લંડનઃ ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ્સમાં એક ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કોઝિકોડ (IIMK) દ્વારા 24-25 ઓક્ટોબરે લંડનમાં ‘ગ્લોબલાઈઝિંગ ઈન્ડિયન થોટ’ પર સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન યુનિવર્સિટી ઓફ લંડનના પ્રતિષ્ઠિત સેનેટ હાઉસ ખાતે કરાયું હતું જેમાં સેંકડો બિઝનેસ અને એકેડેમિક ડેલીગેટ્સ હાજર રહ્યા હતા. આ બે દિવસના કાર્યક્રમમાં વિશ્વના પ્રભાવશાળી વિદ્વાનો, નીતિઘડવૈયા અને વિશ્વના નેતાઓ શિક્ષણ, ઈકોનોમિક્સ અને રિસર્ચ સહિતના ક્ષેત્રોમાં ભારતીય વિચારના વધતા વૈશ્વિક પ્રભાવ વિશે ચર્ચા કરવા એકત્ર થયા હતા.
કોન્ક્લેવના પ્રથમ દિવસે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સ ખાતે ઈકોનોમિક્સના પ્રોફેસર એમરિટસ લોર્ડ મેઘનાદ દેસાઈએ ચીફ ગેસ્ટ તરીકે શક્તિશાળી પ્રવચન આપ્યું હતું. લોર્ડ દેસાઈએ આજના પરસ્પર સંકળાયેલા વિશ્વમાં ભારતીય તત્વદર્શનના સિદ્ધાંતોની અનંત પ્રસ્તુતતા પર પ્રકાશ પાથર્યો હતો.
આ પછી, વેલ ઓફ ગ્લેમોર્ગનના મેમ્બર ઓફ પાર્લામેન્ટ કનિષ્કા નારાયણે ચાવીરૂપ સંબોધન કર્યું હતું. તેમણે ભારતીય મૂલ્યોની વધી રહેલી દૃશ્યતા, બ્રિટિશ સમાજના નેતિક માળખાઓ અને ભાવિને ઘડવાની તેમની ગર્ભિત ક્ષમતાઓ વિશે ચર્ચા કરી હતી. IIMકોઝિકોડના ડાયરેક્ટર પ્રોફેસર દેવાશિષ ચેટરજીએ પ્રમુખ તરીકે સંબોધનમાં ભારતનો બૌદ્ધિક વારસો કેવી રીતે વૈશ્વિક પડકારો સંદર્ભે ઉપાયો પૂરા પાડી શકે છે તે વિશે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે‘અમારી લંડનની પ્રથમ મુલાકાત ભારે સફળ રહી છે. અમે નવા સ્ટેકહોલ્ડર્સ સાથે સંપર્ક બનાવી શક્યા છીએ અને એલુમનીઝ સાથેના સંબંધો ગાઢ બનાવ્યા છે. ફીલોસોફી, લીડરશિપ અને વહીવટમાં ઊંડા મૂળ ધરાવતા ભારતના મેનેજમેન્ટ સિદ્ધાંતો ગ્લોબલ બિઝનેસ અને નીતિનિર્ણયોમાં મૂલ્યવાન બોધપાઠ આપી શકે છે તેના વિશે વધુ શીખવાની ઈચ્છાથી અમને આનંદ થયો છે.’
બીજા દિવસનો આરંભ ઓક્સફર્ડ સેન્ટર ઓફ હિન્દુ સ્ટડીઝના ડાયરેક્ટર પ્રોફેસર શૌનક દાસની રિમાર્ક્સ સાતે થયો હતો જેમણે ભારતીય પરંપરામાં શિક્ષણ અને આધ્યાત્મિકતા વચ્ચે પારસ્પરિક પ્રભાવ વિશે સમજ પાડી પેનલચર્ચા માટેનો તખ્તો ઉભો કર્યો હતો. પ્રોફેસર દાસે કહ્યું હતું કે, ‘વિશ્વમાં તમારી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તમને તમારા જ વારસા વિશે શિક્ષણ આપવું પડે છે. ભારતમાં એજ્યુકેશન સિસ્ટમ વિકસાવવાની આવશ્યકતા છે. IIMK આ બાબતે અગ્રેસર બની નોંધપાત્ર કામગીરી કરી રહેલ છે.’
‘ફ્યુચર ઓફ હાયર એજ્યુકેશન એન્ડ ઈટ્સ રોલ ઈન એડ્રેસિંગ ગ્લોબલ ચેલેન્જીસ’ વિષય પરની પેનલચર્ચામાં ESCP બિઝનેસ સ્કૂલ લંડનના ડીન પ્રોફેસર કામરાન રાઝમદુસ્ત, ચેસ્ટર બિઝનેસ સ્કૂલના ડીન પ્રોફેસર કિર્સ્ટી સિમ્પસન, યુનિવર્સિટી ઓફ બ્રાઈટનના પ્રોફેસર કેથેરાઈન રોબિન્સન જેવાં પ્રતિષ્ઠિત પેનલિસ્ટોએ ભાગ લીધો હતો. દરેક પેનલિસ્ટે ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં સસ્ટેનિબિલિટી અને સમાવેશીતા જેવાં વૈશ્વિક પડકારો વિશે પરિપ્રેક્ષ્યો રજૂ કર્યા હતા અને ભારતીય શૈક્ષણિક સિદ્ધાંતોથી પ્રેરિત આંતરશાખાકીય અભિગમ માટે હિમાયત કરી હતી.
બર્મિંગહામની એસ્ટોન યુનિવર્સિટીમાં એસોસિયેટ ડેપ્યુટી વાઈસ ચાન્સેલર ઈન્ટરનેશનલ, પ્રોફેસર પવન બુધવારે ‘ડુઈંગ રિસર્ચ ફોર ઈમ્પેક્ટ’ વિષય પર ચાવીરૂપ પ્રવચન કર્યું હતું તેમજ સામાજિક જરૂરિયાતોના નિરાકરણ માટે એકેડેમિક સંશોધનો લાગુ કરવા અને ખાસ કરીને ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે સહકાર થકી આમ કરવાના મહત્ત્વ વિશે જણાવ્યું હતું.