લંડનઃ હિંદી સમિતિ યુકે દ્વારા તા.૮ અને તા.૧૬ ઓગસ્ટે બાળકો માટે પાંચ વિષયો પર ઓનલાઈન હિંદી ભાષણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. બ્રિટનના ઘણાં શહેરો તથા ઝ્યુરિચ, સ્વીત્ઝર્લેન્ડમાંથી ૯થી ૧૭ વર્ષના લગભગ ૭૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં ભાગ લેનાર VHP ઈલ્ફર્ડ હિંદી ક્લાસનો એક વિદ્યાર્થી પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. VHP ઈલ્ફર્ડ મેનેજમેન્ટ કમિટીએ આ સિદ્ધિ બદલ તેના માતા-પિતા અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
૯થી ૧૨ વર્ષમાં વર્તિકા સુશાંત પ્રથમ, આયાં પટેલ દ્વિતીય, અયાન ફસલ ત્રીજા અને અવની સિંહ ચોથા ક્રમે રહ્યા હતા. જ્યારે ૧૩ વર્ષથી ઉપરના સ્પર્ધકોમાં વીર ઠક્કર અને પ્રેરણા ઠક્કર સંયુક્ત રીતે પ્રથમ, આસ્થા પાટિલ દ્વિતીય અન પ્રણવ ભાટિયા ત્રીજા ક્રમે રહ્યા હતા. ઘણાં વર્ષોથી બ્રિટનમાં રહેતા પરંતુ, ભારતમાં જન્મેલા બાળકોના જૂથમાં મૃણાલી વિજયકુમાર પ્રથમ, શ્રુતિકા નાયર દ્વિતીય અને દિવ્યાક્ષી ત્રીજા ક્રમે રહ્યા હતા. જ્યારે પ્રોત્સાહન ઈનામ કુશલને મળ્યું હતું.
સૌએ બાળકોની ભાષણ શૈલી, વ્યાકરણ, શબ્દભંડોળ અને ઉચ્ચારોની પ્રસંશા કરી હતી. લગભગ પાંચ કલાક ચાલેલા આ કાર્યક્રમમાં સ્પર્ધકોએ પોતાના વિચારોને ખૂબ સુંદર રીતે વ્યક્ત કર્યા હતા. પ્રારંભમાં હિંદી સમિતિના પદમેશ ગુપ્તાએ સંસ્થાની માહિતી આપતા જણાવ્યું હતું કે ૧૯૯૦માં સ્થપાયેલી સમિતિ છેલ્લાં ૩૦ વર્ષથી સમગ્ર બ્રિટનમાં હિંદી ભાષાને પ્રોત્સાહન માટે કાર્યરત છે. દર વર્ષે ભાષણ તથા ડિબેટ સ્પર્ધાના વિજેતાઓને સમિતિ દ્વારા ભારતના પ્રવાસ લઈ જવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુરેખા ચોફલા અને ઉપાધ્યક્ષ શ્રીમતી સીમા વેદીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન હિંદી સમિતિની વિદ્યાર્થિનીઓ કર્યું હતું.