યોગની પ્રાચીન પરંપરાનો ઉદભવ પૂર્વમાં ૫,૦૦૦ વર્ષ પહેલા થયો હતો. તેમાં સૂર્ય નમસ્કાર સૌથી મોખરે હતું. સૂર્ય નમસ્કાર એટલે સૂર્યને અંજલિ આપવી. ગયા ફેબ્રુઆરીમાં HSS (UK) દ્વારા વાર્ષિક સૂર્ય નમસ્કાર યજ્ઞનું આયોજન કરાયું હતું. તેમાં આયર્લેન્ડથી લઈને વેલ્સ સુધી અબાલવૃદ્ધો ભાગ લીધો હતો અને પોતાના ઘરોમાં કુલ ૭૨૮,૮૭૪ સૂર્ય નમસ્કાર કર્યા હતા.
પ્રાચીન પરંપરાનો યોગ અને ખાસ કરીને શરીર અને મનને સ્વસ્થ રાખવામાં સૂર્ય નમસ્કાર જે ભૂમિકા ભજવે છે તે અને તેના મહત્ત્વને આગળ ધપાવવા માટે HSS (UK) દ્વારા આ સીમાચિહ્ન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમથી પરિવાર તરીકે સાથે મળીને ઘરમાં યોગ કરવાની સૌને તક મળી હતી. દેશભરમાં આવેલા HSS (UK)ના ૧૦૦ પ્રવૃત્તિ કેન્દ્ર (શાખા) માં યોગ તેમના અભ્યાસક્રમનો મુખ્ય ભાગ હોય છે. યોગથી મન અને શરીર વચ્ચે સંતુલન સધાય છે. આ વર્ષના વર્ચ્યુઅલ યજ્ઞને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો અને દેશભરમાંથી તમામ વયના લોકો તેમાં જોડાયા હતા.
અગાઉ યોગ આટલો પ્રચલિત ક્યારેય ન હતો. તેનું પશ્ચિમમાં સ્થળાંતર થયું હોવા છતાં તેના મૂલ્યો યથાવત જળવાઈ રહ્યા છે. સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી ચયાપચયમાં સુધારો, હોર્મોન્સનું સંતુલન, કાર્ડિયોવાસ્ક્યુલર, રેસ્પીરેટરી અને પલ્મોનરી ફંક્શનમાં સુધારો, એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય છે. તેનાથી એન્ક્ઝાઈટી, ડિપ્રેશન અને સ્ટ્રેસમાં રાહત થાય છે તેમજ રોગ થતાં અટકે છે.
યોગ કરતી વખતે કેવા કપડાં પહેરવા વગેરે બાબતે યોગના ઉદ્દેશ વિશે છેલ્લાં કેટલાંક વર્ષોથી ખોટી વાત થઈ રહી છે. હકીકતે તો કોઈ કેવું દેખાય છે તે અથવા કોઈને કેવું લાગે છે તે વાત જ યોગમાં હોતી નથી. આ ગેરસમજને દૂર કરવાની જરૂર છે.
કોરોના મહામારીમાં આપણે શીખ્યા કે સમય જ મહત્ત્વનો છે. તે રોકાશે નહીં અને ખાસ તો તે પાછો આવશે નહીં તેથી યોગ આપણને વર્તમાનમાં જીવવા અને આશાવાદી થવાનું શીખવાડે છે.
HSS (UK) હિંદુ સ્વયંસેવક સંઘ અને હિંદુ સેવિકા સમિતિની ચેરિટી છે. રમતગમત, નેતૃત્વ વિકાસ અને કોમ્યુનિટી સર્વિસના માધ્યમથી નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન માટે તે સમગ્ર પરિવાર માટે અઠવાડિક પ્રવૃત્તિ ચલાવે છે. તેના ઉદ્દેશ અને પ્રવૃત્તિઓ સંસ્કાર, સેવા અને સંગઠનના સિદ્ધાંતો પર આધારિત છે.