લેસ્ટરઃ શ્રી પ્રજાપતિ એસોસિએશન યુકે (SPA-UK) દ્વારા 29 મે - રવિવારના રોજ લેસ્ટર ખાતે 42મા મહિલા સંમેલન (લેડીઝ કોન્ફરન્સ)નું આયોજન કરાયું હતું. કોન્ફરન્સમાં ‘વિમેન્સ હેલ્થ’ વિષય પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. SPA લેસ્ટર કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાએલા ભરચક સંમેલનમાં યુકેના 14 શહેર અને નગરોમાંથી 600થી વધુ મહિલાએ ભાગ લીધો હતો.
કોવિડ-19 મહામારીના કારણે લદાયેલા લોકડાઉન્સ પછી SPA-UK દ્વારા આયોજિત આ પ્રથમ રુબરુ ઈન્ડોર ઈવેન્ટ હતો, જેમાં ઉપસ્થિતોની સંખ્યા મર્યાદિત રાખવા સહિતની સાવચેતી રાખવામાં આવી હતી. અગાઉના સંમેલનોમાં 1000થી વધુ ઉપસ્થિતોને સમાવાયા હતા. આ કાર્યક્રમનું આયોજન SPA-UKની મહિલા ટીમ તેમજ યજમાનપદ SPA લેસ્ટર શાખા અને સ્વયંસેવકોએ સંભાળ્યું હતું જેમણે તમામ વ્યવસ્થા કરી હતી.
આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવાની ભાવનાને મહત્ત્વ અપાયું હતું તેમજ તમામ ખાદ્યપદાર્થો અને ડ્રિન્ક્સ સ્ટીલની પ્લેટો, કપ અને કટલરીમાં પીરસાયાં હતાં. પ્રસાદનું વિતરણ પ્લાસ્ટિકને બદલે કાગળની થેલીઓમાં કરાયું હતું.
સંસ્થાની ઉપસ્થિત 14 શાખામાંથી દરેકના પ્રતિનિધિ દ્વારા કરાયેલી આરતી સાથે સવારના સત્રનો શુભારંભ કરાયો હતો. મહિલા કન્વીનર નયનાબેન મિસ્ત્રી (લેસ્ટર) અને તેમની ટીમ દ્વારા સ્વાગત પ્રવચનો પછી પાંચ બાળકો ક્રિશ પ્રજાપતિ (9), મીરા પ્રજાપતિ (7), જેની પ્રજાપતિ (7), જ્ઞાન પ્રજાપતિ (7) અને આરવ પ્રજાપતિ (4)એ સુંદર પ્રાર્થનાની રજૂઆત કરપી હતી.
મહિલા કલ્યાણ સાથે બાળકોની સારસંભાળમાં રસ ધરાવતાં રજિસ્ટર્ડ નર્સ કેટી શેરાટ દ્વારા ઉપસ્થિત મહિલાઓને સ્ત્રીઓની તરુણાવસ્થાથી મેનોપોઝ સુધીના વિકાસક્રમના ગાળામાં સહાય, સલામત જગ્યા તેમજ શિક્ષણ વિશે માહિતગાર અને શિક્ષિત કરવા સુંદર પ્રેઝન્ટેશન અપાયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ ચર્ચાને પ્રોત્સાહન આપવાનો, સત્યો અને કલ્પિત દંતકથાઓ વિશે માહિતગાર કરવાનો તેમજ માસિક સ્રાવની સુખાકારી અને મેનોપોઝ સંબંધિત ખોટી માન્યતાઓ દૂર કરવાનો હતો.
એન્ડોમેટ્રિઓસિસ યુકે ચેરિટીના વોલન્ટીઅર રાધા મિસ્ત્રીએ આવા જ ઉદ્દેશ સાથે એન્ડોમેટ્રિઓસિસ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને લેસ્ટર અને અન્ય શહેરોમાં મહિલાઓ માટે યોજાતી દ્વિમાસિક બેઠકો અંગે વધુ માહિતી આપી હતી. યુવા અને જૂની બંને પેઢી પ્રેઝન્ટેશનોને બરાબર સમજી શકે તે માટે બીનાબેન મિસ્ત્રી દ્વારા તેમનો ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો.
મહિલા સમિતિની ચૂંટણી પછી 600થી વધુ ઉપસ્થિતો માટે બપોરના ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. સમિતિમાં નવનિર્વાચિત સભ્યો લંડનનાં પ્રિયંકા ડી. મિસ્ત્રી, રમા એસ. મિસ્ત્રી અને શીતલ ડી. મિસ્ત્રીને શુભેચ્છા અપાઇ હતી.
બપોર પછીના સત્રમાં અશોક પંચાલની હૃદયસ્પર્શી ‘મહેફિલ’માં તેમણે બોલિવૂડના ઘણા પુરાણા પસંદીદા સુવર્ણગીતોની રજૂઆત કરી હતી. ઉપસ્થિત લોકોએ ઘર પ્રતિ પ્રયાણ કરતાં પહેલાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું SPA-UKના પ્રમુખ કમલેશ સી. મિસ્ત્રીએ આ કાર્યક્રમ વિશે જણાવ્યું હતું કે, ‘આ એક અદ્ભુત, માહિતીપ્રદ, ઇકો-ફ્રેન્ડલી દિવસ હતો જેનું સંચાલન અઢળક સ્મિત અને રમૂજ સાથે કરવામાં આવ્યું હતું.’