અમદાવાદ: ખોજા શિયા ઈસ્નાઅશરી મુસ્લિમ કોમ્યુનિટીઝની યુકે સ્થિત ચેરિટેબલ સંસ્થા વર્લ્ડ ફેડરેશનના ખોજા હેરિટેજ પ્રોજેક્ટ (કેએચપી) હેઠળ ખોજા હેરિટેજ ટૂર શરૂ કરવામાં આવી છે. આ ટૂર દ્વારા ખોજા શિયા ઇસ્નાઅશરી સમુદાયના વિદેશમાં વસતા લોકોને ભારતમાં તેમના ઐતિહાસિક વારસા સાથે જોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. જે સમાજના પૂર્વજો રોજગાર ધંધા માટે 19મી સદીમાં વિદેશ ગમન કરીને આફ્રિકા અને યુરોપમાં સ્થાયી થયા, તેમના જ વંશજોને આ ટૂર દ્વારા તેમના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ટુરમાં તેમને મુંબઈ, નાગલપુર, ભુજ, કેરા, માંડવી, જામનગર, ભાવનગર અને અમદાવાદ જેવા શહેરોમાં ખોજાના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવે છે.
તાજેતરમાં આ ટૂર હેઠળ ટીમના સભ્યો અમદાવાદ આવ્યા હતા. આ પ્રવાસમાં યુએસ, કેનેડા, યુકે, ફ્રાન્સ, સ્વીડન, કેનિયા અને રિયુનિયન ટાપુઓના 25થી 83 વર્ષની ઉમરના 31 સભ્યો જોડાયા હતા. ખોજા સમાજના ઈતિહાસનું અન્વેષણ કરવા અને તેમના પૂર્વજો દ્વારા કૌટુંબિક સંબંધોને ઉજાગર કરવા માટે યોજાયેલા આ પ્રવાસમાં અમદાવાદના ડો. અલીરઝા ખુંટ પણ તેમની સાથે જોડાયા હતા.