શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી યુકે (SKLPC UK) દ્વારા ૧૧ ઓક્ટોબરને રવિવારે સવારે ઓનલાઈન વાર્ષિક મેળાનું આયોજન કરાયું હતું. બ્રિટિશ અને ભારતીય રાષ્ટ્રગીત સાથે થયેલા પ્રારંભ પછી સેટર ડે સ્કૂલના બાળકોએ પ્રાર્થના તથા કેરા - કુન્દનપર ગામના બાળકોએ ભગવાન સ્વામીનારાયણની આરતીનું ગાન કર્યું હતું. તે પછી શ્રી સ્વામીનારાયણ મંદિર, ભૂજના પૂ. ધર્મનંદન દાસજીએ આશીર્વચન પાઠવ્યા હતા.
SKLPC યુકેના પ્રમુખ વેલજીભાઈ પરબતભાઈ વેકરિયાએ જણાવ્યું કે કોવિડ-૧૯ના કપરા કાળમાં સમાજ તરફથી NHSને બે વેન્ટિલેટર મશીન અપાયા હતા. સમાજ દ્વારા ટીફીન સેવા સહિત અન્ય સેવાઓ કરાઈ હતી. આ સંજોગોમાં જ્ઞાતિજનોને ભારતથી યુકે અને યુકેથી ભારત પહોંચવામાં મદદ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. અંતમાં, તેમણે સંસ્થાઓ અને મંદિરોનો હંમેશા સાથ-સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી અને સમાજના દાતાઓનો આભાર માન્યો હતો. પછી બોર્ડ ઓફ ટ્રસ્ટીના પ્રમુખ મહેશભાઈ વાલજીભાઈ પિડોરીઆએ સમાજનો અહેવાલ આપ્યો હતો.
સમાજના સંકુલમાં ઈન્ડિયા ગાર્ડન પ્રોજેક્ટ માટે કાઉન્સિલ તરફથી પ્લાનિંગ પરમિશન મળી છે. પ્રોજેક્ટના કન્વીનર માવજીભાઈ ધનજીભાઈ વેકરિયા તથા આસિસ્ટન્ટ કન્વીનર વિનોદભાઈ હરજીભાઈ હાલાઈએ આ પ્રોજેક્ટ વિશે તેમના વિચારો વિસ્તારપૂર્વક રજૂ કર્યા હતા. તેમણે ભાવિ પેઢીમાં ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કાર જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ત્યારબાદ ભૂજ, અમદાવાદ, મોમ્બાસા, નાઈરોબી, કોસુમુ, એલ્ડોરેટ, કમ્પાલા, અરુસા, ઓસ્ટ્રેલિયા વેસ્ટ, પર્થ, ન્યૂઝીલેન્ડ અને શીસલ ખાતેના SKLPC સમાજ દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિઓનો વીડિયો દર્શાવાયો હતો. તે સાથે યુકેમાં પણ કાર્ડીફ અને બોલ્ટનમાં SKLPC દ્વારા ચાલતી પ્રવૃત્તિઓની ઝલક રજૂ કરાઈ હતી.
વધુમાં, લંડન, વિલ્સડન, કેન્ટન, સ્ટેનમોર, કિંગ્સબરી, વુલવીચ, ઈસ્ટ લંડન, કાર્ડીફ, ઓલ્ડમ અને બોલ્ટનના શ્રી સ્વામીનારાયણ મંદિરોના ઉત્સવો અને કાર્યક્રમોના અંશો રજૂ કરાયા હતા. SKLPCના વાર્ષિક મેળામાં આ મંદિરોનું ખૂબ યોગદાન રહેતું હોય છે.
ત્યારબાદ, ડો. હેમા વોરા, ડો. દક્ષા હિરાણી તેમજ મનોજભાઈ કેરાઈએ મેન્ટલ હેલ્થ વિશે માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું. SKLPCહેઠળ ચાલતી ક્રિકેટ ક્લબની પ્રવૃત્તિઓ તથા સેટર ડે સ્કૂલના કાર્યક્રમોની ઝલક પણ ઓનલાઈન મેળામાં રજૂ થઈ હતી. સાથે સાથે નવરાત્રિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. અંતમાં, સમાજના ગાયક કલાકારોએ લાઈવ સંગીત કાર્યક્રમ રજૂ કર્યો હતો.
SKLPC UK emela and communication teamની મહેનત અને પ્રયાસોથી આયોજીત આ ઈ- મેળાને કુલ ૧૨,૫૯૧ જ્ઞાતિજનોએ માણ્યો હતો.