NCGO UK દ્વારા યાદગાર દિવાળી સ્નેહમિલન ઊજવણી

Tuesday 12th November 2024 14:43 EST
 
 

લંડનઃ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO UK) દ્વારા 10 નવેમ્બરે જોશપૂર્ણ અને યાદગાર દિવાળી સ્નેહમિલન ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે માત્ર પ્રકાશના ઉત્સવ સંદર્ભે જ નહિ પરંતુ, સિદ્ધિઓથી ભરપૂર વર્ષ અને ભવિષ્ય માટે રોમાંચક કલ્પનાઓના સ્મરણોત્સવ સમાન હતું. NCGO UKની એક્ઝિક્યુટિવ કમિટી (EC)ના સભ્યો, પ્રભાવશાળી કોમ્યુનિટી અગ્રણીઓ તેમજ અન્યો સાથેની સમર્પિત ટીમ દ્વારા આ કાર્યક્રમનું બારીકાઈથી આયોજન કરાયું હતું.

પરંપરાગત ગુજરાતી નૃત્યો અને સંગીતને પ્રદર્શિત કરવા સાથે મંત્રમુગ્ધ કરી દેનારા સાંસ્કૃતિક પરફોર્મન્સીસ સાથે સમૃદ્ધ કાર્યક્રમ, વિવિધ સ્વાદિષ્ટ વ્યંજનો ઓફર કરતા બફે ભોજન તેમજ કોમ્યુનિટીના પ્રભાવશાળી વ્યક્તિત્વોના પ્રેરણાદાયી સંબોધનો સાથે ઊજવણીનો માહોલ સર્જાયો હતો.

NCGO Ukના આદરણીય પેટ્રન સીબી પટેલે તેમના સંબોધનમાં પ્રત્યેક કમિટી મેમ્બરના અથાક પ્રયાસોને બિરદાવ્યા હતા, તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનોની નોંધ લીધી હતી અને સંસ્થાની અવિરત સફળતા માટે આશીર્વાદ માગ્યા હતા.

NCGO UKના પ્રેસિડેન્ટ મિ. વિમલજી ઓડેદરાએ હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તેમજ ગત વર્ષ દરમિયાન સખત મહેનત કરવા બદલ સમગ્ર ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે નવી પહેલો અને કાર્યોથી ભરપૂર રહેનારા આગામી વર્ષ માટે તૈયારી રાખવા સહુને અનુરોધ કર્યો હતો. પહેલી મે, 2024ના સફળ ઈવેન્ટના પગલે વિવિધ રાજકીય પક્ષોના લોર્ડ્સ અને સાંસદોમાં NCGO UKના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો અને કોમ્યુનિટીની અંદર સંસ્થાનો પ્રભાવ મજબૂત બન્યો હોવા વિશે જણાવ્યું હતું.

NCGO UKના ચાવીરૂપ સલાહકાર કાન્તિભાઈ નાગડાનું સંબોધન આ સાંજની હાઈલાઈટ બની રહ્યું હતું. તેમણે સામાન્યપણે નજરમાં નહિ આવતી પડદા પાછળની ગણનાપાત્ર સિદ્ધિઓ વિશે પણ ઓડિયન્સને જણાવ્યું હતું. તેમની ચર્ચામાં ઈમિગ્રેશનની છેતરપીંડીની પ્રેકટિસીસનો સામનો કરવાના હેતુસર ઊચ્ચ સત્તાવાળાઓ સાથે સફળ વાટાઘાટો અને સરકારી હસ્તક્ષેપોની બાબતોનો પણ સમાવેશ થયો હતો. પ્રેસિડેન્ટ અને એક્ઝિક્યુટિવ કમિટીના સહકારપૂર્ણ પ્રયાસોના પરિણામે બેઈમાન અમ્પ્લોયર્સ પર નિયંત્રણ અને કેટલાક લાયસન્સીસ રદ થવાનો પ્રભાવ પડ્યો હતો. આવી સિદ્ધિઓની જાહેરાતો થતી નથી ત્યારે કાન્તિભાઈ નાગડાએ કોમ્યુનિટીની અંદર અર્થસભર ફેરફારો લાવવામાં કમિટીની એકતા અને સમર્પણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

NCGO UKના પ્રેસિડેન્ટે સંસ્થાના ભાવિ અંગે મજબૂત વિઝનને દર્શાવવા યુવાનો અને વયોવૃદ્ધોની જરૂરિયાતો પર ધ્યાન આપવા સાથે કોમ્યુનિટી પર વિધેયાત્મક અસર ઉપજાવવાની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરી હતી. આ માટે NCGO UK વયોવૃદ્ધો માટે ખાસ તૈયાર કરાયેલા ડિજિટલ સાક્ષરતા પ્રોગ્રામને લોન્ચ કરવાની યોજના ધરાવે છે. સમ્રાટફોન્સનો અસરકારક ઉપયોગ અને ડિજિટલ સાધનો ચલાવવાનું શીખવતા ઝૂમ કોલ્સ પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સંસ્થા શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતી ભાષાના કોર્સીસ દાખલ કરવાનો હેતુ ધરાવે છે જેનાથી સાંસ્કૃતિક વિરાસત જળવાઈ રહેશે અને યુવા પેઢીનું પણ સશક્તિકરણ થશે. આધુનિક સમાજની વધતી જરૂરિયાતોને પહોંચી વળવાની પ્રતિબદ્ધતામાં નવું પીછું ઉમેરવા યુવા પ્રોફેશનલ્સ માટે જ ઈનોવેટિવ મેચમેકિંગ ઈવેન્ટ્સ પણ વિચારણા હેઠળ છે. NCGO Ukટીમના દ્વારા પ્રદર્શિત ઉત્સાહ, સમર્પણ અને મક્કમતાની ભાવના પ્રશંસાને પાત્ર છે. તેઓ તેમના મહત્ત્વાકાંક્ષી વિઝનને વાસ્તવિક બનાવવાની મહેચ્છા રાખે છે ત્યારે સંસ્થા કોમ્યુનિટી પર નોંધપાત્ર અને કાયમી અસર છોડવા સારી સ્થિતિમાં છે.

NCGO UKના જોઈન્ટ સેક્રેટરી જિતેન્દ્ર પટેલની આગેવાની હેઠળ પ્રાર્થનાઓ અને સમાપન ઉદ્બોધન કરાયું હતું જેમાં તેમણે સંસ્થાની અંદર એકતા અને શક્તિ જળવાઈ રહે તેના પર ભાર મૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter