લંડનઃ ધ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન (NCGO) યુકે દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીને તેમની ૧૫૧મી જન્મજયંતીએ આદરાંજલિ અર્પણ કરવા આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણપ્રધાન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પદ્મશ્રી સાંસદ બોબ બ્લેકમેન, પદ્મશ્રી સાંસદ બેરી ગાર્ડિનેર, સાંસદ વિરેન્દ્ર શર્મા, લોર્ડ જિતેશ ગઢિયા, લોર્ડ રેમી રેન્જર, ભારતીય હાઈ કમિશનના શ્રી રોહિત વઢવાણા, BAPSના રેના અમીન અને ગુજરાતી રેડિયોના જાસ્મીન વિઠલાણી સહિતના મહાનુભાવો પણ સામેલ થયાં હતાં.
NCGOના જાહેર સંપર્ક અધિકારી કૃષ્ણાબહેન પૂજારાએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને યુકેમાં ગુજરાતી સંસ્થાઓ માટે ૧૯૮૫માં સ્થાપિત છત્રસંસ્થા NCGOનો પરિચય આપ્યો હતો. અત્યારે યુકેમાં ૮૫૦,૦૦૦થી વધુ ગુજરાતીઓ વસવાટ કરે છે. કૃષ્ણાબહેને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના કારણે દરેકના માટે જીવનમાં પરિવર્તન આવી ગયું છે. તેમણે તમામ બ્રિટિશ ગુજરાતી કોમ્યુનિટી ઓર્ગેનાઝેશનોને કોઈ પણ પ્રકારની તત્કાળ મદદ માટે NCGOનો સંપર્ક સાધવા વિનંતી કરી હતી. કૃષ્ણાબહેને વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે. યુકેમાં ઉજવણીનો આરંભ ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી કુમાર અને ઈન્ડિયા લીગના ચેરમેન શ્રી સી.બી. પટેલ અને કેમડેનના મેયરના હસ્તે લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ૧૯૬૮માં સ્થાપિત ગાંધીપ્રતિમાને પુષ્પાંજલિ અને પ્રાર્થના સાથે કરાયો હતો. ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને કહીએ..’ સાથે ઉજવણી આરંભાઈ હતી. NCGO સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓએ યુકેના વિવિધ સ્થળોએ ગાંધીજીને આદરાંજલિ અર્પણ કરી હતી.
NCGOના પ્રમુખ વિમલજી ઓડેદરાએ તેમના પ્રવચનમાં ચીફ ગેસ્ટ, ગુજરાતના શિક્ષણપ્રધાન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને હૃદયના ઉમળકાભેર આવકાર્યા હતા. શ્રી ચુડાસમાએ તેમની અગાઉના કાર્યક્રમો રદ કરીને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંમતિ આપી હતી. શ્રી ઓડેદરાએ સમય કાઢીને આ ઉજવણીમાં ઉપસ્થિત રહેવા બદલ મહેમાન વક્તાઓ, મહાનુભાવો અને તમામ લોકોનો આભાર માન્યો હતો. પાર્લામેન્ટના સભ્યો પદ્મશ્રી બોબ બ્લેકમેન, પદ્મશ્રી બેરી ગાર્ડિનેર અને વિરેન્દ્ર શર્માએ બાપુના અહિંસા સંબંધિત ઉપદેશોને મહત્ત્વ આપતા પ્રેરણાદાયક સંદેશા પાઠવ્યા હતા.
રોહિત વઢવાણાએ મૂલ્યો અને ગાંધીજીના ઉપદેશોની સંસગતતા વિશે વાત કરી હતી. રેના અમીને બાપુના મૂલ્યો અને BAPSના સ્વામીજીઓ સાથે સંબંધો વિશે જણાવ્યું હતું. જાસ્મીન વિઠલાણીએ બાપુ વિશે યુવા પેઢીને વધુ શિક્ષિત બનાવવાની જરુરિયાત પર ભાર મૂક્યો હતો અને તેમના પ્રખ્યાત ‘આપણે જે પરિવર્તન ઈચ્છીએ તે ખુદ બનવા’ (Be the Change -we want to see)ના સંદેશ સાથે સમાપન કર્યું હતું. ઉપલેટાથી દેવરાજ ગઢવીએ તેમની યુવાનીમાં ગાંધીબાપુ વિશે જે શીખ્યા હતા તેની વાતમાં સહુને સહભાગી બનાવ્યા હતા.
લોર્ડ જિતેશ ગઢિયાએ ગાંધીજયંતી નિમિત્તે તેમને આમંત્રણ આપવા બદલ NCGO અને તેમના દીર્ઘકાલીન મિત્ર અને મેન્ટર સી.બી. પટેલનો આભાર માન્યો હતો. લોર્ડ ગઢિયાએ બાપુના વારસા વિશે વાત કરી હતી – તેઓ માત્ર આદર્શ પ્રતીક ન હતા પરંતુ, તેમણે પોતાના કાર્યો થકી લાખો લોકો પર પ્રભાવ પાડ્યો હતો અને પ્રેરણા આપી હતી. લોર્ડ ગઢિયાએ ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગાંધીજીના જીવનની ઉજવણી વિશે તેમજ ગાંધીની યુકેની ૧૮૮૮માં અને છેલ્લે તેમણે ૧૯૩૧માં મુલાકાત લીધી તેના વિશે સંશોધનની માહિતી આપી હતી. લોર્ડ ગઢિયાએ ‘વિચારો અને આદર્શ આપણને લક્ષ્યાંકો કેવી રીતે હાંસલ કરવા તે શીખવે છે ’ના અવતરણ સાથે સમાપન કર્યું હતું.
લોર્ડ રેમી રેન્જરે ભારતના નૈતિક પોતના વિકાસમાં અને ૧૯૪૭માં માતા ભારતીની સ્વતંત્રતા સંદર્ભે મહાત્મા ગાંધીના મૂલ્યો વિશે જણાવ્યું હતું.
સેક્રેટરી જનરલ શ્રી પી.જી. પટેલે ચીફ ગેસ્ટનો પરિચય આપતા ગત પાંચ દાયકામાં તેમના ઉદાહરણરુપ કાર્યો અને ગુજરાતના શિક્ષણપ્રધાન તરીકેની ભૂમિકા વિશે જણાવ્યું હતું. મિનિસ્ટર શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ યુકેમાં વર્ચ્યુઅલ હાજરી વિશે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ટેલિફોન મિત્ર વિમલજી ઓડેદરા અને ખાસ મિત્ર સી.બી. પટેલનો વિશેષ આભાર માન્યો હતો. શ્રી ભુપેન્દ્રસિંહજીએ બીજી ઓક્ટોબરની ઉજવણી માટે આમંત્રણ આપવા બદલ તમામનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે બીજી ઓક્ટોબર ભારતના પૂર્વ વડા પ્રધાન અને ‘જય જવાન જય કિસાન’ સૂત્ર માટે પ્રખ્યાત લાલ બહાદુર શાસ્ત્રીજીની ૧૧૬મી જન્મજયંતી છે. શ્રી ચુડાસમાએ ગાંધીજીએ રાષ્ટ્ર માટે કેવી કામગીરી બજાવી, વંચિત અને નીચલા જ્ઞાતિવર્ગના લોકો માટે સમાનતાની તરફેણ, અહિંસા, સત્ય, વ્યક્તિઓ માટે પાયાના મૂલ્યો માટેના કાર્યોની સમજ આપી હતી. તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સ્વચ્છતા આંદોલનની જાહેરાત કરી હતી તેની યાદ અપાવતા કહ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં આપણને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાયું છે.
પોતાના વક્તવ્યના સમાપનમાં મિનિસ્ટર ચુડાસમાએ ઓડિયન્સને જણાવ્યું હતું કે બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરા આટલું સક્રિય છે અને બ્રિટિશ અર્થતંત્રમાં ગુજરાતી કોમ્યુનિટી ચાવીરુપ ભૂમિકા ભજવી રહી છે તે બાબતે તેઓ ગૌરવ અનુભવે છે. તેમણે છેલ્લે ગાંધીજીનો સંદેશ ‘મારું જીવન એ જ મારો સંદેશ’ ટાંક્યો હતો.
NCGOની પેટ્રન કાઉન્સિલના ચેરમેન સી.બી પટેલે કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ સ્વીકારવા બદલ મિનિસ્ટર ચુડાસમાનો આભાર વ્યક્ત કર્યો હતો. સી.બી પટેલે ગાંધીયુગના મહત્ત્વની યાદ અપાવી હતી. તેમણે ૩૦ વર્ષ અગાઉ મિનિસ્ટર ચુડાસમા સાથે તેમની પ્રથમ મુલાકાતને યાદ કરવા સાથે વર્ષ ૨૦૦૦ અને ૨૦૧૫માં પણ તેમની યુકેની પૂર્વ મુલાકાતો વિશે જણાવ્યું હતું.
સી.બી પટેલે માહિતી આપી હતી કે ગુજરાતીઓની જરુરિયાતો પૂર્ણ કરવા NCGOની સ્થાપના કરાઈ છે. ગાંધીજી પર્યાવરણલક્ષી પ્રથમ નેતા હતા અને NCGO મૂળિયા અને શાખાઓ સાથેનું વિશાળ વૃક્ષ છે અને આ સંસ્થાને સપોર્ટ કરવો એ તમામના હિતમાં છે.
ભારતીબહેન પટેલે ગાયેલા ‘તુ પ્યાર કા સાગર હૈ’ ભજન સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું.
ગુજરાતી સંસ્થાઓ-સંગઠનોને યુકેમાં ગુજરાતના વિકાસ (Gujarati Development in UK)નો હિસ્સો બનવા ઈમેઈલ [email protected] દ્વારા NCGO UKનો સંપર્ક સાધવા વિનંતી છે.