લંડનઃ મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા 9 નવેમ્બરની રાત્રે રિવર થેમ્સ પર ભવ્ય ક્રૂઝ દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. કોમ્યુનિટીના સભ્યો અને મહેમાનોએ સંગીત, ડાન્સ સાથે ઉત્સવના ચાર કલાકના વાતાવરણમાં ડિનર અને ડ્રિન્ક્સનો પણ લહાવો લીધો હતો. વેસ્ટમિન્સ્ટર પિયર પરથી નીકળેલા ક્રૂઝે દિવાળીની રોશનીથી ઝગમગતી લંડનની સ્કાયલાઈન અને લેન્ડમાર્ક્સનું આકર્ષક દર્શન કરાવ્યું હતું. ક્રૂઝ પાર્ટીમાં આશરે 200 મહેમાનો ઉપસ્થિત હતા.
મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા દિવાળીની બોટ પાર્ટીમાં મહારાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસત અને પ્રકાશના પર્વ દિવાળીને પ્રતિબિંબિત કરવા માહોલને બારીકાઈથી ધ્યાનમાં રખાયો હતો. સ્વાદ અને સોડમ માટે પ્રખ્યાત ફૂડ પાર્ટનર ધ કોકમ દ્વારા તૈયાર કરાયેલા થ્રી-કોર્સ ભારતીય ડિનરના શાકાહારી અને બિનશાકાહારી મેનુમાં વિવિધ સ્ટાર્ટર્સ, મુખ્ય ભોજન અને ડેઝર્ટ્સનો સમાવેશ કરાયો હતો. ક્રૂઝ પર પેઈડ બારની સુવિધા હતી જ્યાં મહેમાનોએ મનપસંદ પીણાંનો આનંદ લીધો હતો.
ડીજે નવાઝે બોલીવૂડ, મરાઠી, પોપ અને રોક મ્યુઝિકના સંમિશ્રણ થકી સાંજને રંગીન બનાવી હતી. આખી રાત ડાન્સ ફ્લોર ખાલી ન રહે તેની જહેમત ઉઠાવી હતી. ઈન્ડો-વેસ્ટર્ન વસ્ત્રોમાં સજ્જ લોકો રોશની હેઠળ નૃત્ય કરતા ઝૂમ્યા હતા અને દિવાળીના ઉત્સવને યાદગાર બનાવ્યો હતો. મ્યુઝિક અને ડાન્સની સાથોસાથ 360 ડીગ્રી ફોટો બૂથે યાદગાર પળોને કંડારી લીધી હતી. રોમાંચક ઈનામો સાથેની રેફલ ટિકિટ્સે ઉત્સવના માહોલમાં ઉમેરો કર્યો હતો.
ક્રૂઝ બોટ રાત્રે 10.30 કલાકે વેસ્ટમિન્સ્ટર પિયર પાછી ફરવા સાથે પરંપરા, મનોરંજન અને કોમ્યુનિટી સંવાદિતાની સલૂણી અને રંગીન સાંજનું સમાપન થયું હતું. મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા દિવાળી ઊજવણીની બોટ પાર્ટી મહેમાનો માટે યાદગાર બની રહી હતી.