લંડનઃ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા સ્વાસ્થ્ય કલાણ અને હેલ્થકેર વિશે જાગૃતિ કેળવવાના પ્રયાસો થતા રહે છે. આવા જ એક પ્રયાસમાં રવિવાર 22 સપ્ટેમ્બરે સાઉથ હેરોસ્થિત ધામેચા લોહાણા સેન્ટર ખાતે ડાયાબિટીક સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પનું ફોકસ સાઉથ ઈન્ડિયન કોમ્યુનિટીમાં ટાઈપ 2 ડાયાબિટીસના વધુ પ્રમાણ સંદર્ભે હતું.
કાર્યક્રમના આરંભે જાણીતા જીપી ડો. મિતેશ કાકડ, ક્લિનિકલ ફાર્માસિસ્ટ કરિશ્મા ઠકરાર અને પ્રોફેશનલ હેલ્થ અને ન્યૂટ્રિશિયન કોચ સુજાતા દીન દ્વારા સંબોધનો કરાયા હતા. ઓડિયન્સને ટાઈપ 2 ડાયાબિટીસ વિશે મેડિકલ અને ક્લિનિકલ જાણકારી તેમજ પ્રાપ્ત પ્રવર્તમાન મેડિકલ સારવાર અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાની આવશ્યક્તા વિશે જણાવાયું હતું. ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું સંભવિત ઊંચુ જોખમ હોય તેવી વ્યક્તિઓની ઓળખ માટે ડિઝાઈન કરાયેલા આ સ્ક્રીનિંગ કેમ્પ ઈવેન્ટમાં કોમ્યુનિટીના આશરે 150 સભ્યો હાજર રહ્યા હતા. રોગને વેળાસર ઓળખી લેવાય તે બાબત સારવાર વિના સર્જાતા ગંભીર કોમ્પ્લિકેશન્સને અટકાવવામાં ભારે મદદરૂપ નીવડે છે. ઉપરોક્ત વક્તાઓ ઉપરાંત, અન્ય જનરલ પ્રેક્ટિશનર્સ ડો. ભરત ઠાકર, ડો. શ્યામ ઠાકર, ડો. ક્રિશા ઠાકર, ડો. જિતેન્દ્ર કાકડ તેમજ ક્લિનિકલ ફાર્માસિસ્ટ બિના સૂચકે પણ કામગીરીમાં મદદ આપી હતી.
ડાયાબિટીક સ્ક્રીનિંગ અમારા LCF ચેરપર્સન વિનોદભાઈ અને દક્ષાબહેન ઠકરાર તથા રજનીભાઈ અને જ્યોતિબહેન ઠકરાર દ્વારા સ્પોન્સર કરાયું હતું.LCNLના પ્રેસિડેન્ટ મિસિસ મીનાબહેન જસાણીએ આ ઈવેન્ટ બાબતે ખુશી દર્શાવવા સાથે મદદ કરનારી તેમની એક્ઝિક્યુટિવ કમિટી અને અન્ય વોલન્ટીઅર્સ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.