લંડનઃ સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS UK) દ્વારા ભારતીય હાઈ કમિશનના સહયોગમાં રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઊજવણી 6 નવેમ્બર 2024, બુધવારના દિવસે લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે યોજવામાં આવી હતી. સંઘટિત ભારતના સ્થાપક પિતા તરીકે સરદાર પટેલના વારસાને સન્માન આપવા બહોળી સંખ્યામાં મહાનુભાવો અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
શેડો ફોરેન સેક્રેટરી ડેમ પ્રીતિ પટેલ DBE MPએ ચાવીરૂપ સંબોધન કર્યું હતું જેમાં સરદાર પટેલના એકતા, પ્રામાણિકતા અને સ્થિતિસ્થાપકતાના આદર્શોને સ્પષ્ટ કરવા સાથે વર્તમાન વિશ્વમાં સરદાર પટેલના વિઝનની પ્રસ્તુતતાને હાઈલાઈટ કરી હતી અને સરદારે જેની હિમાયત કરી હતી તેવી એકતાની ભાવનાને જાળવવા અને સંવાદિતાને આત્મસાત કરવા સહુને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘ભારત વિશ્વમાં સૌથી ઝડપે વિકસતી લોકશાહીઓ અને સૌથી વિશાળ અર્થતંત્રોમાં સૌથી વધુ વિશ્વસનીય લોકશાહી દેશ તરીકે વિકસ્યો છે અને તેણે પોતાને અતુલનીય સુપરપાવર તરીકે સ્થાપિત કર્યો છે. હું લોહપુરુષ અને અન્યોને આદરાંજલિ અર્પવા ઈચ્છું છું કારણકે આ વિઝન થકી જ આધુનિક ભારત આજે આપણે નિહાળીએ છીએ તે નેતૃત્વ થકી આગળ વધ્યો છે. આનો પાયારૂપ અર્થ એ થાય છે કે યુનાઈટેડ નેશન્સ હોય, અહીંના મલ્ટિનેશનલ ફોરમ્સ હોય કે અન્ય ડિપ્લોમેટિક મિશન્સ હોય, ભારત અડીખમ ઉભું રહે છે. હું એમ પણ કહી શકું છું કે બ્રિટિશ સરકારમાં સેવા આપવી તે નહિ પરંતુ, પબ્લિક સર્વન્ટ બનવું તે મારું સૌથી મહાન પ્રિવિલેજ છે. હું ખરેખર માનું છું કે આપણા સ્થાપક પૂર્વજોના નકશેકદમ પર ચાલવું તે અલગ અલગ પેઢીઓના DNAમાં જ હતું. આપણે વિશ્વમાં ગમે તે સ્થળે હોઈએ, જાહેર સેવામાં માનવું, તેનો અમલ કરવો અને આપણા દેશની સેવા કરવી તેમજ ભારતીયો તરીકે તેવા મૂલ્યોનું પણ રક્ષણ કરીએ. વિશ્વમાં ક્યાંય પણ હોઈએ, જાહેર સેવા અને કોમ્યુનિટી અને દેશસેવાની નીતિમત્તા આપણી કોમ્યુનિટીની સંસ્કૃતિ છે....’
તેમમે ઉમેર્યું હતું કે,‘મજબૂતપણે રહેવું, ડાયસ્પોરા ફ્લેગને પ્રસરાવવાનું ચાલુ રાખવું તે મારી અંગત ફરજ અને જવાબદારી છે તેની સાથે જ અહીં યુનાઈટેડ કિંગ્ડમમાં આપણી કોમ્યુનિટીઓ એકસંપ રહે તેની ચોકસાઈ અર્થે અવાજ ઉઠાવવા અને નેતાઓને અનુસરવાનું છે. આ પ્રચંડ અને મહાન કદમોને અનુસરી ભારતમાં જે રીતે એકતા અને શાંતિ હાંસલ કરાયા છે તેને આપણે ચાલુ રાખીએ....’
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેના ચેરમેન લોર્ડ રેમી રેન્જર FRSAએ મહેમાનોને સંબોધતા એકતા અને સરદાર પટેલના જીવન અને વિરાસતના કાયમી પ્રભાવના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સંગઠિત ભારતને ઘડવામાં સરદાર પટેલની ભૂમિકાની યાદ અપાવતા દરેકને એકતા અને સંવાદિતાના સંદેશને આગળ લઈ જવા અનુરોધ કર્યો હતો.
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ભારતના ઈતિહાસમાં સરદાર પટેલના મહત્ત્વને ઉજાગર કરવા સાથે સમગ્ર વર્ષ દરમિયાન સરદાર પટેલની 150મી જન્મજયંતીને ઉજવવા હાઈ કમિશનને પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સ્મરણોત્સવમાં આ ઈવેન્ટની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવા તેમજ ભારત અને વિશ્વને સરદાર પટેલના મહાન યોગદાન માટે વૈશ્વિક આદરને દર્શાવતા ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહના સંદેશાઓ પ્રાપ્ત થયા છે.
હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીના હસ્તે ડેમ પ્રીતિ પટેલ DBE Mpને યુનિટી એવોર્ડ એનાયત કરાવા સાથે આ ઊજવણીનું સમાપન થયું હતું. ડેમ પ્રીતિ પટેલની એકતા અને સરદાર પટેલના મૂલ્યોને સમર્થન કરવાની પ્રતિબદ્ધતા બદલ તેમને વિશેષ સન્માનિત કરાયાં હતાં.
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેના સેક્રેટરી જનરલ કૃષ્ણા પૂજારાએ ઉપસ્થિત લોકો, મહાનુભાવો અને પાર્ટનર્સ દ્વારા દર્શાવાયેલા અભૂતપૂર્વ સપોર્ટ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘ યુકેમાં સરદાર પટેલની વિરાસતનું સ્મરણ કરવામાં અને તેમના આદર્શો પ્રત્યે આવા ઉત્સાહના સાક્ષી બનવામાં અમે સન્માનિત થયા છીએ. આ ઊજવણી એકતા અને પ્રગતિ માટે તેમના વિઝનની કાયમી અસરનો પુરાવો છે.’
આગામી મહિનાઓમાં સરદાર પટેલની 150મી જન્મજયંતી ઊજવણીઓ ચાલુ રાખવાની યોજનાઓ અને સરદાર પટેલના આદર્શોને સન્માનવા પ્રતિબદ્ધતાના પુનરુચ્ચાર સાથે ઈવેન્ટનું સમાપન કરાયું હતું.