ગાંધીનગર: પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં શનિવારે ખાસ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે SGVP ગુરુકુળ એટલે રાષ્ટ્રભક્તિ, આધ્યાત્મિક્તા અને આધુનિક શિક્ષાનો સમન્વય. સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) દ્વારા છારોડી કેમ્પસ ખાતે આયોજિત મહોત્સવને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, 2024ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને વડાપ્રધાન તરીકે નરન્દ્ર મોદી ફરીથી બિરાજમાન થશે. આ પછી 2027માં સમગ્ર વિશ્વમાં ભારત સૌથી મોટું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, ગુરુકુળથી બહાર નીકળેલું બાળક રાષ્ટ્રભક્ત બનીને બહાર નીકળે છે. SGVP ગુરુકુળ અસંખ્ય રાષ્ટ્રભક્ત અને વિદ્વાન નાગરિકો ફક્ત ગુજરાત નહી સમગ્ર દેશને આપ્યા છે. SGVP ગુરુકુળ સદાચાર, નીતિમત્તા, પ્રામાણિકતા, વેદોનું જ્ઞાન, વ્યસનમુક્તિ, ગૌસેવા, વિજ્ઞાન, સંસ્કૃત, સંગીત, ખેલ સહિત સંપૂર્ણ શિક્ષાના સમન્વય સાથે જમીનથી જોડાયેલા રહેવાના સંસ્કાર સંચિત કરી અનેકોના જીવનમાં દીપ પ્રજ્વલિત કર્યા છે. આ સંસ્થા નિરપેક્ષતા સાથે સમાજસેવાના અવિરત સેવાયજ્ઞથી દેશને ઉત્તમ નાગરિક આપી રહી છે. સ્વામિનારાયણ સંસ્થાએ આદિવાસી ક્ષેત્રોની અંદર ધર્માંતરણ રોકવા મુકસેવકની જેમ કાર્ય કર્યું છે.