લંડનઃ યુકેના કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG) દ્વારા સાઉથ એશિયન હેરિટેજ મન્થના ભાગરૂપે 5 ઓગસ્ટની બપોરે કેનસાલ ગ્રીન સેમિટેરી ખાતે દફનાવાયેલા દ્વારકાનાથ ટાગોરની પૂણ્યતિથિ નિમિત્તે સ્મરણસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લંડનમાં સેન્ટ જ્યોર્જ હોટેલ ખાતે 1846ની 1 ઓગસ્ટે અવસાન પામેલા સ્વર્ગસ્થ દ્વારકાનાથને શ્રદ્ધાંજલિ અર્પવા કોમ્યુનિટીના લોકો હવામાનની ચિંતા કર્યા વિના એકત્ર થયા હતા.
તેમને સ્મરણાંજલિ આપતી મૃત્યુનોંધમાં ધ લંડન મેઈલ અખબારે 7 ઓગસ્ટે લખ્યું હતું કે,‘ભારતમાં સૌથી ઊંચી બ્રાહ્મણ જ્ઞાતિનો તેમના પરિવારના દીર્ઘ અને પ્રખ્યાત કુળમાંમથી તેઓ ઉતરી આવ્યા હતા પરંતુ, તેમના આ ખાનદાન વંશના લીધે નહિ પરંતુ, તેનાથી બહેતર પશ્ચાદભૂ સાથે આપણે તેમના જીવનની સમીક્ષા કરીએ છીએ. તેઓ પ્રતિભાશાળી હોવાથી તો ઉચ્ચાસને સ્થિત હોવા સાથે પોતાના દેશના હિતકારી સંરક્ષક પણ હતા. ભારતને લાભકર્તા દરેક ખાનગી અને જાહેર એકમોને પ્રોત્સાહન આપવાની તેમની વિશિષ્ટતાનું આ પ્રમાણ હતું.’
આ પ્રસંગે આ જ સેમિટેરીમાં દફનાવાયેલા બંગાળના અન્ય મહાન સપૂત અને યુકેમાં NHS ના સૌપ્રથમ બંગાળી MD સૂરજો કુમાર ગુદેવ ચક્રબુટ્ટી (સૂરજો કુમાર ચક્રવોર્તીને પણ શ્રદ્ધાંજલિ અર્પવાની તક મળી હતી.
આ સેમિટેરી ખાતે બંગાળ સાથે સંકળાયેલા અન્ય મહાન વ્યક્તિ બંગાળ આર્મીના મેજર જનરલ વિલિયમ કેસમેન્ટનું સ્મારક પણ છે. તેમને ભારતના કોલકાતા ખાતે દફનાવાયા હતા ત્યારે તેમની યાદમાં તેમના પત્નીએ આ સ્મારકનું નિર્માણ કરાવ્યું હતું. વિલિયમ સુપ્રીમ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય પણ હતા.