LCNL દ્વારા રામનવમીની આધ્યાત્મિકતા સાથે ઉજવણી

Tuesday 23rd April 2024 02:10 EDT
 
 

લંડનઃ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા બુધવાર 17 એપ્રિલ 2024ના રોજ રામ નવમીના પવિત્ર દિને ભવ્ય ઉજવણી કરાઈ હતી. સ્વર્ગસ્થ શ્રી હિરજીભાઈ ઠકરારના પરિવારના યજમાન સભ્યો, પ્રકાશભાઈ, રાજુભાઈ, ભરતભાઈ, સંજયભાઈ અને સમગ્ર ઠકરાર પરિવાર ગત પાંચ વર્ષથી આ ઉજવણીના ઈવેન્ટમાં અગ્રેસર રહેલ છે. ખાસ કરીને આ વર્ષે ભારતના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન ધ્યાનમાં રાખી આ વખતે ઉજવણીમાં એકતા અને સમર્પણની ભાવના આગળ રહી હતી. દંતકથારૂપ રઘુવંશી અને ભગવાન રામે જીવેલા દયા, કરુણા, નમ્રતા અને ન્યાયના શાશ્વત મૂલ્યોને આ ઈવેન્ટમાં હાઈલાઈટ કરવામાં આવ્યા હતા.

લોહાણા કોમ્યુનિટી માટે રામ નવમી ઉત્સવ ભારે મહત્ત્વ ધરાવે છે જે અશુભ પર શુભના વિજય તેમજ ભગવાન રામના શાશ્વત મૂલ્યોને ઉજાગર કરે છે. ધામેચા લોહાણા સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમ મિનિ અયોધ્યાને પ્રદર્શિત કરતા ઉત્સાહપૂર્ણ નજારામાં ફેરવાઈ ગયો હતો જ્યાં, નિકેશ પરમાર રાજવી રાજા અને તેમના સંગીતકારોના સમૂહના બનેલા પ્રતિભાશાળી મ્યુઝિક ગ્રૂપ દ્વારા મધૂરા ભજનો રજૂ કરવામાં આવ્યાં હતાં.

LCNLના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણી અને સમગ્ર એક્ઝિક્યુટિવ કમિટી વતી મહેમાનોને આવકારતા ઉદ્ઘોષક સંજય રુઘાણીએ કમિટીના કેટલાક સભ્યો સાથે ઠકરાર પરિવારને દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કર્યા હતા. પ્રફુલાબહેન ચોટાઈ અને મહેશ્વરીબહેન કોટેચા દ્વારા સજાવટો મનમોહક હતી. મહાકાવ્ય રામાયણની દશ્યાવલિના ચિત્રણ સાથે વિશાળ LED સ્ક્રીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. એક હૃદયસ્પર્શી પળે ઉલ્લેખ કરાયો હતો કે ભગવાન રામે 500 વર્ષ પછી અયોધ્યામાં આગમન કર્યું હતું તે જ રીતે ધામેચા લોહાણા સેન્ટરમાં પણ તેમની દિવ્ય ઉપસ્થિતિ સમગ્ર ઓડિયન્સે અનુભવી હતી.

માનવંતા મહેમાનોમાં હેરોના મેયર રામજી ચૌહાણ, મેયોરેસ મીના ચૌહાણની સાથે કાઉન્સિલર અંજના પટેલના સમાવેશ સાથે LCNLકોમ્યુનિટીના સભ્યો અને મિત્રોની ઉપસ્થિતિએ વાતાવરણને આનંદપૂર્ણ બનાવી દીધું હતું. આ ઈવેન્ટમાં 800થી વધુ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા જેમણે આધ્યાત્મિકતાપૂર્ણ વાતાવરણ અને ઉજવણીના હર્ષોલ્લાસમાં પોતાને તરબોળ કરી દીધા હતા.

આસિસ્ટન્ટ સોશિયલ સેક્રેટરી પરાગભાઈ ઠાકરની આગેવાની હેઠળ સ્વયંસેવકોની સોશિયલ ટીમે લોહાણા કોમ્યુનિટીની વ્યાખ્યા કરતી સહભાગિતા અને મિત્રતાની ભાવનાના પ્રતીકરૂપ પ્રસાદીનું વિતરણ કર્યું હતું.

વાઈસ પ્રેસિડેન્ટ રોનક પાઓ દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter