નવી દિલ્હીઃ આવતા વર્ષે 15 જાન્યુઆરી પછી લગભગ તરત અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાશે. આ હેતુથી 21 માર્ચ 2023થી 15 જાન્યુઆરી 2024 સુધી 300 દિવસ માટે, સમગ્ર દેશમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરથી એક વિશાળ ભક્તિ અભિયાન શરૂ કરાયું છે. સ્વામી શ્રી બાબા રામદેવજી (પતંજલિ યોગપીઠ, હરિદ્વાર), સ્વામી શ્રી ગોવિંદદેવ ગિરિજી (રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ, અયોધ્યા) અને સ્વામી શ્રી ભદ્રેશદાસજી (BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, અક્ષરધામ, દિલ્હી)ના સંયુક્ત નેજામાં આયોજિત આ કાર્યક્રમમાં વિશ્વખ્યાત સંતો, મહાત્માઓ, ધર્મગુરુઓ અને વિદ્વાન મહાનુભાવોએ ભાગ લીધો હતો.
સમગ્ર રાષ્ટ્રમાં પરસ્પર સ્નેહ, સૌહાર્દ, અને સંવાદિતા સાથે સમગ્ર રાષ્ટ્રમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પર આદરણીય સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજ, સ્વામી પુણ્યાનંદ ગિરીજી મહારાજ, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, જ્ઞાનાનંદજી મહારાજ, સ્વામી બાલકાનંદ ગિરિજી મહારાજ, સ્વામી પ્રણવાનંદ સરસ્વતીજી મહારાજ, સ્વામી વિશ્વેશ્વરાનંદ ગિરિજી મહારાજ, સ્વામી ગોપાલશરણદેવાચાર્યજી મહારાજ, જૈન આચાર્ય લોકેશ મુનિજી મહારાજ, ચંપત રાય (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા), નૃપેન્દ્ર મિશ્રા (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ સંપ્રદાયો - પ્રદેશો - ભાષા - સમુદાયોમાં વિભાજિત રાષ્ટ્રના નૈતિક, ચારિત્ર્ય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સશક્તિકરણ માટે અક્ષરધામ મંદિરના મંચ પર સૌએ એકઠા થઈને સંકલ્પ કર્યો કે શ્રીરામ મંદિરની સ્થાપના પહેલાં લાખો-હજારો ભક્તોએ હનુમાનજીની જેવી ભક્તિ જગાડવા માટે સમર્પિત થવું જોઈએ. આ માટે હનુમાન ચાલીસાનો પાઠ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરવો જોઈએ. આ વિશિષ્ટ ભક્તિ દેશભક્તિ, વિશ્વ કલ્યાણ અને ભાઈચારાનું પણ મૂળ હોવાથી, તેની વિધિ આગામી શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા સુધી ચાલુ રખાશે. આ સાથે ભગવાન શ્રી રામના જીવન પર આધારિત કથા-પ્રવચનો, પુસ્તક-નિબંધ લેખન, સુંદરકાંડ આધારિત કથાઓ, પરિષદો, પરિસંવાદો, સ્પર્ધાઓ વગેરે અનેક પ્રકારની ભક્તિ પ્રવૃત્તિ પણ વર્ષભર ચાલશે.