SGVP હોસ્પિટલમાં અત્યાધુનિક MRI મશીનનું લોકાર્પણ

Wednesday 31st May 2023 10:56 EDT
 
 

અમદાવાદઃ એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વય સાથે કાર્યરત શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે શનિવારે અત્યાધુનિક 1.5 ટેસ્લા મોડેલની MRI લેબનું ઉદ્‌ઘાટન કરાયું હતું. આ પ્રકારનું સિગ્મા પ્રાઈમ MRI ગુજરાતનું પ્રથમ મશીન છે, જેના દ્વારા દર્દીઓની સારવારમાં અત્યંત સરળતા અને સચોટતા રહેશે.
પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પ.પૂ. સદ્‌ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામીના સાંનિધ્યમાં યોજાયેલા આ ઉદ્‌ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યલયના ચીફ પ્રિન્સીપાલ સેક્રેટરી કે. કૈલાશનાથન્, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, હોલિસ્ટીક હોસ્પિટલના મુખ્ય દાતાઓ હર્ષદભાઈ પટેલ તથા ઘનશ્યામભાઈ પટેલ (સ્વામી પરિવાર- બોત્સ્વાના), નાઈરોબીના જાણીતા ઉદ્યોગપતિ અને ભૂજમાં કે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માતા કે. વરસાણી તથા નાઈરોબીના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ આર. ડી. વરસાણી (એપ્કો બિલ્ડર્સ)ના પુત્ર મયુર વરસાણી, ગુરુકુલના ટ્રસ્ટી નવિનભાઇ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમના પ્રારંભે ડો. સાગર બેટાઈએ MRI મશીનનો પરિચય આપતા જણાવ્યું હતું કે, ‘અહીં તૈયાર થયેલ MRI લેબમાં મુકાયેલું સિગ્મા પ્રાઈમ મશીન ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક મશીન છે. જેના દ્વારા હૃદય, કરોડરજ્જુ, સ્નાયુ, શરીરના વિવિધ સાંધા વગેરેમાં ઉદ્‌ભવતા રોગોનું સચોટ નિદાન મેળવી શકાય છે. ખાસ કરીને આ મશીન દ્વારા ન્યુરોસર્જરી ખૂબ સરળ રહેશે.’
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને સંસ્થાના સેવાકાર્યને બિરદાવ્યું હતું અને હોલિસ્ટિક હોસ્પિટલની સેવા બદલ અભિનંદન આપ્યા હતા.
ગુરુકુલના વહીવટી વડા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ‘આ MRI મશીનને લીધે અમને હજારો દર્દી નારાયણની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે.’
કે. કૈલાસનાથને જણાવ્યું હતું કે ‘આ સંસ્થાના પરિચયમાં છેલ્લા 20 વર્ષથી છું. સંસ્થા દ્વારા થઈ રહેલા સેવાકાર્યો અનેક લોકોને પ્રેરણા આપે એવા છે. SGVP અનોખું કેમ્પસ છે, અહીં હેલ્થ, એજ્યુકેશન અને અધ્યાત્મ સાથે વણાયેલા છે. અનેક ક્ષેત્રે સેવા કરી રહેલી સંસ્થાના કાર્યને હું ખૂબ અભિનંદન પાઠવું છું.’
પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ પોતાના હૃદયની વાત કરતા જણાવ્યું હતું કે, ‘SGVP હોલિસ્ટિક હોસ્પિટલને જે યશ મળી રહ્યો છે, એ યશના ભાગીદાર હોલિસ્ટિક હોસ્પિટલમાં નિષ્ઠાથી સેવા બજાવનાર ડોક્ટરો, વૈદ્યો, યોગ વિભાગ અને નાનામાં નાના કાર્યકર્તાઓ છે. આ જ કાર્યકર્તાઓએ કોરોના કાળમાં જાતને જોખમમાં મૂકીને આશરે ચાર હજાર માનવ જીવનને બચાવી લીધા હતા. અમને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની શિક્ષા છે કે, દર્દીને દર્દીનારાયણ માનવા, દરિદ્રને દરિદ્રનારાયણ માનવા. સર્વમાં રહેલા ભગવાન આપણી સેવાનો સ્વીકાર કરે એ આપણા સદ્‌ભાગ્ય છે.’
હોલિસ્ટિક શબ્દને સમજાવતાં સ્વામીજીએ જણાવ્યું હતું કે, ‘આપણું શરીર માત્ર પંચભૂતનું બનેલું પિંજરું નથી, એ શરીરમાં પ્રાણ, મન, બુદ્ધિ અને ચેતના છે, જેને આપણા વેદો પંચકોષ કહે છે. આપણી ચિકિત્સા પદ્ધતિ આ પાંચેયને પ્રફુલ્લિત કરનારી હોવી જોઈએ.’
‘અહીંના આ પરિસરના વૃક્ષોની હરિયાળી, જાતજાતના પંખીઓ, નાના નાના કુંડોમાં ખીલેલા કમળો, બગીચાના પુષ્પો, યજ્ઞશાળામાંથી ઉઠતી ધૂમ્રસેરો અને વેદમંત્રોના ઘોષ, ગીર વંશની દેશી ગાયોનું પૂજન અને સાત્ત્વિક આહાર આ હોસ્પિટલને ખરા અર્થમાં હોલિસ્ટિક બનાવે છે.’
આ પ્રસંગે રત્નમણિ ગ્રૂપ તરફથી હોલિસ્ટિક હોસ્પિટલને મેડિકલ સાધનોથી સજ્જ મેડીકલવાન (એમ્બ્યુલન્સ) અર્પણ કરાઇ હતી. રત્નમણિ ગ્રૂપના પ્રતિનિધિ તરીકે જગતભાઈ કિનખાબવાલા ઉપસ્થિત રહ્યા હતા. જગતભાઈનો પંખીઓ પ્રત્યે અને એમાં પણ ચકલાઓ પ્રત્યેનો પ્રેમ અસાધારણ છે, એને લીધે તેઓ ‘સ્પેરોમેન’ તરીકે પ્રસિદ્ધ છે. અત્યાર સુધીમાં એમણે હજારો ચકલાઓને બચાવ્યા છે, પાળ્યા છે, પોષ્યા છે.
આ પ્રસંગે રત્નમણિ ગ્રૂપના જગતભાઈ તેમજ હોલિસ્ટિક હોસ્પિટલના મુખ્ય દાતાશ્રીઓ તેમજ એમના પરિવારના બહેનોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હોલિસ્ટિક હોસ્પિટલના યોગ, આયુર્વેદ, એલોપથી આ ત્રણેય વિભાગોમાં સેવા આપનારા ડોક્ટર્સ, વૈદ્યો તથા અમદાવાદના નામાંકિત ડોક્ટરો તેમજ ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રી ભક્તવત્સલદાસજીના માર્ગદર્શન નીચે સંતો અને સ્વયંસેવકોની ઉત્સાહભરી અપૂર્વ સેવાથી આ કાર્યક્રમ પ્રેરક અને સફળ રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter