HEF યુકેના બકિંગહામશાયર ચેપ્ટરનું સફળ લોન્ચિંગ

Tuesday 07th May 2024 06:22 EDT
 
 

લંડનઃ હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે દ્વારા તેના બકિંગહામશાયર ચેપ્ટરનું સફળ લોન્ચિંગ કરાયું છે અને ફોરમનું વિસ્તરણ ચાલુ રહેવાની જાહેરાત પણ કરાઈ છે. બીજી મે, 2024ના રોજ આયોજિત ઈવેન્ટમાં પ્રતિષ્ઠિત મહાનુભાવો, સ્લાઉ બરોના કાઉન્સિલરો, ઉત્સાહી વોલન્ટીઅર્સ, IDUK કમિટી સભ્યોએ સાથે મળીને હિન્દુ કોમ્યુનિટીમાં આર્થિક વૃદ્ધિના વિકાસની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.

યુકેમાં હિન્દુ કોમ્યુનિટીના સભ્યો તેમના બિઝનેસીસને વિકસાવે અને સમાજમાં ભારે યોગદાન આપે તેવું પ્લેટફોર્મ પુરું પાડવાના ઉદ્દેશ સાથે HEFનો વિકાસ 2014થી થઈ રહ્યો છે. સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત ધરાવતા હિન્દુ ઈકોનોમિક ફોરમના સભ્યો તેમના વૈવિધ્યપૂર્ણ યોગદાન અને વિશ્વ સાથે સહભાગી રહેવા બદલ ભારે ગૌરવ અનુભવે છે. ચેરમેન સ્વામી વિજ્ઞાનાનંદજીના નેતૃત્વ, પ્રેસિડેન્ટ અનિલ પૂરી અને વાઈસ પ્રેસિડેન્ટ સુભાષ ઠકરારના માર્ગદર્શન હેઠળ યુકે ચેપ્ટરનું સંચાલન કે. શંકર હસ્તક છે જેમની નિષ્ઠા HEFના અભૂતપૂર્વ વિસ્તરણ માટે કારણભૂત રહી છે અને ગ્રોથ કો-ઓર્ડિનેટર રાજેશ રંજન સિંહનો સંપૂર્ણ સાથ-સહકાર પ્રાપ્ત થયો છે. ગત બે વર્ષમાં સભ્ય સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે. ચાર વિઝનરી નેતાઓની કોર ટીમથી શરૂ કરાયેલી સંસ્થા નીતિન ટેકચંદાની, મિલન પટેલ, સોનિયા પટેલ અને રચના ગુપ્તાના વડપણ હેઠળ લંડન ચેપ્ટરની રચના સાથે વિકસી હતી.

રામ રાઘવનના પ્રમુખપદે બકિંગહામશાયર ચેપ્ટરના લોન્ચિંગ થકી વધુ વિસ્તરણ અને કોમ્યુનિટી સાથે આદાનપ્રદાનનું HEFનું કમિટમેન્ટ સ્પષ્ટ થાય છે. વાર્ષિક કોન્ફરન્સમાં તમામ ચેપ્ટરના સભ્યો નેટવર્કિંગ કરી શકે અને સહકાર સર્જાય તેવી મહત્ત્વાકાંક્ષા સાથે HEFદ્વારા આ વર્ષના અંત સુધીમાં સ્કોટલેન્ડ ચેપ્ટરના લોન્ચિંગની પણ જાહેરાત કરાઈ છે.

સુભાષ ઠકરારે જણાવ્યું હતું કે, ‘આપણી કોમ્યુનિટીમાં વિકાસ અને ભારે ઉત્સાહથી અમે રોમાંચિત છીએ. HEF આર્થિક સશક્તિકરણ અને સહકારને ઉત્તેજન તેમજ આપણા ચેપ્ટરોનું વિસ્તરણ આ મિશન પ્રત્યે આપણી કટિબદ્ધતાને દર્શાવે છે.’ મેમ્બરશિપ ડોનેશન્સનો ઉપયોગ પારદર્શિતા સાથે સ્થળોની વ્યવસ્થા, વાનગીઓના અનુભવ સહિતઆવશ્યક વહીવટી ખર્ચા તેમજ વિવિધ કોમ્યુનિટીને લાભકારી અને એકસંપ બનાવે તેવા જાગૃતિ ઈનિશિયેટિવ્ઝ પાછળ કરવામાં આવે છે.

લોન્ચિંગ ઉજવણી નિમિત્તે માસ્ટરશેફ યુકેના અરબિન્દર દુગલ દ્વારા તૈયાર કરાયેલી મજેદાર સ્વાદિષ્ટ વાનગીઓની જ્યાફત ઉપસ્થિત સભ્યોએ મન ભરીને માણી હતી. HEFના વોલન્ટીઅર્સ હિન્દુ કોમ્યુનિટીની અંદર આર્થિક વૃદ્ધિ અને એકતા સ્થાપવાને સમર્પિત છે. ઘણા સભ્યોએ ઈન્વેસ્ટમેન્ટ્સ, કોલબરેશન્સ અને ફ્રેન્ચાઈઝ તકો મારફત સિદ્ધિઓ હાંસલ કર્યાના ઉદાહરણો છે.

HEFની આગામી મીટિંગ 27 જૂન 2024ના દિવસે અનૂપમ મિશન ખાતે યોજાનાર છે. જાણીતા પરોપકારી મયંક ગાંધી ભારતથી આવી બેઠકને સંબોધશે અને મજબૂત અને વધુ સમૃદ્ધ ભાવિના નિર્માણ તરફ HEFની નોંધપાત્ર યાત્રાને સપોર્ટ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter