લંડનઃ ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ) અને જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરના મહાવીર જન્મ કલ્યાણક તરીકે ઓળખાતા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. યોગાનુયોગે આ વર્ષનો ઈવેન્ટ વિશિષ્ટ હતો કારણકે ભગવાન મહાવીરે નિર્વાણ પ્રાપ્ત કર્યું તેની 2,550મી વર્ષગાંઠ પણ આ જ દિવસે હતી.
પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે વાર્ષિક ઉજવણીમાં મોટા પાયે જૈન કોમ્યુનિટીની હાજરી ઉપરાંત, પાર્લામેન્ટ, વિવિધ ધર્મની કોમ્યુનિટીઓના અગ્રણીઓ અને એકેડેમિક વિશ્વના પ્રતિષ્ઠિત મહાનુભાવો એકત્ર થયા હતા. પારુલ શાહની આગેવાની હેઠળ જૈન પ્રાર્થનાઓ સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મેહૂલ એચ. સંઘરાજકા MBEએ સીમાચિહ્નરૂપ વર્ષગાંઠ અને જૈન સમાજ માટે તેના મહત્ત્વ પર ભાર મૂકવા સાથે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
જૈન APPGના ડેપ્યુટી ચેર અને હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેને જૈન કોમ્યુનિટીને નોંધપાત્ર યોગદાન આપવા બદલ વાર્ષિક વનજૈન (OneJAIN) એવોર્ડ્સ એનાયત કર્યા હતા. માન્ચેસ્ટરમાં કોમ્યુનિટીની સમર્પિત સેવા કરવા બદલનો એક્સેલન્સ ઈન કોમ્યુનિટી એવોર્ડ મેળવનારાં સોનલ મહેતા અને જૈન કોમ્યુનિટીમાં આરોગ્ય પહેલનું અસરકારક કાર્ય કરવા બદલ યંગ પર્સન્સ એવોર્ડ પ્રાપ્ત કરનારા સૂરજ બાફનાનો આ વર્ષના એવોર્ડવિજેતાઓમાં સમાવેશ થયો હતો. કોમ્યુનિટી સાથે સતત સંકળાઈ રહેવા બદલ ચંદ્રકાન્ત શાહની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. યુકેમાં જૈનદર્શનના પ્રોફાઈલને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ પાયાની ભૂમિકા અને ત્રણ દાયકાની ઉત્સાહી, એકનિષ્ઠ સેવા બદલ નેમુ ચંદેરીઆ OBEને ખાસ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો ત્યારે લોકોએ ઉભા થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. મિનિસ્ટર ઓફ ફેઈથ બેરોનેસ સ્કોટ ઓફ બાયબ્રૂકના સંદેશાને વાંચવામાં આવ્યો હતો જેમાં તેમણે ભગવાન મહાવીરના વારસા અને જૈન કોમ્યુનિટીઓને સપોર્ટ કરવામાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના કાર્યને બિરદાવ્યું હતું.
ઈવેન્ટમાં જૈનધર્મીઓની ગણનાપાત્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં જૈન કોમ્યુનિટીની વધુ સારી હિમાયત કરી શકાય તે માટે 2021ના યુકે સેન્સસ ડેટાનું વિશ્લેષણ કરી રહેલા સમીર જૂઠાણીની જાહેરાત નોંધપાત્ર રહી હતી. ટીવી સીરિઝ ‘પિલગ્રિમેજ’માં ભૂમિકા અને ‘એસ્કેપ ટુ ધ કન્ટ્રી’ના પ્રેઝન્ટરની કામગીરી બદલ પ્રખ્યાત સેલેબ્રિટી સોનાલી શાહે જૈનદર્શનમાં તેમની આધ્યાત્મિક યાત્રા વિશે વાત કરી હતી જેમાં જૈન મૂલ્યોની સમજ અને સ્વીકાર સમય જતાં વધુ ગાઢ કેવી રીતે બન્યાં તે જણાવ્યું હતું.
ડો. એડ્રિઅન પ્લાઉના પ્રતિનિધિત્વ હેઠળ વેલકમ કલેક્શન પાસે રખાયેલી જૈન હસ્તપ્રતોની જાહેરાત અને પ્રતીકાત્મક પ્રત્યાસ્થાપન IOJને કરાયું હતું તે આ સાંજની વિશિષ્ટતા બની રહી હતી. વેલકમ કલેક્શને તેમની પાસે રહેલી તમામ 2000થી વધુ હસ્તપ્રતો IOJને પરત કરવાના તેમના ઈરાદાને સ્પષ્ટ કર્યો હતો. આ શુભચેષ્ટાને ‘ઐતિહાસિક ખોટા કાર્યને’ બદલવાના પ્રયાસ તરીકે ગણાવાઈ હતી અને કેથેરાઈન નોલ્સે આ હસ્તપ્રતોને કાળજી અને જાળવણીની ખાસ જરૂર હોવા વિશે ચર્ચા કરી હતી. આ પછી, ડો. એડ્રિઅન પ્લાઉ અને કેથેરાઈને પ્રતીકાત્મક હસ્તપ્રત IOJના ડાયરેક્ટર્સ નેમુ ચંદેરીઆ અને જયસુખ મેહતાને સુપરત કરી હતી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીએ આ હસ્તપ્રતોને લાંબા ગાળાની લોન્સ તરીકે યુનિવર્સિટી ઓફ બર્મિંગહામને આપવાની જાહેરાત કરી હતી તેની સાથે ભારતની બહાર મુખ્ય જૈન સંશોધન સંસ્થા સ્વરૂપે તેની ભૂમિકામાં વધારો થયો હતો.
પ્રોફેસર શાર્લોટ હેમ્પેલના વડપણ હેઠળ યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ જૈન હસ્તપ્રતો-મેન્યુસ્ક્રીપ્ટ્સ સાથે કોમ્યુનિટીનું આદાનપ્રદાન વધારવા તૈયાર કરાયેલા નવીનતમ શૈક્ષણિક પ્રોગ્રામ્સ અને વર્તમાન સંશોધનો વિશે બધાને સમજ આપી હતી. તેમણે ઓડિયન્સને આ અમૂલ્ય સાંસ્કૃતિક હસ્તકૌશલ્યની કૃતિઓની જાળવણી અને તેમને પ્રોત્સાહન આપવા બાબતે પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી.
હેરોના મેયર રામજી ચૌહાણના સંબોધન સાથે આ સાંજનું સમાપન થયું હતું. મેયરે શાંતિ અને સંવાદિતાના પોષણ માટે આદર, એકતા અને વૈવિધ્યતા પાયારૂપ હોવા વિશે ભારપૂર્વક જણાવ્યું હતું. મહાવીર ફાઉન્ડેશનના નિરજ સુતરીઆએ ભગવાન મહાવીરની નિર્વાર્ણની 2,550મી વર્ષગાંઠ નિમિત્તે વનજૈન દ્વારા મોટા પાયે ભવ્ય ઉજવણીના આગામી કાર્યક્રમની જાહેરાત કરી હતી જેમાં, ભગવાન મહાવીરના તેજસ્વી વારસા અને જૈન સમુદાયની એકતાના પ્રદર્શનમાં 2000થી વધુ લોકો સહભાગી બનશે તેવી ધારણા સેવાય છે.