ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સોમવારે SGVP સ્વામિનારાયણ ગુરુકુલમાં દર્શનાર્થે પધારતા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પૂર્ણ કળશ અર્પણ કરી વેદના મંત્રોના ગાન સાથે સ્વાગત કર્યું હતું. સ્વાગત પછી ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા બાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ મુખ્યમંત્રીને ગુલાબનો હાર પહેરાવી કમલનું ફુલ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી. સત્સંગ પ્રચારાર્થે વિદેશમાં વિચરણ કરી રહેલા એસજીવીપીના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીની આગેવાનીમાં આયોજિત આમ્રકુટોત્સવ પ્રસંગે ઠાકોરજીને ધરાવાયેલી કેરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગુરુકુલ પરિસરની આજુબાજુમાં રહેતા ગરીબોને વહેંચવામાં આવી હતી.