લંડનઃ લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) અને યંગ લોહાણા સોસાયટી (YLS)ના સંયુક્ત ઉપક્રમે સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટરના જેવી ગોકળ હોલમાં ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD) ઈવેન્ટનો ઉદઘાટકીય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં 300થી વધુ સન્નારી અને સદ્ગૃહસ્થો ઉપસ્થિત રહ્યાં હતાં. LCNLના સેક્રેટરી અમિત ચંદારાણા દ્વારા ભાવભીના સ્વાગત સાથે ઈવેન્ટનો આરંભ થયો હતો જે પછી પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણીએ કેન્સરને પરાજિત કરવાની તેમની હિંમતપૂર્ણ યાત્રાનું પ્રેરક વર્ણન કર્યું હતું.
ચાર નોંધપાત્ર ચાવીરૂપ વક્તાઓએ તેમના શાણપણથી ઓડિયન્સને બાંધી રાખ્યું હતું. જય રુઘાણીએ તેમના પતિ સંજય રુઘાણી સાથે તેમની પુત્રીને દત્તક લેવાં વિશે વાત કરી હતી તેમજ તબીબી અકસ્માત અને મગજમાં ઈજા સાથે રહેવાનો કંપાવી દેનારો અનુભવ વર્ણવ્યો હતો. તેમણે માનસિક આરોગ્યની જાગૃતિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમનો સંદેશો એ હતો કે,‘ લોકો બહારથી સાજાસમા દેખાતા હોઈ શકે પરંતુ, અંદર શું ચાલી રહ્યું હશે તેનો અંદાજ પણ તમને નહિ આવે. માનસિક આરોગ્ય એટલે બોલાયેલાં અને નહિ બોલાયેલાં શબ્દો છે.’
સુજાતા દીને સ્વસંભાળના મહત્ત્વ અને મહિલા સ્વાસ્થ્યના પડકારો વિશે વાત કરી હતી તેમજ પોતાના અનુભવો વર્ણવી વિચારવા અને શિક્ષિત થવાના મહત્ત્વ વિશે ઓડિયન્સને જણાવ્યું હતું.
રીના રેન્જર OBEએ લચીલાપન અને આત્મચિંતનને ઉત્તેજન આપી ઓડિયન્સને યાદ અપાવી હતી કે નિષ્ફળતા એ વૃદ્ધિ તરફ આગળ વધવાનું પગથિયું માત્ર છે. તેમણે માન્યતાની રોમાંચક લાગણી વ્યક્ત કરવા સાથે ઓડિયન્સને પોતાની કથા જણાવી તેમનામાં શક્તિસંચાર કર્યો હતો.
લૈંગિક માપદંડોને પડકારવાના હિમાયતી ઉમા ક્રેસવેલે ફૂટબોલ વિશ્વના પોતાના અનુભવોને આધારિત મહિલાઓને રુઢિમુક્ત માર્ગ અપનાવવા હાકલ કરી હતી. તેમણે ઓડિયન્સને યાદ અપાવી હતી કે, ‘જો તમે ઝડપી જવા ઈચ્છતા હો તો એકલા આગળ વધો. જો તમે દૂર જવા ઈચ્છતા હો તો અન્યોને સાથે લઈને ચાલો.’
આ પ્રેરક વક્તવ્યો પછી વૈવિધ્યપૂર્ણ અને ગતિશીલ પેનલે પેરન્ટિંગ, લગ્નમાં સમાન ભાગીદારી તેમજ સ્ત્રીઓનાં આરોગ્ય અને કારકિર્દીની પસંદગી સંબંધિત સામાજિક પાબંદીઓ તોડવા સહિત વિવિધ વિષયો પર ઓડિયન્સનો સાથ લીધો હતો. પેનલના યજમાન સોનલ માગેચા અને પેનલિસ્ટોમાં ભાવના રાડીઆ, કૃપા જસાણી, રોબર્ટસન, રોનક પો, જીત રુઘાણી, લવિના મેહતા MBE અને રોશની ઠકરાર હતાં. આ ચર્ચાએ સહુને મૂલ્યવાન વિચારો પૂરા પાડ્યા હતા અને તેમની સમજણ ખરે જ પ્રેરણાદાયી હતી.
મીનાબહેન જસાણી, તુલસી તન્ના, અમિત ચંદારાણા, શિવાંગી કારીઆ, ચાંદની દત્તાણી, જીક રુઘાણી, રોનક પો, રોશની ઠકરાર, સોનલ માગેચા, શ્રીયા રાજાણી, અને જય રુઘાણીના વડપણ હેઠળ LCNL અને YLS ટીમોના સમર્પિત પ્રયાસોથી ઈવેન્ટને ભારે સફળતા સાંપડી હતી. તેમની પ્રતિબદ્ધતાએ તમામ ઉપસ્થિત લોકો માટે દિલચસ્પ અને સશક્ત અનુભવની ચોકસાઈ કરી હતી.
ઈવેન્ટના સમાપને ઉપસ્થિતો માટે ઈન્ડિયન હાઈ ચાય, નેટવર્કિંગની તક અને સંખ્યાબંધ મહિલાકેન્દ્રી સ્ટોલ્સની વ્યવસ્થા માણવાલાયક હતી.