૧૨ સપ્ટેમ્બરે પરમ શક્તિ પીઠ, યુકે (PSP) અને હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા જૈન હિંદુ ઓર્ગન ડોનેશન(JHOD) સ્ટીયરીંગ ગ્રૂપની સહાયથી અંગ દાનના વિષય પર ઓનલાઈન વેબીનાર યોજાઈ ગયો.
તેનો હેતુ અંગ દાન વિશેની માહિતી તેમજ કાયદા વિશે ચર્ચા, કોમ્યુનિટીમાં અંગદાન પર કોવિડ-૧૯ની અસર, અંગદાન માટેના પ્રચાર-પ્રસારની અસરનું વિશ્લેષણ, દાતાઓના અનુભવો, અંગદાન સાથે સંકળાયેલી માન્યતાઓ અને હકીકતો, હિંદુ કોમ્યુનિટી અંગદાન વિશે કેવી રીતે વ્યાપક જાગૃતિ લાવી શકે અને અંતે અંગ ઉપલબ્ધિની ગતિમાં પરિવર્તન લાવી શકે તે વિશે ચર્ચા કરવાનો હતો.
લોર્ડ જિતેશ ગઢિયાએ પાઠવેલા પત્રમાં આ પહેલ બદલ આયોજકોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે દાન એ સૌથી શ્રેષ્ઠ ભેટ છે, તે નિઃસ્વાર્થ સેવાનું કૃત્ય છે અને હિંદુ ધર્મની પરંપરાનો અખંડ ભાગ છે.
અતિથિ વક્તાઓ (JHOD) સ્ટીયરીંગ ગ્રૂપના ચેર શ્રી કિરીટ મોદી અને ચીપીંગ બાર્નેટના સાંસદ થેરેસા વિલિયર્સે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન વિશેનો BAME ડેટા સુધારવાની તાકીદે જરૂર હોવાની બાબતે સંમતિ દર્શાવી હતી.
વેબીનારના ભાગરૂપે જય અને સીના પટેલે તેમના સાડા ત્રણ વર્ષના પુત્ર આરીના અંગદાન વિશેની સ્મૃતિઓ રજૂ કરી હતી.
HFBના પ્રેસિડેન્ટ તૃપ્તિબેન પટેલે જણાવ્યું કે કોમ્યુનિટીઝમાં અંગદાન વિશે જાગૃતિ કેળવવામાં HFB ૨૦૦૮થી સંકળાયેલી છે. તેમણે નવરાત્રિ, દુર્ગા પૂજા અને દિવાળી દરમિયાન અંગદાન અભિયાનને પ્રોત્સાહન આપવા મંદિરો, કોમ્યુનિટીઝ અને વ્યક્તિગત ધોરણે લોકોને અનુરોધ કર્યો હતો.
ડો. હર્ષા જાની દ્વારા આયોજિત આ વેબીનારને HFB સ્પેનિશ ચેપ્ટરના વાઈસ પ્રેસિડેન્ટ પુનિત દ્વિવેદીએ ટેક્નીકલ સપોર્ટ આપ્યો હતો. અંતમાં, પ્રાર્થનાનું સંચાલન નોર્થ HFBના વાઈસ પ્રેસિડેન્ટ ડો. હર્ષા શુક્લ, MBEએ કર્યું હતું.