હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) એ ત્રીજી નવેમ્બરે હાઉસ ઓફ કોમન્સ ખાતે પાર્લામેન્ટરી હોસ્ટ બોબ બ્લેકમેન (MP) અને લોર્ડ નવનીત ધોળકિયા સાથે ૨૦મા દિવાળી ઈવેન્ટની વર્ચ્યુઅલ ઉજવણી કરી હતી. કોવિડ -૧૯ના નિયંત્રણોને લીધે કરાયેલી વર્ચ્યુઅલ ઉજવણીમાં વેબીનાર પ્લેટફોર્મ પર ૫૫ પેનલિસ્ટ અને ૯૪થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ઘણાં લોકોએ આ કાર્યક્રમ ફેસબુક લાઈવ નિહાળ્યો હતો.
રેમી રેન્જર OBE એ સ્વાગત પ્રવચન કર્યું હતું અને ઉજવણીનો આરંભ કરવા સ્પિરિચ્યુઅલ કમિશનરોને આમંત્રણ આપ્યું હતું. બ્રહ્મર્ષિ મિશનના હેડ સ્વામી સૂર્ય પ્રભા દીદી અને ભક્તિવેદાંત મેનોર, ઈસ્કોન ટેમ્પલના પ્રેસિડેન્ટ વિશાખા દેવીજીએ દીપ પ્રાગટ્ય સાથે પ્રાર્થના કરી હતી અને આશીર્વચન પાઠવ્યા હતા.
HFBના પ્રેસિડેન્ટ અને HFBચેરિટીના ટ્રસ્ટી તૃપ્તિ પટેલે હિંદુ સમાજમાં દિવાળીના મહત્ત્વ વિશે વાત કરી હતી. યુકેમાં કોવિડ મહામારી દરમિયાન કોમ્યુનિટી દ્વારા વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી સેવાની પણ તેમણે વાત કરી હતી. તેમણે વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તમામ લોકોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળવા સૌને અનુરોધ કર્યો હતો.
બ્રિટિશ હિંદુઝ APPGના ચેરમેન તરીકે બોબ બ્લેકમેન(MP) એ લોકોને મદદરૂપ થવા બદલ બ્રિટનના હિંદુ સમાજનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે હિંદુ કોમ્યુનિટી ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા પ્રતિબદ્ધ છે.
કાર્યક્રમમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દિવાળી ઉજવણીના પ્લેટફોર્મ પર લાઈવ જોડાયા હતા. બોબ બ્લેકમેન અને તૃપ્તિ પટેલ બન્નેએ પ્રીતિ પટેલે જાહેર અને રાજકીય જીવનમાં કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. પ્રીતિ પટેલે હિંદુ કોમ્યુનિટી માટે દિવાળીના આધ્યાત્મિક સ્વરૂપ તથા પ્રાર્થનાની શક્તિ વિશે વાત કરી હતી. તેમણે ઉમેર્યું કે મુશ્કેલીના સમયમાં સમાજના સભ્યો સંગઠિત બને છે અને એકબીજાને મદદરૂપ થાય છે.
ચાન્સેલર રિશી સુનાકે હિંદુ ફોરમ ઓફ બ્રિટન સહિત દેશભરના લોકોને દિવાળીની શુભકામના પાઠવી હતી. બ્રિટનના હિંદુઓ, શીખો અને જૈનોએ આપેલા બલિદાન તેમજ મહામારી દરમિયાન જરૂરતમંદ લોકોને મદદ કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.
ડેપ્યૂટી ફર્સ્ટ મિનિસ્ટર મીશેલ ઓ‘નીલ વતી જુનિયર મિનિસ્ટર ડેક્લાન કર્નીએ જણાવ્યું કે દિવાળીની ઉજવણી આપણને માનવતાના સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે.
APPG બ્રિટિશ હિંદુઝના વાઈસ ચેરમેન થેરેસા વિલિયર્સ MPએ આ પ્રેરણાદાયક આયોજન બદલ હિંદુ ફોરમ ઓફ બ્રિટનનો આભાર માન્યો હતો. ભારતીય લોકોએ આપેલા યોગદાનની પણ તેમણે પ્રશંસા કરી હતી.
લોર્ડ ડોલર પોપટે મહામારી દરમિયાન વિવિધ પહેલમાં સહયોગ આપવા બદલ HFBનો આભાર માન્યો હતો અને ગ્રીન એન્ડ ક્લિન દિવાળી માટે પગલાં લેવા અનુરોધ કર્યો હતો.
લોર્ડ રેમી કેન્જર, લોર્ડ ગઢિયા, બ્રહ્માકુમારીઝ યુકેના સીસ્ટર જયંતી, ઈન્ટરફેથ નેટવર્ક યુકેના ડો. હેરિએટ ક્રેબટ્રી, વિશ્વ હિંદુ પરિષદ યુકેના ડો. ત્રિભુવન જોટંગીયા અને રજનીશ કશ્યપે સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
હિલીંગ હિમાલયાઝ ફાઉન્ડેશન (HHF)ના સ્થાપક પ્રીદીપ સાંગ્વન, લેંકેશાયર એન્વાયર્નમેન્ટ એક્શન એન્ડ પ્રોટેક્શન (LEAP) ના ફાઉન્ડર - ડિરેક્ટર ડો. શોર્ના પાલ, LEAPના ડિરેક્ટર ડો. રીચા સોનીએ પર્યાવરણના સંરક્ષણ માટે તથા HFBના પ્રેસિડેન્ટ તૃપ્તિ પટેલે ક્લાઈમેટ ચેન્જ વિશે જાગ્રતિ કેળવવા અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે રચાયેલા હિંદુ એન્વાયર્નમેન્ટલ ટાસ્ક ફોર્સ વિશે વાત કરી હતી.
સિમ્પલી સનાતનના અભિ યોગીએ તેમના કંઠમાં સુંદર ભજન ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ રજૂ કર્યું હતું. વધુમાં, અન્નકૂટનું મહત્ત્વ રજૂ કરતો સ્વામીનારાયણ મંદિરનો વીડિયો દર્શાવાયો હતો. સર્જન નર્તન એકેડેમીના કલાકારો દ્વારા પ્રાર્થના નૃત્ય તથા અભિનંદન ડાન્સ એકેડમી દ્વારા શાંતિ પાઠ રજૂ કરાયો હતો.
HFBના પેટ્રન્સ શશી વેકરિયા, રિકી સેહગલ અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ, પુનિત દ્વિવેદીએ સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
HFB દિવાળી કમિટીના ચેરમેન વેલજી વેકરિયાએ આભારવિધિ કરી હતી.
કાર્યક્રમના સુંદર આયોજન માટે HFBએ રીના રેન્જરનો તથા ખામીરહિત પ્રસારણ માટે વિશાલ શાહ, હર્ષ હરિયા અને રીતેશ ઠક્કરનો આભાર માન્યો હતો.
અંતમાં HFBના વાઈસ પ્રેસિડેન્ટ (નોર્થ) હર્ષા શુક્લ MBEએ ઉપનિષદના મંત્રનું ગાન કર્યું હતું.