નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO યુકે) દ્વારા ૧૩મી માર્ચને શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને માતૃ દિવસને અનુલક્ષીને ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. NCGO યુકે ગુજરાતી સંસ્થાઓની છાત્ર સંસ્થા છે.
NCGO યુકેના ગાર્ગી પટેલ અને વંદનાબેન જોશીએ સંજય ઓડેદરા (સેક્રેટરી જનરલ) અને દીપક પટેલ (ટ્રેઝરર)ની મદદથી આ ઝૂમ ઈવેન્ટનું સફળ સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં ગાયકો, કવિઓ, ડાન્સરો અને યોગ નિષ્ણાતો જોડાયા હતા. તેમાં નીતા ડાર્મેસી (ડાન્સર), હની કાલેરિયા (ડાન્સ પ્રોફેશનલ), ભૂમિકા વાનખેડે (યોગ સાયન્સ), પેટ ડેલ (Soroptimist), નયનાબેન શાહ (કવયિત્રી), મીનાબેન ત્રિવેદી (ગાયિકા) અને માયાબેન દીપક (ગાયિકા)એ તેમની કૃતિઓ રજૂ કરી હતી. લગભગ ૪૦૦ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.
ગાર્ગી પટેલ (MBE) મૂળ ભાદરણ ગામના વતની છે. તેઓ અમદાવાદમાં ભણ્યા હતા.
તેમણે જણાવ્યું કે તેઓ સિવિલ સર્વન્ટ છે અને નેશનલ કોમ્યુનિટી એંગેજમેન્ટ ટીમમાં હોમ ઓફિસ માટે ફરજ બજાવે છે. ઈન્ડિયન કોમ્યુનિટી એંગેજમેન્ટ ઓફિસર તરીકે કાર્યરત ગાર્ગી પટેલે જણાવ્યું કે તેમને તેમની કામગીરી કરવામાં ખૂબ ઉત્સાહ રહે છે અને તેમણે ફેઈથ ચેરિટી ઓર્ગેનાઈઝેશન્સ મારફતે ભારતીય કોમ્યુનિટીના ઘણાં સભ્યોને મદદ કરી છે. તેમણે ઉમેર્યું કે યુવા પેઢી આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખે તે માટે તેમને પ્રોત્સાહન પૂરું પાડવાની તેમની ખૂબ ઈચ્છા છે.
વંદનાબેન જોશી બ્રાહ્મણ સોસાયટી નોર્થ લંડનના ટ્રસ્ટી છે. તેઓ સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ પણ છે. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લાં કેટલાંક વર્ષથી સમાજની સેવા કરે છે. તેમણે ઉમેર્યું કે તેમણે સંસ્થા માટે ૨૦૧૧માં ‘જ્યોતિર્ધર’ મેગેઝિન પ્રકાશિત કર્યું હતું. તેમણે જણાવ્યું કે એલ્ડર્સ ગ્રૂપનો પ્રારંભ કરાવીને તેમને ખૂબ આનંદ થયો હતો. આ કાર્યક્રમ સંસ્થાના ફેસબુક પેજ, યુ ટ્યૂબ અને વેબસાઈટ પર રજૂ થયો હતો.