ભારતની આઝાદીના ૭૫મા વર્ષમાં આપણી બહુસ્તરીય સ્વાતંત્રની ચળવળમાં સુભાષચંદ્ર બોઝ સૌથી મહત્ત્વના નેતા રહ્યા છે. ભારતને આઝાદ કરાવવા માટે અહિંસા અને સત્યાગ્રહને બદલે લડાઈના માર્ગની તરફેણ કરનારા બોઝ ૧૧ વખત જેલની સજા ભોગવ્યા પછી યુદ્ધમેદાનમાં હુકુમત – એ – બ્રિટાનીયા સામે સંઘર્ષ કરનારા પ્રથમ ભારતીય નેતા બન્યા હતા. તેમણે એક ધ્વજ, એક લશ્કર, એક નેતા, એક કીચન અને એક સૂત્ર ‘દિલ્હી ચલો’ હેઠળ ભારતને સંગઠિત કર્યું તે ખરેખર આશ્ચર્યજનક છે. બોઝે લીધેલાં પગલાંથી ભારતમાં હુકુમત – એ – બ્રિટાનીયાના ક્રૂર શાસનને હંમેશને માટે ઉથલાવી નાખ્યું, તેટલું જ નહીં બ્રિટિશ શાસનનો પણ અંત લાવી દીધો.
નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતીએ આપણે માતૃભૂમિને મુક્ત કરાવવા માટે તેમની અપ્રતિમ હિંમત, બૌદ્ધિક કુશળતા અને આધ્યાત્મિક અભિગમને યાદ કરીએ છીએ. એક રાષ્ટ્ર તરીકે આપણે બિનસાંપ્રદાયિકતા, જેન્ડર ઈક્વાલિટી અને ઈકોનોમિક ઈક્વિટી ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનને બીરદાવવું જોઈએ.
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS) યુકે દ્વારા નેતાજી માટે ૨૨ જાન્યુઆરીએ કાર્યક્રમ યોજાઈ ગયો. ૨૩ જાન્યુઆરીએ નેતાજી બોઝની ૧૨૫મી જન્મજયંતી હતી. આ કાર્યક્રમમાં નેતાજીના પુત્રી પ્રો. અનિતા બોઝ ફાફ, તેમના ભત્રીજા સૂર્ય બોઝ અને ગ્રાન્ડ નીસ કુ. રેણુકા માલાકર ઉપસ્થિત રહ્યા હતા. અનિતાજીએ વાસ્તવિક ઈતિહાસ રજૂ કર્યો હતો અને નેતાજી વિશેની ઘણી ઘટનાઓ શેર કરી હતી. તેમણે તાઈવાનમાં વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું હોવાને સમર્થન આપ્યું હતું. તેમની અડગ પ્રતિબદ્ધતા અને ભારતની આઝાદીના તેમના એકમાત્ર લક્ષ્ય માટે નેતાજીને આદર આપીએ. આપણે નેતાજીને યાદ કરીએ ત્યારે મોટું બલિદાન આપનારા અને નેતાજી સાથે સંગઠિત રહેલા તેમના પરિવારને ભૂલવો જોઈએ નહીં.
સાચા દેશભક્તના જીવન પર વિસ્તૃત સંશોધન કરીને નેતાજી વિશે ‘ધ મેન ઈન્ડિયા મીસ્ડ’ પુસ્તક લખનારા ડો. ભુવન લાલે નેતાજી વિશે પ્રવચન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં SPMSયુકેના ચેરમેન લોર્ડ રેમી રેન્જર, SPMSયુકેના પેટ્રન અને ટ્રસ્ટી સી બી પટેલ, જીતુભાઈ પટેલ, સુમંતરાય દેસાઈ, દીપક પટેલ, જી પી દેસાઈ (EC Member) સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની રજૂઆત અને ઓળખવિધિ ક્રિશ્ના પૂજારાએ કરી હતી. આ પ્રસંગે શીર્ષેન્દુ મુખરજીએ નેતાજીને સમર્પિત બંગાળી ગીત ગાયું હતું.
આ કાર્યક્રમ આપણને ગર્વની અનુભૂતિ કરાવે છે. યુકેમાં વસતા ભારતીયોએ નેતાજી કૃતનિશ્ચયી હતા તે રીતે સંગઠિત થવાની જરૂર છે. વિદેશીઓ ફરી આક્રમણ કરે નહીં અને ભારતને ફરીથી ગુલામ રાષ્ટ્ર બનાવે નહી. અંતમાં, આપણે આપણી ભાવિ પેઢીઓ અને તેમની સુરક્ષા માટે કાર્યવાહી સાથે નેતાજીની વીરાસતને આગળ ધપાવવાની જરૂર છે.