નીસડન ટેમ્પલ તરીકે જાણીતું વિશ્વવિખ્યાત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર તાજેતરમાં ITVની સ્પેશિયલ ડોક્યુમેન્ટરી ‘ઓલ અરાઉન્ડ બ્રિટન’માં ઝળક્યું હતું. આ સિરીઝમાં પ્રેઝન્ટરો માનવીય પ્રયાસો, આનંદની અનુભૂતિ કરાવતા પ્રાકૃતિક સ્થળો અને સ્થાનિક ઈતિહાસ સાથેની શ્રેષ્ઠ કથાઓ માટે દર્શકોને બ્રિટનની સફર કરાવે છે.
આ નવી સિરીઝના ચોથા એપિસોડમાં લંડનના અદભૂત નીસડન મંદિરે પહોંચેલા પ્રેઝન્ટરો રણવીર સિંહ અને એલેક્સ બેરેસફર્ડનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. વિશ્વવિખ્યાત સીમાચિહ્ન હોવા ઉપરાંત આ મંદિર યુકેના સૌથી લોકપ્રિય આકર્ષણો પૈકીનું એક છે. ૨૦ ઓગસ્ટ, ૧૯૯૫ના રોજ મંદિરનું ઉદઘાટન થયું ત્યારથી તેને ઘણાં એવોર્ડ અને પ્રશસ્તિપત્રો પ્રાપ્ત થયા છે.
ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડની ૨૦૦૨ની આવૃત્તિની વિશેષ બાબત એ હતી કે તેમાં નીસડન ટેમ્પલનો અને મંદિરના પ્રેરક તથા BAPSના આધ્યાત્મિક ગુરુ પૂ. પ્રમુખ સ્વામીનો ત્રણ વખત ઉલ્લેખ કરાયો હતો. પૂ. પ્રમુખ સ્વામીને ભારત બહાર વિદેશી ભૂમિ પર સૌથી મોટા પરંપરાગત હિંદુ મંદિરના સર્જક તરીકે બહુમાન અપાયું હતું. એટલે સુધી કે પ્રતિષ્ઠિત ‘રીડર્સ ડાયજેસ્ટ’માં પણ નીસડન મંદિરનો ૨૦મી સદીની એક અજાયબી તરીકે ઉલ્લેખ કરાયો હતો.
તેથી જ રણવીર અને એલેક્સ બન્નેનું મંદિરના સમર્પિત વોલન્ટિયરો નીશા અને તરુણે ‘નમસ્તે’ની ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું તેમાં કોઈ નવાઈ જેવું લાગે નહીં. જૂની ઉક્તિ ‘સ્વચ્છતામાં પ્રભુનો વાસ’ને અનુસરીને બન્નેએ તેમના શૂઝ ઉતાર્યા. સૌ વ્હાઈટ બલ્ગેરિયન લાઈમસ્ટોનમાંથી બનાવાયેલી માર્બલની મુખ્ય સીડી ચડીને મંદિરની મુલાકાતે ગયા.
મુખ્ય મંદિરમાં પ્રવેશતાં જ અદભૂત કલાકારીગરી અને સુંદર નક્શીકામ સાથેનું ઈટાલિયન કરારા માર્બલનું સ્થાપત્ય નિહાળીને બન્ને દંગ રહી ગયા હતા. વધુમાં, ભારતમાં ૫,૦૦૦ ટનના પથ્થરોના ૨૬,૩૦૦ ટુકડા પર ૧,૫૦૦થી વધુ કુશળ કારીગરોએ હાથે કરેલી કોતરણી તેમજ દરેક ટુકડાને અપાયેલા કોડ, તેનું પેકિંગ અને લંડન સુધીની ૬,૩૦૦ માઈલની સફરે તેને કેવી રીતે મોકલવામાં આવ્યા તેની માહિતી તરુણભાઈએ આપી ત્યારે તો બન્ને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહીં હજારો વોલન્ટિયરોએ વિશાળ થ્રી ડાયમેન્શનલ જીગ્સો પઝલની માફક દરેક ટુકડાનું એસેમ્બલિંગ કર્યું હતું અને તે પણ વિક્રમજનક માત્ર અઢી વર્ષમાં !!!. હિંદુ શિલ્પશાસ્ત્ર પ્રમાણે આ મંદિરમાં ધાતુ અથવા સ્ટીલના એકપણ ટુકડાનો ઉપયોગ કરાયો નથી.
તે પછી બન્નેને આરતીમાં ભાગ લેવા અને ભગવાનોના આશીર્વાદ પ્રાપ્ત કરવા કહેવાયું. ત્યારબાદ રણવીર પ્રાર્થના કરવાની સાથે નીલકંઠવર્ણી - ભગવાન સ્વામીનારાયણની મૂર્તિ પર અભિષેક કરવા માટે મંદિરના નીચેના માળે ગયા હતા. પૂ. પ્રમુખ સ્વામી માનતા હતા કે ‘સ્વસ્થ મનની સાથે શરીર તંદુરસ્ત હોવું જ જોઈએ’. તેને ચરિતાર્થ કરવા અને સારું સ્વાસ્થ્ય અને ફિટનેસ જાળવવા માટે બનાવાયેલા મોડર્ન જીમની મુલાકાત માટે બન્નેને તેમની ટેલિવિઝન ટીમ સાથે આમંત્રણ અપાયું.
અંતમાં, ઉષ્માભર્યા આતિથ્ય બદલ એલેક્સે બ્રિટનમાં જન્મેલા ડોક્ટર અને મંદિરના હેડ સાધુ યોગવિવેક સ્વામીની મુલાકાત લઈને તેમનો, બોર્ડ ઓફ ટ્રસ્ટીનો અને વોલન્ટિયર્સનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
યોગવિવેક સ્વામીએ પ્રભુસેવા અને માનવતાવાદી પ્રવૃત્તિઓ કરવા માટે સાધુ થવાનો નિર્ણય લીધો હતો. હાલ નીસડન મંદિરના હેડ સાધુ તરીકે તેઓ ઘણાં સમકાલીન મુદ્દાઓ પર ધ્યાન આપે છે. તેઓ વેદગ્રંથો, પ્રાચીન તત્વજ્ઞાન અને વિશ્વના ધર્મો વિશેના તેમના જ્ઞાન દ્વારા સમાજને પ્રેરણા પૂરી પાડવા સમર્થ છે.
કોરોના વાઈરસ મહામારીના સંજોગોમાં BAPSના હાલના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામીએ કરેલા અનુરોધને પગલે ૧,૧૦૦થી વધુ વોલન્ટિયર અને ૧૯ રેસિડેન્ટ સ્વામીએ દરરોજ ભોજન તૈયાર કરીને વડીલો અને અશક્ત લોકોને પહોંચાડવાની સેવા કરી હતી તે સહિત મંદિર દ્વારા કરાયેલી તમામ કોમ્યુનિટી સર્વિસની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
છેલ્લે, મુલાકાતી તરીકે આવેલા રણવીર અને એલેક્સે ‘વસુધૈવ કુટુમ્બકમ’ (સમગ્ર વિશ્વ એક પરિવાર છે)ની લાગણી સાથે પરિવારના સભ્યો તરીકે વિદાય લીધી હતી. રેસિડેન્ટ સ્વામીઓ દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ શાકાહારી ભોજનનો આસ્વાદ માણ્યા પછી બન્નેએ મંદિરના સ્થાપક/પ્રેરણાસ્રોત પૂ. પ્રમુખ સ્વામીના ‘બીજાની ખુશીમાં પોતાની ખુશ સમાયેલી છે’ જીવન મંત્રનો પડઘો પાડતા આનંદપૂર્વક અને આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ થઈને મંદિરમાંથી પ્રસ્થાન કર્યું હતું.