લંડનઃ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) અને યંગ લોહાણા સોસાયટી (YLS) સાથે મળીને રવિવાર 9 માર્ચ 2025ના દિવસે ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD)એ પ્રેરણાદાયક અને સશક્તિકરણના બીજા વાર્ષિક ઈવેન્ટની ઊજવણી કરવામાં આવી હતી. ધ ધામેચા હોલ ખાતે આયોજિત કાર્યક્રમને ભારે સફળતા સાંપડી હતી. કોમ્યુનિટીના સ્ત્રી અને પુરુષોએ સાથે મળીને મહિલાઓની સિદ્ધિઓને ઊજવી હતી તેમજ વધુ સમાનતાની હિમાયત કરી હતી.
આ વર્ષનો ઈવેન્ટનો થીમ ‘ડિગ્નિટી, પ્યોરિટી એન્ડ હોપ’ એટલે કે ગૌરવ, પવિત્રતા અને આશા વિશે હતો. ઉપસ્થિત લોકો સમક્ષ વિવિધ ચર્ચાઓ અને ઉષ્માસભર કથાઓ રજૂ કરાઈ હતી. વક્તાઓની અદ્ભૂત ત્રિવેણી સમાન જય રુઘાણી, કામેલ હોથી OBE અને પૂજા નાયડુએ જીવનનાં તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓના ઉત્થાન માટે કોમ્યુનિટીની અંદર જ એકતા અને સહકારના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
ઈવેન્ટમાં વિવિધ ક્ષેત્રોના પ્રસિદ્ધ પ્રોફેશનલ્સ દ્વારા પેનલચર્ચા મહત્ત્વની બની રહી હતી. પેનલમાં ચાંદની પલાણ (મોડરેટર), કેતન દત્તાણી, રોશની ઠકરાર, અમિત સોઢા, સરિતા ઠકરાર અને પ્રિશા બાથીઆનો સમાવેશ થયો હતો. તેઓએ પોતાની વ્યક્તિગત યાત્રાઓ, તેમણે પાર કરેલા પડકારો અને સફળતા હાંસલ કરવામાં ધીરજના મહત્ત્વ વિશે સહુને જણાવ્યું હતું. તેમની વાતો ગાઢપણે ઓડિયન્સના દિલોદિમાગમાં ઉતરી ગઈ હતી તેમજ અવરોધોમાંથી પાર ઉતરવા અને પ્રગતિ સાધવાની મહેચ્છા સંદર્ભે અર્થસભર વાતચીતનો માર્ગ મોકળો બન્યો હતો.
ઈવેન્ટના સમાપન સાથે ઉપસ્થિત લોકો જીવનના દરેક ક્ષેત્રોમાં સ્ત્રીઓને આગળ ધપાવવાનું ચાલુ રાખવા માટે પ્રેરણા પામ્યા હતા. LCNL અને YLS દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઊજવણી રચનાત્મક પરિવર્તનને આગળ વધારવા કોમ્યુનિટી દ્વારા પ્રેરિત ઈનિશિયેટિવ્ઝની તાકાતનો પુરાવો બની રહી હતી. લોહાણા સમાજની મહિલાઓને આગળ વધારે અને સિદ્ધિઓની ઊજવણી કરે તેવા વધુ ઈવેન્ટ્સના આયોજન માટે સંસ્થાઓ આતુર છે.