્યુ ગુડવિન ફ્રીમેન સહિત હેરોના કાઉન્સિલરો, ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સુજિત ઘોષના વડપણ હેઠળ ભારતીય હાઈ કમિશનના સભ્યો અને સ્થાનિક કોમ્યુનિટીના સભ્યોનો સમાવેશ થયો હતો. યુકેમાં બર્મિંગહામ ખાતે IBSA વર્લ્ડ ગેઈમ્સમાં ભાગ લેવા આવેલી દિવ્યાંગ (અંધ) ભારતીય પુરુષો અને મહિલાઓની ક્રિકેટ ટીમ્સનું હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાન, બોબ બ્લેકમેન MP, સ્પોન્સરર GBSના પ્રતિનિધિ, HBGના ડાયરેક્ટર અનિર્બન મુખોપાધ્યાય અને અન્ય મહાનુભાવો દ્વારા અભિવાદન કરાયું હતું.
ફાઈનલ મેચમાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનના અધિકારી અંકિત તિવારીના વડપણ હેઠળ ભારતીય હાઈ કમિશન ઈલેવને મેયર ઓફ હેરો અને HBG ની સંયુક્ત ટીમ સામે 2 રનથી દિલધડક વિજય હાંસલ કર્યો હતો. ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સુજિત ઘોષે સૌથી વધુ રન ફટકાર્યા હતા જ્યારે મેયર ઓફ હેરો અને HBG ની સંયુક્ત ટીમ વતી રમતા બ્રિટિશ સાંસદ પદ્મશ્રી બોબ બ્લેકમેને સૌથી વધુ વિકેટ લેવાનો એવોર્ડ હાંસલ કર્યો હતો. મેન ઓફ ધ મેચ એવોર્ડ રાયસ્લિપના 15 વર્ષીય ખેલાડી આર્યનના ફાળે ગયો હતો.
તસવીરમાં ભારતીય દિવ્યાંગ (અંધ) પુરુષ ક્રિકેટ ટીમ સાથે હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાન અને સાંસદ બોબ બ્લેકમેન દૃષ્ટિગોચર થાય છે. બીજી તરવીરમાં ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સુજિત ઘોષ, હેરોના મેયર અને સાંસદ બોબ બ્લેકમેન સાથે વિજેતા હાઈ કમિશન ટીમના સભ્યો છે.