આ ઓટમમાં ૫૦૦ લોકોનું જીવન બચાવવાના હેતુ સાથે શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર યુકે (SRLC UK) દ્વારા તાજેતરમાં સમગ્ર યુકેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. એક વ્યક્તિએ કરેલા રક્તદાનથી ત્રણ વ્યક્તિનું જીવન બચાવી શકાય છે.
યુકેમાં બ્લડના વધુ પ્રમાણમાં સંગ્રહની તાકીદની જરૂરિયાત પ્રત્યેના પ્રતિભાવમાં સંસ્થાએ આ કેમ્પનું આયોજન કર્યું છે. કોવિડ-૧૯ અને અન્ય બીમારીઓને લીધે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને NHS દેશભરમાં બ્લડ ટ્રાન્સ્ફ્યુઝનની માગને પહોંચી વળવામાં સંઘર્ષ કરી રહી છે તથા ભવિષ્યમાં બ્લડની અછતની ચિંતા કરી રહી છે.
NHS ઈચ્છે છે કે કોરોના મહામારી દરમિયાન આપણે બ્લડ, પ્લાઝમા અને પ્લેટલેટ્સનું ડોનેશન કરતાં રહીએ. લોકલ લોકડાઉનના વિસ્તારોમાં બ્લડ અને પ્લાઝમાનું ડોનેશન ખૂબ જ મહત્ત્વના છે.
આ ડોનેશન આપણા નિઃસ્વાર્થનો સુંદર સંકેત બની રહેશે કારણ કે આ બ્લડ કે પ્લાઝમા કોને અપાયા તે આપ જાણી નહીં શકો પરંતુ, તેનાથી ઘણાં લોકોની જીંદગી બચાવી શકાશે.
NHS ના આંકડા દર્શાવે છે કે સમગ્ર જીવન દરમિયાન ચારમાંથી લગભગ એક વ્યક્તિને બ્લડની જરૂર પડશે. તેનો અર્થ એ કે એક નીકટનો મિત્ર, પરિવારના એક સભ્ય અથવા પાર્ટનરને તેમના જીવનમાં કોઈક તબક્કે બ્લડની જરૂર પડશે. બ્લડ ડોનેશન દ્વારા આપ કોઈક વ્યક્તિના પિતા. પુત્રી અથવા મિત્રને બચાવી શકશો, તેમનું રક્ષણ કરી શકશો.
NHS બ્લડ હેલ્પલાઈન 0300 123 2323 પર કોલ કરીને અથવા blood.co.ukપર વિઝિટ કરીને બ્લડ આપવા માટે એપોઈન્ટમેન્ટ નોંધાવી શકાશે.
uk.srmd.org/blood પર રજિસ્ટ્રેશન કરાવીને મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈ શકાશે. એપોઈન્ટમેન્ટની તારીખે ડોનેશન સેન્ટરની મુલાકાત લઈને બ્લડ આપી શકાશે.