લંડનઃ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા રવિવાર પહેલી ડિસેમ્બર 2024ના દિવસે સમર્પિત આંખ સંભાળ ઈવેન્ટ યોજવામાં આવ્યો હતો. આ સફળ ઈવેન્ટમાં આશરે 250 લોકો હાજર રહ્યા હતા. આંખના આરોગ્ય વિશે જાગરુકતા ઉભી કરવાના હેતુસરના ઈવેન્ટનું આયોજન પ્રોફેસર ભિક કોટેચા અને ભરત રુઘાણી (મૂરફિલ્ડ્સ) દ્વારા કરાયું હતું અને તેમાં નિષ્ણાત લેક્ચર્સ, આપસી ચર્ચા અને આંખની સઘન તપાસ (સ્ક્રીનિંગ)નો સમાવેશ થયો હતો.
LCNLના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણી દ્વારા પ્રેરક પરિચય અને સ્વાગત સાથે ઈવેન્ટનો આરંભ કરાયો હતો. તેમણે સમગ્રતયા આરોગ્ય જાળવણી અને સ્વાસ્થ્યમાં સક્રિય આંખસંભાળના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. અગ્રણી આંખ નિષ્ણાતો ડો. મીરા રાડીઆ, નિરલ કારીઆ, પ્રકાશ રુઘાણી અને ભરત રુઘાણીએ આંખની બાબતે ઈમર્જન્સીઝ, ગ્લુકોમા, ડાયાબીટિક અને હાઈપરટેન્સિવ રેટિનોપથી અને કેટેરેક્ટ્સ (મોતિયા) સહિત મુખ્ય વિષયો પર માહિતીપ્રદ લેક્ચર્સ આપ્યા હતા. આંખની સઘન તપાસમાં વિઝન, આઈ પ્રેશર્સ, રેટિનલ હેલ્થ, કોર્નીઆ અને આંખની પાંપણના આરોગ્ય, આંખ સૂકી રહેવાના પ્રશ્નો અને બ્લડ પ્રેશરના મૂલ્યાંકન 12 સ્પેશિયાલિસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા.
ઉપસ્થિત લોકોના પ્રતિભાવ ભારે રચનાત્મક રહ્યા હતા. ઘણા લોકોએ લેક્ચર્સની ક્વોલિટી અને આંખની તપાસમાં પ્રોફેશનાલિઝમને બિરદાવ્યાં હતાં. એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો જીત રુઘાણી અને સંજય રુઘાણીએ ઈવેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ કોમ્યુનિટીનો આભાર માન્યો હતો અને કોમ્યુનિટીમાં આરોગ્ય અને સ્વાસ્થ્યને ઉત્તેજન આપવા LCNLની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. કોમ્યુનિટીના આરોગ્ય અને ચેરિટી પ્રત્યે પ્રતિબદ્ધતાના ભાગરૂપે LCNLએ મૂરફિલ્ડ્સ ચેરિટીને આંખની સંભાળના સંશોધનોને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ય કાર્યમાં સપોર્ટ કરવા 501 પાઉન્ડનું ઉદાર દાન આપ્યું હતું.