ધ ઇંડિયન ડાયસ્પોરા ઇન ધ યુકે (IDUK) ગ્રૂપ દ્વારા લવ સ્લોઉ (સ્લોઉ BID)ના સહયોગમાં સ્લોઉ હાઇ સ્ટ્રીટ ખાતે શાનદાર દિવાળી પરેડનું આયોજન થયું હતું, જેમાં સેંકડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આનંદ-ઉલ્લાસભેર દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રજૂ થયેલી નૃત્યોની મનમોહક રજૂઆતે ઉજવણીને ચાર ચાંદ લગાવ્યા હતા.
11 નવેમ્બરે યોજાયેલો આ દિવાળી મેળાવડો સ્લોઉના હાઇ સ્ટ્રીટમાં O2 બહાર યોજાયો હતો. શાનદાર દિવાળી પરેડના પગલે ટાઉન સેન્ટર નયનરમ્ય રંગો અને ગીતસંગીતથી ધબકી ઉઠ્યું હતું. પરેડમાં ઢોલ બિટ્સ યુકેના દસ ઢોલી પણ જોડાયા હતા અને ધમાકેદાર દેશી સંગીતના તાલે લોકોના પગ નૃત્ય માટે થનગની ઉઠ્યા હતા.
સમગ્ર આયોજનનું સૌથી નયનરમ્ય પાસું હતું દિવાળી પરેડ, જેમાં વિવિધ વર્ગના લોકો જોડાયા હતા અને દીપોત્સવની ઉજવણી કરી હતી. ‘આવો અને અમારી સાથે પ્રકાશના પર્વની ઉજવણીમાં જોડાઇને ચેતનવંતા સમુદાયનો હિસ્સો બનો’ તેવી થીમ સાથે યોજાયેલી આ ઉજવણીનો ઉદ્દેશ વિવિધ સમુદાયોને એકતાંતણે બાંધવાનો હતો.
પરેડના અંતે લોકો ક્વીન્સમીયર ઓબ્ઝર્વેટરી શોપિંગ સેન્ટર બહાર એકત્ર થયા હતા અને એક કલાક નૃત્યનો કાર્યક્રમ માણ્યો હતો. સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કળાકૌશલ્યના સમન્વય સમાન વૈવિધ્યપૂર્ણ નૃત્યોની રજૂઆતે લોકોના મન મોહી લીધા હતા.